વિચિત્રવીર્ય
May, 2024
વિચિત્રવીર્ય : ચંદ્રવંશીના રાજા શાંતનુના સત્યવતીના ગર્ભથી પેદા થયેલ બે પુત્રો – ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. આમાંના ચિત્રાંગદને એક ગંધર્વ સાથે યુદ્ધ થતાં એનું મૃત્યુ થયું. શાંતનુનું અવસાન થતાં ભીષ્મે વિચિત્રવીર્યને રાજગાદી પર બેસાડ્યો. ભીષ્મ વિચિત્રવીર્ય માટે કાશીરાજની ત્રણ કન્યાઓ – અંબા, અંબિકા અને અંબાલિકાને જીતીને લઈ આવ્યા. આમાં અંબાએ પહેલેથી કોઈનું વરણ કરી લીધું હતું. આથી એણે વિચિત્રવીર્ય સાથે લગ્ન કરવાનો અસ્વીકાર કર્યો. અંબિકા અને અંબાલિકા સાથે રાજાનાં લગ્ન થયાં. વિચિત્રવીર્યનું જીવન અસંયમી હતું પરિણામે અલ્પવયે એનું નિઃસંતાન અવસ્થામાં અવસાન થયું. રાજ્યના ઉત્તરાધિકારી મેળવવા માટે ભીષ્મ અને માતા સત્યવતીના અનુરોધથી કૃષ્ણદ્વૈપાયન વ્યાસે નિયોગથી અંબિકામાં ધૃતરાષ્ટ્ર અને અંબાલિકામાં પાંડુને પેદા કર્યા.
પ્રવીણચંદ્ર પરીખ