વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ  Idealism) : જ્ઞાનવિષયક અને તત્વવિષયક વિચારણાને લગતી વિભાવનાની સાંગોપાંગ ચર્ચા. પ્રારંભિક : Idealism શબ્દનો અહીં આદર્શવાદ એવો અર્થ થતો નથી, કારણ કે અહીં સામાજિક, નૈતિક કે રાજકીય કે ધાર્મિક idealsની – આદર્શોની રજૂઆત અપેક્ષિત નથી. અહીં જ્ઞાનવિષયક અને તત્વવિષયક (metaphysical) વિચારણા રજૂ થઈ છે અને તે સંદર્ભમાં Idealism શબ્દનો અર્થ ‘વિચારવાદ’ એવો પ્રચલિત થયો છે. વિચાર કે idea શબ્દનો પણ આધુનિક પાશ્ર્ચાત્ય તત્વજ્ઞાનમાં ખાસ અર્થ છે  તેમાં સત્તરમી સદીથી ideas એટલે આપણી સભાનતાનો જે તત્કાલ વિષય છે તે, એમ સમજવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ જેવી કલ્પનાઓ, સ્મૃતિઓ, સ્વપ્નો, વિચારો, વિભાવનાઓ અને સંવેદનો – એ બધાંને ideas તરીકે ઓળખવામાં આવે છે. દાંતની પીડાનો અનુભવ કે લીંબુની ખટાશનો અનુભવ પણ આ ખાસ અર્થમાં ‘idea’ છે. આ અર્થમાં દરેક વ્યક્તિ પોતાના જ ideasને જાણી શકે છે. બે વ્યક્તિ એક દીવાલ સાથે અથડાય ત્યારે બંનેને પીડાનો અલગ અલગ અનુભવ થાય છે. બાહ્ય પદાર્થ દ્વારા જ્ઞાતાના મનમાં જે વિચારો (સંવેદનો, પ્રતિમાઓ વગેરે) ઉદ્ભવે છે તે બાહ્ય વસ્તુનું પ્રતિનિધાન (representation) કરે છે તેવો જ્હૉન લૉકનો મત છે. આ મતને વાસ્તવવાદ (realism) તરીકે ઓળખવામાં આવે છે. એટલે ideas આપણા જ્ઞાનનો તત્કાલ વિષય છે તેવું માનનારા બધા ચિંતકોને idealists ન કહેવાય. દા.ત., જ્ઞાતા સીધેસીધો તો પોતાના ideasને જ (એટલે કે અનુભવોને જ) જાણી શકે તેવું માનનાર લૉક વિચારવાદી નહિ, વાસ્તવવાદી હતા.

જો આપણે બાહ્ય વસ્તુને સીધેસીધી નહિ પણ સંવેદન-સામગ્રી(sense-data)ના માધ્યમથી જ જાણતા હોઈએ તો પછી બાહ્ય પદાર્થ જ્ઞાતાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં છે અને આપણામાં પેદા થતા અનુભવોનું તે કારણ છે તેવું કયા આધારે કહી શકાય ? આ આપત્તિને લીધે કેટલાક ચિંતકો સીધો (direct) વાસ્તવવાદ સ્વીકારે છે  જેમ કે, થૉમસ રીડ; ત્યારે બીજા કેટલાક ચિંતકો કોઈના પ્રત્યક્ષાનુભવમાં આવતા ન હોય તેવા જડ પદાર્થ(unperceived material object)નું અસ્તિત્વ જ સ્વીકારતા નથી  જેમ કે જ્યૉર્જ બર્કલી. આ અર્થમાં બર્કલી પ્રતિનિધાનાત્મક અને સીધા વાસ્તવવાદનો  બંનેનો અસ્વીકાર કરે છે અને જ્ઞાતાથી સ્વતંત્ર એવા બાહ્ય પદાર્થનો નિષેધ કરે છે. વૃક્ષ, ખડકો, પર્વતો, તારાઓ, મકાનો વગેરે નથી એમ બર્કલી કહેતા નથી પણ તે જ્ઞાતાના મનમાં ઉદ્ભવતા જ્ઞાનના આકારો કે છાપો કે પ્રત્યક્ષો સિવાય કશું નથી એમ બર્કલી કહે છે.

આધુનિક પાશ્ર્ચાત્ય તત્વજ્ઞાનમાં બાહ્ય જગતનું જ્ઞાતાથી સ્વતંત્ર અસ્તિત્વ છે કે નહિ એ પ્રશ્ર્ન ડેકાર્ટની સંશયપદ્ધતિને લીધે ઉદ્ભવ્યો હતો. સત્તરમી સદીના ભૌતિક પદાર્થના મૂળ સ્વરૂપ અંગેના વિશ્ર્લેષણથી પ્રભાવિત જ્હૉન લૉકના ideas(અનુભવો)ના માધ્યમથી વસ્તુનું જ્ઞાન થાય છે તેવા મતને લીધે પણ તે વધુ મહત્વનો બન્યો હતો.

વિચારવાદ (વિજ્ઞાનવાદ) (અહીં વિજ્ઞાન શબ્દને scienceના અર્થમાં લેવાનો નથી.)ના મુખ્ય ત્રણ પ્રકારો છે :

1. સ્વલક્ષી વિચારવાદ (વિજ્ઞાનવાદ) – બર્કલી

2. રૂપલક્ષી-સમીક્ષાત્મક વિચારવાદ – કાન્ટ

3. નિરપેક્ષ આત્મતત્વવાદી (absolutist) અને વસ્તુલક્ષી (objective) વિચારવાદ (ચૈતન્યવાદ)

વીસમી સદીમાં ઇંગ્લૅન્ડના ગ્રીન, બ્રેડલી, બૉસાંકે વગેરે અને અમેરિકામાં રૉઇસ, બ્લેનશેર્ડ વગેરેએ હેગેલની પરંપરાનો નિરપેક્ષ ચૈતન્યવાદ રજૂ કર્યો છે.

1. જ્યૉર્જ બર્કલી (1685-1753) : સ્વલક્ષી વિચારવાદ (વિજ્ઞાનવાદ) (Subjective Idealism) :

સત્તરમી સદીના વિજ્ઞાનના સંદર્ભમાં જ્હૉન લૉકે મૂળભૂત (primary) ગુણો અને ગૌણ ગુણોનો ભેદ રજૂ કર્યો હતો. પરસ્પર યાંત્રિક રીતે આંતરક્રિયા કરતા સ્વતંત્ર બાહ્ય ભૌતિક પદાર્થો પોતે જે ગુણો ધરાવે છે તે તેના મૂળ ગુણો છે; જેમ કે ગતિ, સ્થિતિ, કદ, વિસ્તાર, સંખ્યા વગેરે. મનુષ્યોની જ્ઞાનેન્દ્રિયો ઉપર ભૌતિક વસ્તુના આ મૂળ ગુણો ક્રિયા કરે ત્યારે મનુષ્યના મનમાં ideas – એટલે કે સંવેદનો, જ્ઞાનછાપો, જ્ઞાનસામગ્રી – ઉદ્ભવે છે અને જ્ઞાતા પોતે તો સીધેસીધો આવા ‘ideas’ને જ જાણે છે. આવા ideas જ્યારે મૂળ ગુણોને પ્રતિબિંબિત કરતા હોય છે ત્યારે આપણે બાહ્ય વસ્તુનું સાચું સ્વરૂપ જાણીએ છીએ. જ્યારે રંગ, સ્વાદ, ગંધ, સ્પર્શ જેવા વસ્તુમાં ન રહેતા પણ જ્ઞાતાને અનુભવાતા ગુણોને જ્ઞાતા જાણે છે ત્યારે તેને અનુરૂપ કોઈ ગુણો વસ્તુમાં હોતા નથી, તેથી તે ગુણોને લગતા અનુભવો જ્ઞાતાગત છે, વસ્તુગત નથી અને તે વસ્તુના મૂળ સ્વરૂપનું પ્રતિબિંબ પાડતા નથી. આમ લૉક પ્રતિનિધાનાત્મક વાસ્તવવાદ(representational realism)ને સ્વીકારે છે. સંવેદન-સામગ્રી જ આપણી વસ્તુનો તત્કાલ વિષય છે અને વસ્તુ પોતે આપણા અનુભવનો તત્કાલ વિષય નથી હોતી. લૉક મુજબ ગુણોના આધાર રૂપે રહેતા દ્રવ્ય(substance)ને જાણી શકાતું નથી.

લૉકનો આ મત બર્કલીને માન્ય ન થયો. જો આપણા પોતાના મનના અનુભવોને જ સીધી રીતે જાણતા હોઈએ અને જો બાહ્ય વસ્તુ પોતે ક્યારેય આપણા અનુભવનો સીધો વિષય બનતી જ ન હોય તો પછી બાહ્ય વસ્તુ જ્ઞાતાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં છે તે કેવી રીતે સાબિત થઈ શકે ? બર્કલીના મત પ્રમાણે લૉકનો મત સંશયવાદ અથવા ભૌતિકવાદ અથવા યંત્રવાદ કે પછી અંતે નિરીશ્વરવાદ તરફ ઢળી જાય છે. જોકે લૉક પોતે નિરીશ્વરવાદી ન હતા. ઈશ્વરવાદી અને આત્મવાદી બર્કલીને આ માન્ય નથી. મૂળ ગુણોના આશ્રયરૂપ અને ગૌણ ગુણોના કારણરૂપ બાહ્ય ભૌતિક દ્રવ્ય પોતે લૉકની પોતાની કબૂલાત મુજબ અજ્ઞાત છે તો પછી તેવા ભૌતિક દ્રવ્ય(matter)નો વિચાર જ પડતો મૂકવો બર્કલીને યોગ્ય લાગે છે. લૉક-સમર્થિત ભૌતિક દ્રવ્યનો બર્કલી નિષેધ કરે છે. મારી સામે દેખાતું વૃક્ષ એ મારા વૃક્ષવિષયક અનુભવોનો સમૂહ (collection of sense data) જ છે તેમ માનવું બર્કલી પ્રમાણે વધુ બુદ્ધિગમ્ય છે.

બર્કલી મુજબ ભૌતિક વસ્તુનું અસ્તિત્વ કોઈક જ્ઞાતા દ્વારા તેનું પ્રત્યક્ષ થવામાં રહેલું છે. (To be is to be perceived) ‘હોવું એટલે કોઈના પ્રત્યક્ષમાં આવવું’. આપણે ‘વસ્તુ’ના જે જુદા જુદા ગુણોના અનુભવો કરીએ છીએ તેનું કારણ ભૌતિક દ્રવ્ય નથી, પણ ઈશ્વર છે. બર્કલી એમ કહેવા નથી માગતા કે હું વૃક્ષ ન જોતો હોઉં ત્યારે તે વૃક્ષનું અસ્તિત્વ ત્યાં રહેતું નથી, કારણ કે બર્કલી પ્રમાણે કોઈ જ્ઞાતા તેને અનુભવતો ન હોય ત્યારે પણ વસ્તુઓ ઈશ્વરના પ્રત્યક્ષાનુભવ(perception)નો વિષય તો હોય જ છે. બર્કલીનો દૃદૃષ્ટિસૃદૃષ્ટિવાદ તદ્દન વ્યક્તિગત દૃષ્ટિસૃદૃષ્ટિવાદ નથી. વિચાર ન કરનાર (ભૌતિક) વસ્તુઓનું અસ્તિત્વ તેનું કોઈક જ્ઞાતા દ્વારા પ્રત્યક્ષ થવામાં રહેલું છે એવો બર્કલીનો મત ‘સ્વલક્ષી કે જ્ઞાતાગત વિચારવાદ’ કહેવાય છે. તે મુખ્યત્વે જ્ઞાનમીમાંસાને લગતો મત છે. સામાન્ય સમજણની કક્ષાએ વૃક્ષ, ખડક, પથ્થર, ચન્દ્ર વગેરેનું સ્વતંત્ર અસ્તિત્વ માનવામાં આવે છે. બર્કલીની ભાષામાં તેને અનુભવતા ન હોઈએ ત્યારે ઈશ્વર તેને અનુભવે છે; માટે તેનું અનુભવનિરપેક્ષ અસ્તિત્વ નથી.

2. કાન્ટ (1724-1804) : સમીક્ષાત્મક વિચારવાદ : કાન્ટનો અભિગમ સમીક્ષાત્મક (critical) કે રૂપલક્ષી (formal) વિચારવાદનો છે. કાન્ટનો અભિગમ મૂળગામી (transcendental) વિચારવાદનો કે વિજ્ઞાનવાદનો છે. આ મત મુજબ આપણને અનુભવમાં આવતી સંવેદનસામગ્રીને આપણે પોતે જ જ્ઞાતા તરીકે ઉત્પન્ન કરતા નથી, પરંતુ એ સંવેદનસામગ્રીમાંથી જ્ઞાનના વિષયનું ઘડતર સર્વ માનવજ્ઞાતાઓના મનની કાયમી સંરચનામાં રહેલાં અનુભવપૂર્વેનાં સમાન એવા જ્ઞાનનાં આકારો કે રૂપો(forms)ને લીધે જ થાય છે. કાન્ટ પ્રમાણે દેશ-કાળ એ પ્રત્યક્ષાનુભવનાં પ્રાગાનુભવિક (a-priori) રૂપો છે અને દ્રવ્ય, કાર્યકારણ વગેરે વિચારનાં પ્રાગાનુભવિક, અનુભવનિરપેક્ષ મૌલિક રૂપો છે. આ રૂપો વસ્તુજન્ય સંવેદનસામગ્રી ઉપર પ્રક્રિયા ન કરે તો જ્ઞાનનો કોઈ વિષય જ ઘડાતો નથી. અત્યારની ભાષામાં કહેવું હોય તો સંવેદનસામગ્રી એ બહારથી જ્ઞાતાને મળતી માહિતી (input) છે અને દેશ-કાળનાં પ્રત્યક્ષરૂપો અને દ્રવ્ય-કારણ વગેરે વિચારરૂપો (categories) બહારથી મળતી સંવેદન-સામગ્રી ઉપર પ્રક્રિયા (processing) કરે છે અને તેમાંથી પરિણમતું વિષયજ્ઞાન એ તેનું પરિણામ (output) છે. મૌલિક અને અનુભવપૂર્વે પ્રવર્તતા જ્ઞાનના આવા આકારો અનુભવપ્રાપ્ત સંવેદનસામગ્રી સાથે જોડાય નહિ તો જ્ઞાનનો વિષય કે જ્ઞાન કશું શક્ય નથી. જ્ઞાનનાં મૌલિક રૂપોનું જ્ઞાનના વિષયની રચનામાં નિર્ણાયક યોગદાન સ્થાપનારો કાન્ટનો મત તેથી જ રૂપલક્ષી વિજ્ઞાનવાદનો મત છે. કાન્ટ લૉકનો વાસ્તવવાદ કે બર્કલીનો વિચારવાદ સ્વીકારતા નથી.

કાન્ટનો રૂપલક્ષી વિચારવાદ (વિજ્ઞાનવાદ) કાન્ટના મત પ્રમાણે બર્કલીના અનુભવલક્ષી (empirical) વિજ્ઞાનવાદથી એટલા માટે જુદો છે કે રૂપલક્ષી વિચારવાદ(formal idealism)માં કેવળ જ્ઞાનનાં રૂપોને જ મનોગત માનવામાં આવે છે. જ્યારે અનુભવલક્ષી વિજ્ઞાનવાદ પ્રમાણે તો જ્ઞાનની સામગ્રી (content-matter) પણ જ્ઞાતાજન્ય છે. એટલે જ અનુભવલક્ષી વિજ્ઞાનવાદ (બર્કલી) બાહ્ય વસ્તુના જ્ઞાતાથી સ્વતંત્ર હોય તેવા અસ્તિત્વનો નિષેધ કરે છે અને આપણો અનુભવ કેવળ માનસિક સામગ્રીનો જ છે તેવું તેમાં માનવામાં આવે છે. બાહ્ય વસ્તુઓ, આ મત પ્રમાણે, અનુભવરૂપ છાપો (impressions) સિવાય કશું નથી.

કાન્ટ બર્કલીના મતને અનુભવાત્મક વિચારવાદ (empirical idealism) ગણે છે અને ડેકાર્ટના મતને સમસ્યાત્મક વિચારવાદ ગણે છે. બર્કલી જ્ઞાતાથી સ્વતંત્ર બાહ્ય પદાર્થના અસ્તિત્વનો નિષેધ કરે છે અને જ્ઞાનની સામગ્રીને પણ જ્ઞાતાજન્ય ગણે છે. કાન્ટને તે માન્ય નથી. ડેકાર્ટે બાહ્ય વસ્તુઓના જગત(external world)ના અસ્તિત્વને વિશે સંશયાત્મક દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. તેથી ડેકાર્ટનો સંશયાત્મક (sceptical) વિચારવાદ પણ કાન્ટને મંજૂર નથી. બર્કલીના મતસ્થાપક (dogmatic) અને ડેકાર્ટના સમસ્યાત્મક (problematic) વિચારવાદ સામે કાન્ટ અનુભવાત્મક (empirical) વાસ્તવવાદ રજૂ કરે છે, કારણ કે જ્ઞાનની સામગ્રી જ્ઞાતાજન્ય નથી. કાન્ટનો મત રૂપલક્ષી વિચારવાદનો છે, કારણ કે જ્ઞાનનું ઘડતર મનોગત રૂપોને અધીન છે. પોતાનામાં સત્ હોય તેમજ સ્વતંત્ર હોય તેવી વસ્તુઓનું જ્ઞાન શક્ય છે તેવો મત મૂળગામી વાસ્તવવાદ છે. કાન્ટને તે માન્ય નથી.

જ્ઞાનને અને જ્ઞાનના વિષયને શક્ય બનાવનારી અનિવાર્ય, વસ્તુલક્ષી, સર્વદેશી, અચલ શરતોની શોધને કાન્ટ મૂળગામી (transcendental) શોધ કહે છે. આવી મૂળગામી દૃષ્ટિએ તપાસતાં કાન્ટને સમજાયું કે મૂળગામી દૃષ્ટિએ જગતની તમામ વસ્તુઓ ઇન્દ્રિયગમ્ય પ્રતિભાસમાન વસ્તુઓ (phenomenal objects) છે. આવી વસ્તુઓનું સ્વરૂપ આપણા જ્ઞાનતંત્રની મૌલિક ક્ષમતા અને સંરચનાને લીધે ઘડાય છે. ટૂંકમાં, કાન્ટનો મત એ છે કે અનુભવની કક્ષાએ બાહ્ય જગત વાસ્તવિક રીતે સત્ (empirically real) છે; પણ મૂળગામી દૃષ્ટિએ તે વસ્તુઓ તો જ્ઞાનની સંરચનાને અધીન એવા જ્ઞેય વિષયો જ છે. જે વસ્તુઓનું સ્વરૂપ આપણા જ્ઞાનથી સંરચનાની દૃષ્ટિએ ઘડાતું ન હોય તેવી તમામ મૂળ વસ્તુઓને કાન્ટ મૂળગામી દૃષ્ટિએ સત્ (transcendentally real) ગણે છે. કાન્ટના મતે મૂળ વસ્તુઓ પોતે જ્ઞેય હોય છે તેવો સિદ્ધાન્ત મૂળગામી વાસ્તવવાદ છે અને મૂળ વસ્તુઓ પોતે જ્ઞેય નથી, પણ જે કંઈ હોય છે તે ઇન્દ્રિયગમ્ય પ્રતિભાસમાન વસ્તુઓ જ છે તેવો મત મૂળગામી વિજ્ઞાનવાદ છે. આ મત મુજબ વસ્તુઓ અને સ્વતત્વ (self) બંનેનો દરજ્જો સરખો છે. બંને ભાસમાન વિષયો તરીકે જ જ્ઞાત છે. કાન્ટના મત મુજબ તમામ અનુભવની સીમાઓની પેલે પારનું પારગામી (transcendent) જ્ઞાન શક્ય નથી એવું મૂળગામી (transcendental) દૃષ્ટિએ સમજાય છે. કાન્ટ આ રીતે મૂળગામી વાસ્તવવાદ અને અનુભવાત્મક વિજ્ઞાનવાદનો વિરોધ કરીને મૂળગામી વિજ્ઞાનવાદ (વિચારવાદ) અનુભવાત્મક વાસ્તવવાદનો સ્વીકાર કરે છે.

3. કાન્ટ પછીના જર્મન વિચારવાદીઓ : નિરપેક્ષવાદ : ફિખટે (1762-1814), શેલિંગ (1775-1854) અને હેગેલ (1717-1831) કાન્ટ પછીના નિરપેક્ષવાદી વિજ્ઞાનવાદીઓ કે ચૈતન્યવાદીઓ છે. આ ત્રણેયથી જુદી રીતે હેગેલના વિરોધી શોપનહોઅરે (1788-1860) કેટલેક અંશે કાન્ટને અનુસરતો વિજ્ઞાનવાદ રજૂ કર્યો છે. કાન્ટનો વિજ્ઞાનવાદ કાન્ટ પછી નિરપેક્ષવાદ (absolutism) બની ગયો. ફિખટે, શેલિંગ અને હેગેલે કાન્ટનો મૂળ વસ્તુઓનો સિદ્ધાંત રદ કર્યો. અજ્ઞાત મૂળ વસ્તુઓ ધારવાની જરૂર નથી. આ ચિંતકો મુજબ કાન્ટે મનુષ્યના જ્ઞાનની વિવિધ શક્તિઓ વચ્ચે અત્યંત ભિન્નતા વિચારી છે; તેથી તેમના સહયોગથી જ્ઞાન કેવી રીતે શક્ય બને તે જ પ્રશ્ર્ન ઉદ્ભવે છે.

વ્યક્તિગત પરિમિત (finite) જ્ઞાતા અને તેના જ્ઞાનના વિષય તરીકેની બાહ્ય વસ્તુ એ બે વચ્ચે કેવો સંબંધ છે એ પ્રશ્ર્ન જ નિરપેક્ષવાદીઓ માટે ગૌણ બની ગયો હતો. હેગેલે સર્વદેશી અ-વ્યક્તિરૂપ આત્મતત્વ(‘Giest’  જર્મન શબ્દ; ‘spirit’ એ તેનો અંગ્રેજી પર્યાય)નો નિરપેક્ષ તત્વ તરીકે સ્વીકાર કર્યો અને પ્રકૃતિમાં અને માનવઇતિહાસમાં તેના આવિષ્કારોની વિચારણા રજૂ કરી. ઇતિહાસ, સમાજ, ધર્મ, કલા અને તત્વજ્ઞાનને આવા નિરપેક્ષ તત્વ સાથે જોડીને વિચારવાનો હેગેલનો પ્રયત્ન ખાસ નોંધપાત્ર છે. સમગ્રતાવાદી (holistic) વિચારપદ્ધતિને હેગેલે દૃઢ કરી.

4. બ્રિટિશ નિરપેક્ષ વિચારવાદ (British Idealism) : ટી. એચ. ગ્રીન (1836-1882), એફ. એચ. બ્રૅડલી (1846-1924) અને બર્નાર્ડ બૉસાંકે (1848-1923) ઓગણીસમી સદીના અંતના અને વીસમી સદીના પ્રારંભના મુખ્ય નિરપેક્ષ વિજ્ઞાનવાદીઓ છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ટી. એલ. એસ. સ્પ્રિગ (જ. 1932) આ અભિગમના મુખ્ય ચિંતક તરીકે જાણીતા થયા છે.

બ્રિટિશ વિચારવાદીઓ (ચૈતન્યવાદીઓ) મુખ્યત્વે બે જર્મન ચિંતકો – કાન્ટ અને હેગેલથી પ્રભાવિત થયા હતા. તેમણે જ્હૉન લૉક, ડૅવિડ હ્યૂમ, જ્હૉન સ્ટુઅર્ટ, મિલ વગેરેના તાત્ત્વિક મતનો અસ્વીકાર કર્યો હતો. તેમણે જર્મન પરંપરામાંથી મુખ્યત્વે નીચે દર્શાવેલા ત્રણ વિચારવિષયો (themes) સ્વીકાર્યા હતા :

(1) નિરપેક્ષ પરમતત્વ(absolute)નો વિચાર

(2) આંતરિક સંબંધોનો વિચાર

(3) સત્ય અંગેનો સુસંગતતા સિદ્ધાંત

(4) મૂર્ત સામાન્ય(concrete universal)નો વિચાર અને

(5) વ્યક્તિવાદ, અણુવાદ અને યંત્રવાદનો વિરોધ

આમ તો ગુણધર્મો, સંબંધો અને પ્રકારોનો સમાવેશ સામાન્યો(universals)માં થાય છે અને તેને અમૂર્ત અભૌતિક સામાન્યો કહેવાય છે. દા.ત., લાલાશ (ગુણધર્મ), મનુષ્યત્વ (પ્રકાર) અને ‘……….ની વચમાં હોવાપણું’ (betweenness) (સંબંધ) એ અમૂર્ત સામાન્યો છે પણ વિજ્ઞાનવાદીઓ આંતરિક સંબંધોથી જ જોડાયેલી તમામ વસ્તુઓની એક સમદૃષ્ટિને જ નિરપેક્ષ તત્વ તરીકે ઘટાવીને તેને ‘મૂર્ત સામાન્ય’ એ રીતે ઓળખાવે છે.

બ્રિટિશ નિરપેક્ષવાદીઓથી વીસમી સદીના અમેરિકન ફિલસૂફો જોસીઆહ રૉઇસ અને બ્લેનશેર્ડ પ્રભાવિત થયા હતા અને બ્રિટિશ તેમજ અમેરિકન વિજ્ઞાનવાદીઓ ઉપર જર્મન નિરપેક્ષતત્વવાદનો પ્રભાવ પડ્યો હતો. બર્ટ્રાન્ડ રસેલ અને જી. ઈ. મૂરના વાસ્તવવાદને લીધે બ્રિટિશ વિચારવાદનો પ્રભાવ પાછળથી ઘટી ગયો.

(a) બ્રૅડલી : અન્ય વિજ્ઞાનવાદીઓની જેમ બ્રેડલી તમામ સંબંધોને આંતરિક (internal) સંબંધો માને છે. બર્ટ્રાન્ડ રસેલ અને બીજા વાસ્તવવાદીઓ તમામ સંબંધોને બાહ્ય (external) સંબંધો માને છે. વાસ્તવવાદીઓ અનેકતત્વવાદ (pluralism) સ્વીકારે છે. જ્યારે વિજ્ઞાનવાદીઓ એકતત્વવાદ (monism) સ્વીકારે છે. વાસ્તવવાદીઓ પ્રમાણે જગત એકબીજા સાથે બાહ્ય સંબંધો ધરાવતી સ્વતંત્ર વસ્તુઓનું બનેલું છે. તેથી જ તો વાસ્તવવાદીઓ (realists) અનેકતત્વવાદીઓ હોય છે. વિજ્ઞાનવાદી ચિંતકો મુજબ દરેક વસ્તુ બીજી દરેક વસ્તુ સાથે આંતરિક સંબંધથી જોડાયેલી છે; તેથી દરેક વસ્તુનું સ્વરૂપ અને તેની ઓળખ બીજી દરેક વસ્તુ સાથેના તેના સંબંધોથી નિર્ધારિત થાય છે. તેથી જ તમામ વસ્તુઓ એક સમદૃષ્ટિરૂપ નિરપેક્ષ તત્વ(absolute)ના અંશ તરીકે જ ઘટાવવી પડે. આવું નિરપેક્ષ તત્વ જ સાચા અર્થમાં એક મૂર્ત (concrete) તત્વ છે. કારણ કે તે સર્વસમાવેશક છે, બધું તેના ઉપર અવલંબે છે પણ તે પોતે કશા ઉપર અવલંબતું નથી. નિરપેક્ષ સતતત્વમાં સમાવેશ પામતી વસ્તુને તેનાથી સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતી ગણવી તે બ્રૅડલીના મત મુજબ ઉચિત નથી. જ્યાં સુધી જુદી જુદી સ્વતંત્ર વસ્તુઓને બાહ્ય સંબંધોથી સંકળાયેલી માનવામાં આવે છે ત્યાં સુધી આપણે અંશ અને સમદૃષ્ટિ/સમગ્રતાને સાચી રીતે સમજી શકીશું નહિ. તેથી જ નિરપેક્ષ એકતત્વવાદને જ સાચા અર્થમાં પરમ સત્તત્વ (ultimate reality) તરીકે સમજવો પડે. પરમતત્વ એક સુસંગત સમદૃષ્ટિ (coherent whole) છે અને અખંડ સાથેની, સમગ્રતા સાથેની સંગતિ સિવાયનો ખંડવસ્તુનો વિચાર અનેક આપત્તિઓ વ્યાઘાતો સર્જે છે. નિરપેક્ષ પરમ-તત્વ એ કોઈ વ્યક્તિરૂપ ઈશ્વર નથી તે સ્પષ્ટ છે. બ્રૅડલીએ નિરપેક્ષ સતને સર્વસમાવેશક અનુભવસ્વરૂપે વિચારે છે.

(b) થૉમસ ગ્રીન : ગ્રીને હ્યૂમના સંવેદનવાદનો અને સ્પેન્સરના ઉત્ક્રાંતિલક્ષી તત્વજ્ઞાનનો અસ્વીકાર કર્યો. કોઈ પણ પ્રકારનો યંત્રવાદ તેમને માન્ય ન હતો. અવયવી (whole) અને અવયવો (parts) એકબીજા સાથે યાંત્રિક રીતે જોડાયેલા છે અને અવયવીથી અવયવો સ્વતંત્ર છે તેવો મત તેમને મંજૂર નથી. અવયવી-અવયવ વચ્ચે આંતરિક સંબંધ છે, બાહ્ય સંબંધ નહિ.

ગ્રીનના મત પ્રમાણે મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો ભેદ મનુષ્યની સ્વ-સભાનતા(self-consciousness)માં રહેલો છે. મનુષ્યો પોતાની સભાનતાથી સભાન છે. સ્વ-સભાનતાનો ખુલાસો યંત્રવાદી કે પ્રકૃતિવાદી ચિંતન આપી શકે નહિ.

વિચાર અને સતતત્વનો સંબંધ સંયોજનનો છે, વિયોજનનો નહિ. સદ્વસ્તુ (reality) ગ્રીનની દૃષ્ટિએ અ-ભૌતિક છે, આત્મિક છે, ચૈતન્યસ્વરૂપ છે. Reality એક એવું તત્વ છે કે જે બધા સંબંધોને શક્ય બનાવે છે અને જે પોતે કોઈ સંબંધથી નિર્ધારિત થતું નથી. કારણ કે બધા સંબંધો એક અખંડ સતમાં જ સમાવેશ પામે છે. શાશ્વત ચેતના જેને પૂર્ણ રીતે જાણે છે તેને મનુષ્યો આંશિક રૂપમાં જાણે છે. મનુષ્ય પોતાની સ્વ-સભાનતાની ક્ષમતાને લીધે જ નૈતિક મૂલ્યાંકનો કરી શકે છે. જુદી જુદી વ્યક્તિઓ અખંડિત સમાજના ભાગ રૂપે જ પોતાના નૈતિક વ્યક્તિત્વને સાકાર કરી શકે. ગ્રીન જ્ઞાનના, સતના કે નૈતિકતાના ક્ષેત્રે અણુવાદ, વ્યક્તિવાદ અને યંત્રવાદનો અસ્વીકાર કરે છે. જે સત્ છે તે whole  સમગ્ર છે, સમૂહ કે ઢગલો (aggregate) નથી. અને આ whole ભૌતિક નથી, આત્મિક સ્વરૂપનું તત્વ છે. સાચું શ્રેય શેમાં છે તે મનુષ્યની તર્કબુદ્ધિ નિશ્ચિત કરે છે. જોકે આધ્યાત્મિક સદ્વસ્તુ શા માટે ભૌતિક તરીકે દેખાય છે તે પ્રશ્ર્ન તો છે જ.

(c) બર્નાર્ડ બૉસાંકે : ગ્રીન અને બ્રેડલીની જેમ જ હેગેલના પ્રભાવ હેઠળ બૉસાંકે માને છે કે સત્ અંતે તો સુસંગત અને સર્વસમાવેશક સમગ્રતા (comprehensive whole) છે, જેને ‘નિરપેક્ષ તત્વ’ કહેવાય. આવા વ્યાપક સુગ્રથિત તત્વમાં જ એક હકીકતના પરસ્પર વિરોધી અર્થઘટનોનો સમાવેશ થઈ શકે છે. નિરપેક્ષ તત્વને બૉસાંકે મૂલ્ય સાથે પણ જોડે છે. મનુષ્ય તો આ તત્વનો એક અંશમાત્ર છે. તે પોતાની વ્યક્તિગત ઇચ્છાઓને છોડીને શ્રેયને શરણે જાય તો જ તે મૂલ્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકે. મનુષ્યો તેમનાં સાચાં મૂલ્યો અને ધ્યેયો સમુદાયોમાં જ સાકાર કરી શકે. કારણ કે સમગ્ર (whole) તેના અંશો કરતાં વધુ મૂલ્યવાન છે. અણુવાદી વ્યક્તિવાદનો ગ્રીનની જેમ જ બૉસાંકે અસ્વીકાર કરે છે.

બ્રૅડલીએ કહ્યું હતું કે પરમતત્વ (reality) જ સુસંગત, સંવાદી અને સુગ્રથિત અનુભવરૂપ છે. તેમાં કોઈ વ્યાઘાત/સ્વવિરોધ/અંતર્વિરોધ નથી. જેમાં આવો કોઈ વ્યાઘાત (contradiction) હોય તે તો ખંડિત કે આંશિક અવભાસ/પ્રતિભાસ (appearances) જ છે. અનુભવની સમગ્રતા(experience in its totality)ને જ બ્રૅડલી પરમ સતતત્વ કહે છે. એકીભૂત, સુસંગત અને સર્વસમાવેશક સતતત્વને બ્રૅડલી absolute કહે છે. બૉસાંકે પણ આ જ પ્રકારનો મત ખાસ કરીને સમાજ/રાજ્ય અને વ્યક્તિના સંબંધમાં રજૂ કરે છે. નિરપેક્ષ નિરુપાધિક સમદૃષ્ટિને સ્વીકારો તો દરેક આંશિક અનુભવને પ્રતિભાસ (appearance) જ ગણવો પડે તેવું બ્રૅડલીએ સ્થાપ્યું છે.

(d) ટી. એલ. એસ. સ્પ્રિગે (. 1938) : સ્પ્રિગે ગ્રીન બ્રૅડલી અને બૉસાંકેની જેમ જ પરમ નિરપેક્ષ તત્વને સ્વીકારે છે. આ ઉપરાંત સ્પ્રિગે સર્વચૈતન્યવાદ (panpsychism) પણ સ્વીકારે છે. જગતમાં જે કંઈ છે તેમાં ચૈતન્ય છે, mindનું તત્વ છે તેવો મત સર્વચૈતન્યવાદ કહેવાય છે. અણુમાં અણુચેતના છે, ખડકમાં ખડક-ચેતના છે, વૃક્ષમાં વૃક્ષચેતના છે એવું સર્વચૈતન્યવાદ સ્વીકારે છે. કેટલાક ‘આઇડિયાલિસ્ટ’ ચિંતકો ઉપરાંત ઘણા જડ/ચેતન દ્વૈતવાદીઓ અને અનેકતત્વવાદીઓ પણ સર્વચૈતન્યવાદીઓ છે, તેથી પાશ્ર્ચાત્ય ચિંતનમાં idealism અને panpsychismને જુદાં સમજવાં જોઈએ. સ્પિનોઝા (1632-77), લાય્બ્નિઝ (1646-1716), વિલ્હેલ્મ વુન્ટ (1832-1920), વિલિયમ જેઇમ્સ (1842-1910), આર્થર શોપનહોઅર (1788-1860), વ્હાઇટહેડ (1861-1947) વગેરે સર્વચૈતન્યવાદી ચિંતકો હતા. બાહ્ય ભૌતિક વસ્તુ કોઈનો માનસિક અનુભવ છે તેવું માનવાની સર્વચૈતન્યવાદીઓને જરૂર નથી.

4. અમેરિકન નિરપેક્ષ વિચારવાદ : તેમાં મુખ્યત્વે જે. રૉઇસ (1855-1916) અને બ્રાન્ડ બ્લેનશેર્ડ(1892-1987)નો સમાવેશ થાય છે. બાહ્ય ભૌતિકવસ્તુઓને એક નિરપેક્ષ જ્ઞાતા દ્વારા જ્ઞાત થયેલા જગત તરીકે જ રૉઇસ સમજે છે. સદ્વસ્તુ (reality) રૉઇસ મુજબ ‘વિશ્વરૂપ આત્મા’ (world soul) છે અને મનુષ્યો તેમજ અન્ય તમામ વસ્તુઓ તેના અંશો છે. જોકે દરેક વસ્તુને તેની પોતાની માનસિક જિંદગી છે તેવું નથી પણ વિશ્વચેતના દ્વારા ગ્રાહ્ય વિચાર તરીકે તો દરેક વસ્તુ અસ્તિત્વમાં છે. રૉઇસ સર્વચૈતન્યવાદી હતા. ગ્રહો, તારાઓ, ગૅલેક્સીઓ વગેરેમાં પણ ચૈતન્ય છે તેવું તેઓ સ્વીકારે છે. આમ રૉઇસના મત ‘idealist panpsychism’ વિચારવાદી સર્વચૈતન્યવાદ છે. સ્પ્રિગે રૉઇસને અનુસર્યા જણાય છે.

વીસમી સદીમાં તર્કબુદ્ધિના પ્રખર પક્ષકાર બ્લેનશૅર્ડ બ્રૅડલી અને રૉઇસની જેમ સર્વવ્યાપક સર્વસમાવેશક તર્કબુદ્ધિગમ્ય નિરપેક્ષ તત્વને સ્વીકારે છે. એકબીજાથી અલગ વસ્તુઓ એકબીજા સાથે બાહ્ય સંબંધોમાં છે તેવું બ્લેનશેર્ડ સ્વીકારતા નથી. આંતરિક અને અનિવાર્ય સંબંધોથી જોડાયેલી વસ્તુઓની સમદૃષ્ટિ બ્લેનશેર્ડ સ્વીકારે છે. જોકે બ્લેનશેર્ડે તર્કબુદ્ધિ-આધારિત વિશ્ર્લેષણ કરીને જ્ઞાનના ક્ષેત્રે, નૈતિક ક્ષેત્રે અને ધર્મના ક્ષેત્રે અન્ય ચિંતકોની અદ્ભુત સમીક્ષા કરી છે. બ્રૅડલીની જેમ જ નિરપેક્ષ તત્વને વ્યક્તિરૂપ (personal) ઈશ્વર તરીકે સમજવાનું નથી તેવું બ્લેનશેર્ડ માને છે.

આમ, બર્કલીથી શરૂ થયેલા સ્વલક્ષી વિચારવાદ, કાન્ટના રૂપલક્ષી વિચારવાદના તબક્કે આવ્યો અને હેગેલમાં તેમજ હેગેલ પછી ગ્રીન, બ્રૅડલી, બૉસાંકે, રૉઇસ વગેરેમાં તે નિરપેક્ષ તત્વવાદી વિચારવાદ કે ચૈતન્યવાદમાં પરિણમ્યો. અહીં એ નોંધવું જોઈએ કે આધુનિક પાશ્ર્ચાત્ય નિરપેક્ષવાદી ચૈતન્યવાદીઓ શાસ્ત્રપ્રમાણ કે શબ્દપ્રમાણના આધાર વગર, સાધના કે ગૂઢવાદ/રહસ્યવાદના ટેકા વગર અને વ્યક્તિગત આધ્યાત્મિક અનુભવના બળ વગર જ કેવળ તર્કબુદ્ધિ-આશ્રિત ચિંતનથી જ પરમતત્વનો વિચાર કરે છે. તેમાં તેમણે આંતરિક સંબંધો અને સત્ય અંગે સુસંગતતાના મત(coherence theory of truth)ને પોતાના ચિંતનમાં સ્થાન આપ્યું છે. પાશ્ર્ચાત્ય તત્વચિંતનમાં ‘Mind’ અને ‘Idea’ શબ્દના વિશેષ અર્થો ધ્યાનમાં લીધા વગર આ પરંપરા સમજવી મુશ્કેલ જણાય છે. ‘વિચારવાદ’ શબ્દ પ્રચલિત છે પણ પર્યાપ્ત જણાતો નથી.

હરસિધ્ધ મ. જોશી, મધુસૂદન બક્ષી