વિચારક્રિયા : આંતરિક મનોવ્યાપારને લગતી ક્રિયા. આ એક જટિલ માનસિક પ્રક્રિયા છે. તેમાં ઇન્દ્રિયો દ્વારા વાતાવરણમાંથી એકત્ર કરવામાં આવતી અથવા ભૂતકાળના અનુભવની સ્મૃતિમાં સંગ્રહાયેલી માહિતી ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. વિચારક્રિયાને પરિણામે પ્રાપ્ત માહિતીનું રૂપાંતરણ થાય છે; તેમાં અનુમાન કરવું, અમૂર્તીકરણ કરવું, તર્ક કરવો, કલ્પના કરવી, નિર્ણય કરવો, સમસ્યા ઉકેલવી વગેરે ક્રિયાઓ અને સર્જનાત્મક વિચારક્રિયાનો સમાવેશ થાય છે.

વિચારક્રિયાથી અન્ય પ્રકારની અનેક ક્રિયાઓ સરળતાથી જોઈ શકાય છે, નોંધી શકાય છે; પરંતુ કોઈ શું વિચારે છે તે સરળતાથી જોઈ શકાતું નથી. પણ તેથી વિચાર એ ભ્રમણા કે તુક્કો છે, તેનું કોઈ અસ્તિત્વ જ નથી એવું કહી શકાય નહિ. વિચારક્રિયા કેટલીક વાર અન્ય મનોવ્યાપારો કરતાં પણ વધારે સક્રિય અને પ્રભાવશાળી હોય છે.

ગેરેટ તેની વ્યાખ્યા આપતાં કહે છે કે ‘‘વિચાર અદૃષ્ટ આંતરિક મનોવ્યાપાર છે. માનસ-પ્રતિમાઓનાં અન્વેષણ અને સ્નાયુઓની અલ્પ અને લગભગ અગોચર, હલચલ રૂપે તે આકાર લે છે.’’ ગેરેટ જણાવે છે કે માનવીની વિચારક્રિયાને ‘બોલતી’ ઘડિયાળની યાંત્રિક ક્રિયા સાથે સરખાવી શકાય; દા.ત., જેમ ચાવી મળવાથી ઘડિયાળ ક્રિયાશીલ બને છે તેવી રીતે પ્રશ્ન ઉપસ્થિત થતાં વ્યક્તિની વિચારક્રિયા આરંભાય છે. જેમ ઘડિયાળનાં વિવિધ નાનાંમોટાં ચક્રો ગતિમાન બનતાં તેમાં ડંકા વાગે છે તેવી રીતે મગજમાં સ્મરણ, કલ્પના, નિગમન-વ્યાપ્તિ, તર્ક અને પ્રયત્ન-ભૂલરૂપ મનોવ્યાપારોનાં અનેકવિધ નાનાંમોટાં ચક્રોના પ્રવર્તનના પરિણામ રૂપે નિર્ણય પ્રગટ થાય છે.

વિચારક્રિયાનું સ્વરૂપ : વુડવર્થના મત પ્રમાણે વિચારક્રિયામાં આ ઘટકો છે : (1) ધ્યેયોન્મુખ બનવું; (2) ધ્યેયપ્રાપ્તિ માટેનો માર્ગ શોધવો; (3) ભૂતકાળના અનુભવમાંથી, વર્તમાન સમસ્યાના ઉકેલમાં સહાયભૂત બને તેવી બાબતોનું સ્મરણ કરવું; (4) વર્તમાન પરિસ્થિતિ સાથે ભૂતકાળના અનુભવબોધને બંધબેસતા કરી, નવો ઉકેલ નિપજાવવાનો પ્રયત્ન કરવો; (5) આંતરિક વાચા અને અંગચેષ્ટાઓ.

વિચારક્રિયાનાં લક્ષણો : (1) વિચારક્રિયા સક્રિય મનોવ્યાપાર છે. (2) તે અદૃષ્ટ મનોવ્યાપાર છે. (3) તેમાં પ્રતીકોનો ઉપયોગ થાય છે. (4) તે શોધ કે સમસ્યાના ઉકેલના હેતુથી શરૂ થાય છે. (5) પ્રતીકો (symbols), પ્રતિમાઓ (images) અને વિભાવનાઓ (concepts) તેનાં સાધનો છે. (6) વિચારક્રિયામાં અત્યંત સૂક્ષ્મ અને અલ્પ સ્નાયવિક હિલચાલ મહદ્અંશે જોડાયેલી હોય છે. (7) વિચારક્રિયાનો ઉદ્ભવ મનમાં થાય છે અને અવલોકન કરી શકાય તેવા વર્તન દ્વારા તેનું અનુમાન કરવામાં આવે છે.

વિચારક્રિયાના સિદ્ધાંતો : તેના મુખ્ય બે સિદ્ધાંતો જોવા મળે છે : (1) કેન્દ્રીય સિદ્ધાંત પ્રમાણે વિચારક્રિયાનું અધિષ્ઠાન માત્ર મગજ છે. (2) પરિધિ-સિદ્ધાંત ચેષ્ટા-સિદ્ધાંત તરીકે જાણીતો છે. વિચારક્રિયામાં મગજ ઉપરાંત શરીરના બીજા બધા ભાગો પણ સક્રિય બને છે.

વિચારક્રિયાના પ્રકારો : મુખ્યત્વે બે પ્રકારની વિચારક્રિયા જોવા મળે છે : (1) યથાર્થ (realistic) વિચારક્રિયા અને સ્વલીન (autistic) વિચારક્રિયા. (1) વાસ્તવિક વિચારક્રિયા બાહ્ય પરિસ્થિતિઓના પ્રભાવ સ્વરૂપે થાય છે. તે કોઈ કાર્યની પૂર્તિ અથવા કોઈ સમસ્યાના સમાધાનની તરફ દોરવાયેલી હોય છે. સમગ્ર જ્ઞાન-વિજ્ઞાન રચનાત્મક વાસ્તવિક વિચારક્રિયાની જ ઊપજ છે. (2) સ્વલીન વિચારક્રિયા વ્યક્તિની પોતાની જરૂરિયાતો, ઇચ્છાઓ અથવા ભાવોને લીધે થાય છે અને તેનો એકમાત્ર ઉદ્દેશ આત્મતુદૃષ્ટિ છે. તેમાં બાહ્ય વાસ્તવિકતાની મર્યાદાની મોટેભાગે ઉપેક્ષા થાય છે. દિવાસ્વપ્ન, સ્વપ્ન વગેરે તેનાં ઉદાહરણ છે.

વિચારક્રિયાનો અભ્યાસ : વિચારક્રિયા આંતરિક માનસિક ક્રિયા હોવાથી એનો અભ્યાસ કરવાનું કાર્ય મુશ્કેલ છે. આમ, આવો અભ્યાસ ત્રણ પદ્ધતિઓથી કરવામાં આવે છે : (1) આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા, (2) શારીરિક ફેરફારો તપાસવાની પદ્ધતિ દ્વારા અને (3) વસ્તુનિષ્ઠ પદ્ધતિ દ્વારા.

(1) આંતરનિરીક્ષણ પદ્ધતિ : તે સાદી, સરળ અને સ્વાભાવિક પદ્ધતિ છે. તેમાં જે માણસ વિચાર કરે છે એ જ માણસ પોતે વિચાર કરતી વખતે કઈ માનસિક ક્રિયાઓ અનુભવે છે, કયા તબક્કાઓમાંથી એનું મન પસાર થાય છે એનું આંતરનિરીક્ષણ કરી વર્ણન કરવામાં આવે છે; પરંતુ પ્રત્યક્ષ અનુભવે આ પદ્ધતિ ખામીયુક્ત પુરવાર થઈ છે. ગહન વિચાર કરતી વખતે માણસ કઈ કઈ માનસિક ક્રિયાઓ અનુભવે છે એનું હંમેશાં એને પૂરેપૂરું જ્ઞાન હોતું નથી. કેટલીક વાર કોઈ એક સમસ્યાનો ઉકેલ માણસના મનમાં એક ક્ષણમાં આવી જાય છે. એટલા ટૂંકા સમયમાં મનમાં કઈ કઈ ક્રિયાઓ થઈ ગઈ એનું આકલન માણસને થતું નથી. તે વ્યક્તિલક્ષી પદ્ધતિ હોવાથી તેનો ઓછો ઉપયોગ થાય છે. (2) શારીરિક ફેરફારો તપાસવાની પદ્ધતિ : મગજ ઉપર અથવા સ્નાયુ ઉપર વીજાગ્રો મૂકી માણસ વિચાર કરે છે તે વખતે એના મગજમાં અને શરીરના અન્ય ભાગોમાં કયા ફેરફારો થાય છે એનો અભ્યાસ કરવામાં આવે છે. આ પદ્ધતિ બહુ જ થોડા પ્રમાણમાં મદદરૂપ નીવડે છે, કારણ કે વિચારક્રિયા સાથે સંકળાયેલા બધા શારીરિક ફેરફારો માપવા શક્ય નથી. શારીરિક અને માનસિક ફેરફારો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તેમને જુદા પાડી અભ્યાસ થઈ શકતો નથી. (3) વસ્તુનિષ્ઠ પદ્ધતિ : પ્રયોગપાત્રને એક કૂટપ્રશ્ન આપવામાં આવે છે. એનો ઉકેલ લાવવા માટે એને વિચાર કરવો પડે છે. એ કૂટપ્રશ્નનો ઉકેલ લાવવા માટે તે કયાં પગલાં લે છે એનો વસ્તુનિષ્ઠ (objective) અભ્યાસ કરવામાં આવે છે.

વિચારક્રિયાના ઘટકો : વિચારક્રિયામાં મુખ્ય ઘટકો આ પ્રમાણે છે : (1) વિભાવના, (2) તર્કપ્રક્રિયા, (3) પ્રતિમા, (4) સમસ્યા-ઉકેલ, (5) નિર્ધારણ અને નિર્ણય લેવાની પ્રક્રિયા, (6) સર્જનાત્મક વિચારક્રિયા.

(1) વિભાવના (concept) : વિભાવના ઉચ્ચ પ્રકારનો બૌદ્ધિક કક્ષાએ ચાલતો મનોવ્યાપાર છે. વિભાવના અમુક વસ્તુના સૌથી આવદૃશ્યક ગુણો (essential attributes) દર્શાવે છે અને તે તેના વર્ગના તમામ સભ્યોને એક જ અર્થમાં લાગુ પાડે છે. ‘માણસ’ એ વિભાવના છે જે તેના આવદૃશ્યક ગુણો વિચારશીલતા અને પ્રાણીત્વ દર્શાવે છે. તેમાં સામાન્ય ખ્યાલો (ideas) અને અમૂર્તીકરણ પ્રાધાન્ય ધરાવે છે.

વસ્તુઓ, પ્રસંગો અથવા જે કાંઈ પ્રત્યક્ષીકૃત (જેમ કે, કુળ, પ્રાણી, રાચરચીલું વગેરે) થાય છે તેમાંથી જરૂરી લાક્ષણિકતાઓનું અમૂર્તીકરણ કરવાની શક્તિ માનવીઓમાં રહેલી હોય છે; દા.ત., જ્યારે ‘નારંગી’ જોવામાં આવે છે ત્યારે તેનું વર્ગીકરણ તે ‘ફળ’ છે તે રીતે કરાય છે. જ્યારે નવી સામાજિક પરિસ્થિતિઓનો અનુભવ થાય છે ત્યારે માણસ ભૂતકાળના અનુભવોને આધારે તેને વર્ગીકૃત કરવા પ્રયત્ન કરે છે અને તે પરિસ્થિતિઓ તરફ તે પ્રમાણે પ્રતિક્રિયાઓ આપે છે. આને વિચાર કરવાની પાયાની શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આમ તે વિચારક્રિયાના ઘડતરમાં પાયાની ઈંટ છે. તે જ્ઞાનને વ્યવસ્થિત માર્ગોએ સંગઠિત કરે છે. વિભાવના વસ્તુઓ, પ્રવૃત્તિઓ, વિચારો અથવા જીવંત એકમોનું નિરૂપણ કરે છે. આ ઉપરાંત તે ગુણધર્મો (જેમ કે, ‘લીલું’ કે ‘વિશાળ’), અમૂર્તીકરણો (જેમ કે, ‘પ્રામાણિક’ કે ‘પ્રેમ’) અને સંબંધો(જેમ કે, ‘ના કરતાં મોટું’ કે ‘ના કરતાં સુંદર’)નું નિરૂપણ કરે છે.

વિચારક્રિયાનું પાયાનું કાર્ય વિભાવનાના ઘડતરનું છે, જેમાં વસ્તુઓ અને વિચારોમાં રહેલાં સામાન્ય ઉદ્દીપનોના ગુણધર્મો ઓળખવાનો સમાવેશ થાય છે. પદાર્થો, ઘટનાઓ કે વિચારોનું સામાન્ય વર્ગોમાં વર્ગીકરણ માહિતી-વિશ્લેષણની પ્રક્રિયાના સમય અને પ્રયત્નોમાં ઘટાડો કરે છે. તે વિચારક્રિયામાં મદદરૂપ થાય છે. જ્યારે વસ્તુઓ અને ઘટનાઓનું વર્ગીકરણ થાય છે ત્યારે માત્ર તેમનાં વિશિષ્ટ લક્ષણો કે ગુણધર્મો (જેમ કે રંગ, આકાર, કદ વગેરે) જ માત્ર નહિ, પરંતુ ગુણધર્મો સાથે સંકળાયેલ વિભાવનાત્મક વર્ગીકરણ પણ શીખવા મળે છે; દા.ત., માણસ ચાર રસ્તા ઉપરની લાઇટ લાલ, પીળી, લીલી  એમ વર્ગીકરણ કરવાનું જ શીખતો નથી, પરંતુ વિભાવનાત્મક નિયમો જે જે રંગો સાથે સંકળાયેલા છે તે પણ શીખી લે છે. એટલે કે જો લાઇટ લાલ રંગની હોય તો ‘ઊભા રહો’ અને લીલા રંગની થાય તો ‘જાવ’.  આ પણ શીખે છે. માણસ આ રીતે અનેક વિભાવનાત્મક નિયમો શીખી લે છે. તેનો સંગ્રહ કરે છે અને જરૂર પડ્યે તેનું પુન:સંપાદન કરે છે અને લોકો અને વાતાવરણ સાથેની રોજિંદી આંતરક્રિયામાં તેનો ઉપયોગ કરે છે.

(2) તર્કપ્રક્રિયા (reasoning) : તર્કપ્રક્રિયામાં અનુમાન સંકળાયેલ છે. તેનો ઉપયોગ તાર્કિક વિચારક્રિયા અને સમસ્યા-ઉકેલમાં થાય છે. તે ધ્યેયપ્રેરિત હોય છે, અને હકીકતોની ઉપરથી એમાં તારણો તારવવામાં આવે છે. તેમાં મગજમાં સંગ્રહાયેલી અને વાતાવરણમાં રહેલી માહિતીઓનો ઉપયોગ કેટલાક ચોક્કસ નિયમાનુસાર કરવામાં આવે છે.

તર્કપ્રક્રિયાનું બે પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવે છે : (i) નિગમનલક્ષી (deductive) અને (ii) વ્યાપ્તિલક્ષી (inductive). નિગમનલક્ષી તર્કપ્રક્રિયામાં સામાન્યથી વિશિષ્ટ તરફ જવામાં આવે છે. વ્યાપ્તિલક્ષી તર્કપ્રક્રિયામાં વિશિષ્ટ દૃષ્ટાંતો  ઉપરથી સામાન્યીકરણ કરીને સામાન્ય નિષ્કર્ષ તારવવામાં આવે છે. તેમાં આધારિત વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ હોય છે. દોષયુક્ત આધાર-વિધાનો, આધાર-વિધાનનું ખોટું અર્થઘટન અને માન્યતા-ઝોકની અસરને લીધે તર્કપ્રક્રિયામાં ભૂલો થાય છે.

(3) પ્રતિમા (imagery) : પ્રતિમા એટલે બાહ્ય જગતના વિવિધ જડ-ચેતન પદાર્થોનું ઇન્દ્રિયો દ્વારા ચિત્તમાં પ્રવેશેલું મનોગત સ્વરૂપ; દા.ત., ‘મંદિર’ વિશે વાત કરાય છે ત્યારે તે ‘મંદિર’ વાત કરનારની નજર સમક્ષ હોતું નથી, છતાં વાત કરનારના ચિત્તમાં  એના મનશ્ર્ચક્ષુ સમક્ષ ‘મંદિર’ પ્રતિમા રૂપે રજૂ થાય છે. ‘મંદિર’ વિશે વાત કરનારના મનમાં જે કંઈ ગુણલક્ષણો અનુભવાયાં હોય તે ભાગની સંગઠિત પ્રતીકાત્મક રજૂઆત એટલે પ્રતિમા. વિચારક્રિયામાં ભૌતિક પદાર્થોને બદલે તેમની પ્રતીકાત્મક રજૂઆત કે પ્રતિમાઓ ચિત્તમાં રાખીએ છીએ. સ્મરણ અને કલ્પના દ્વારા માનસપટ પર રજૂ થયેલી માનસ પ્રતિમાઓની રચના – પુન:રચના તેમાં રહેલી છે. હૂબહૂ પ્રતિમા (eidetic imagery) એ જીવંત, તીવ્ર અને તાદૃશ પ્રકારની હોય છે. તેને ફોટોગ્રાફિક પ્રતિમા પણ કહે છે. દૃશ્ય-પ્રતિમા, શ્રવણ-પ્રતિમા વધુ જોવા મળે છે. સ્વાદ, ગંધ, સ્પર્શ તેમજ વેદના જેવાં સંવેદનોની પ્રતિમાઓ પણ જોવા મળે છે. પ્રતિમારહિત વિચારણા (imageless thought) : 1911માં જર્મનીમાં વુઝબર્ગમાં કેટલાક મનોવૈજ્ઞાનિકોએ પ્રયોગો કરી વિચારક્રિયામાં પ્રતિમાના સ્થાન વિશે નવી જાણકારી આપી; તેથી એવી માન્યતા પ્રચલિત બની છે કે પ્રતિમારહિત વિચારણા પણ શક્ય છે. તેનો નિર્ણય બે બાબતોને કારણે મુશ્કેલ બને છે : (i) વિચારક્રિયા એટલી સૂક્ષ્મ છે કે વિચારક્રિયાની બધી જ ઉપપ્રક્રિયા સભાનપણે અનુભવાતી નથી. (ii) જેમ પતંગિયાને પકડી શકાય છે તેમ વિચાર કે ભાવને પકડી તેનું અન્વેષણ કરી શકાતું નથી. ‘મોક્ષ’ જેવી આધ્યાત્મિક કે ભાવાત્મક વિભાવનાની કોઈ પ્રતિમા ચિત્તમાં ન ઊપજે એવું બને.

(4) સમસ્યા-ઉકેલ (problem solving) : સમસ્યા-ઉકેલ એ વિચારક્રિયા છે, જે ચોક્કસ સમસ્યાના ઉકેલ તરફ દોરવાયેલી હોય છે. તેમાં ત્રણ ઘટકો હોય છે : (i) પ્રાથમિક કક્ષા(સમસ્યા)થી શરૂઆત કરવી. (ii) માનસિક પ્રક્રિયાઓને અનુસરવું અને (iii) ધ્યેય-પ્રાપ્તિની અવસ્થાએ પહોંચવું. સમસ્યા-ઉકેલમાં વિચારક્રિયા ઉદ્દેશલક્ષી હોય છે. તે વર્તમાન સ્થિતિ અને ઇચ્છિત લક્ષ્ય વચ્ચેનો તફાવત ઘટાડવાની જરૂરિયાતથી પ્રેરાયેલ હોય છે. સમસ્યા-ઉકેલની વ્યૂહરચનામાં આ ચાર સામાન્ય અભિગમો જોવા મળે છે : (અ) પ્રયત્ન અને ભૂલ, (આ) ધારણા-ચકાસણી, (ઇ) અલ્ગોરિધમ (algorithm), (ઈ) અનુભવજન્ય (heuristics).

(અ) પ્રયત્ન અને ભૂલ : કેટલીક સમસ્યાઓના શક્ય ઉકેલનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત હોય છે. આવી સમસ્યાઓના શક્ય ઉકેલ માટે પ્રયત્ન અને ભૂલની પદ્ધતિ અપનાવાય છે. (આ) ધારણા-ચકાસણી : તે યોજનાબદ્ધ અભિગમ છે. તેમાં વિશિષ્ટ ધારણા બાંધી તેની ચકાસણી કરવામાં આવે છે. (ઇ) અલ્ગોરિધમ : પ્રત્યેક સંભવિત ઉકેલનું યોજનાબદ્ધ અન્વેષણ કરવામાં આવે છે. જ્યાં સુધી સાચો ઉકેલ ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. સમસ્યાનો ઉકેલ ધીમો હોય છે; પરંતુ તેમાં સાચા ઉકેલની ખાતરી હોય છે. (ઈ) અનુભવજન્ય : તે સમસ્યા ઉકેલવા માટેનો અનૌપચારિક ઉપક્રમ છે. તે ભૂતકાળમાં કારગત નીવડેલા ઉપાયો વિશેના પૂર્વ અનુભવો અને સ્મૃતિમાં સંગૃહીત જ્ઞાન ઉપર આધારિત છે. આ વ્યૂહરચના સમસ્યાના ઉકેલ તરફ ઝડપથી લઈ જાય છે, પરંતુ સફળતાની ખાતરી આપતી નથી.

સમસ્યા-ઉકેલમાં આ ત્રણ બાબતો મુશ્કેલીઓ સર્જે છે : (i) માનસિક તત્પરતા, (ii) કાર્યગત ચુસ્તતા (functional fixedness) અને (3) સમર્થન-ઝોક (confirmation bias). (i) માનસિક તત્પરતા : માનસિક તત્પરતા એટલે સમસ્યાને પૂર્વનિશ્ચિત રીતે ઉકેલવાનું વલણ. તે ઘણી વાર સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થાય છે, પરંતુ તે ક્યારેક અવરોધરૂપ પણ થાય છે. (ii) કાર્યગત ચુસ્તતા : પદાર્થોનો ઉપયોગ અમુક ચીલાચાલુ રીતે જ થઈ શકે એવું ચુસ્ત વલણ; દા.ત., ખુરશી બેસવા માટે છે, પેન લખવા માટે છે. વસ્તુઓના ઉપયોગ અંગે અમુક માન્યતાઓ એટલી બધી દૃઢ અને સ્થિતિચુસ્ત રીતે બંધાઈ ગયેલી હોય છે કે વ્યક્તિને વસ્તુઓના વૈકલ્પિક અને રચનાત્મક ઉપયોગો વિશે ઘણી વાર વિચાર સૂઝતા નથી. તેથી સમસ્યા ઉકેલવામાં નિષ્ફળતા મળે છે. (iii) સમર્થન-ઝોક : સામાન્ય માણસનું વલણ એવું હોય છે કે પોતાની ધારણાને સમર્થન આપે તેવા જ પુરાવાઓ શોધે છે અને વિરોધી પુરાવાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે તેને મનોવૈજ્ઞાનિકો ‘સમર્થન-ઝોક’ તરીકે ઓળખાવે છે; દા.ત., ગાય સામે મળે તો સફળતા મળે અને કાર્ય સફળ થયું હોય તેવા પુરાવા જ ધ્યાનમાં લેવામાં આવે છે; પરંતુ નિષ્ફળતા મળી હોય તો તેના પુરાવા તરફ ધ્યાન આપતા નથી. સમસ્યાના ઉકેલ શોધવા માટે ‘શું સાચું હોઈ શકે’ એટલું જ નહિ, પણ ‘શું ખોટું હોઈ શકે’ એ પણ વિચારવું જરૂરી છે.

(5) નિર્ધારણ (judgement) અને નિર્ણય લેવાની (decision making) પ્રક્રિયા : નિર્ધારણ એ પ્રક્રિયા છે કે જેમાં માણસના અભિપ્રાયો ઘડાય છે; તે તારણો ઉપર આવે છે અને પ્રાપ્ત માહિતીને આધારે વસ્તુઓ, ઘટનાઓ અને લોકો વિશેનું સમીક્ષાત્મક મૂલ્યાંકન કરે છે. નિર્ધારણની પ્રક્રિયા ઘણી વાર સ્વયંસ્ફુરિત અને સહજ હોય છે. તે માટે કોઈ પ્રોત્સાહન કે ઉત્તેજનાની જરૂર પડતી નથી. કેટલાંક નિર્ધારણો ટેવગત હોય છે. નિર્ધારણની પ્રક્રિયામાં મોટેભાગે આપણે અગાઉ મેળવેલા સુસંગત જ્ઞાન ઉપર આધાર રાખવામાં આવે છે. માણસનું નિર્ધારણ તે જે વલણ અને માન્યતાઓ ધરાવે છે તેનાથી સ્વતંત્ર હોતું નથી. તેનાં નિર્ધારણ અનુમાનો પર આધારિત હોય છે. તેથી પુરાવાઓ, માન્યતાઓ અને વલણોને આધારે તારણો મેળવાય છે.

નિર્ધારણ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ એકબીજી સાથે સંકળાયેલી છે. નિર્ધારણમાં માહિતીનું મૂલ્યાંકન (વસ્તુઓ, ઘટનાઓ, વ્યક્તિઓ વગેરે વિશે) સમાયેલું છે; જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં પસંદગીઓ કરવાની જરૂર પડે છે. તે એક પ્રકારનો સમસ્યા-ઉકેલ છે, જેમાં ઘણાબધા વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરવો પડે છે. દરેક વ્યક્તિની જુદી જુદી અગ્રિમતા નિર્ણય લેવામાં જોવા મળે છે. નિર્ણયો પર આવવામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. કરકસરને ધ્યાનમાં રાખતાં બધી પરિસ્થિતિઓ અને પરિવર્ત્યોનું સવિસ્તર અને સંપૂર્ણપણે મૂલ્યાંકન કરતા નથી. સામાન્ય રીતે માનસિક ટૂંકા રસ્તાઓ નિર્ણય લેવામાં ઉપયોગમાં લેવાય છે, જેનો આધાર સમસ્યાના સ્વરૂપ અને તેનાં પરિણામો ઉપર રહેલો છે.

(6) સર્જનાત્મક વિચારક્રિયા (creative thinking) : સર્જનાત્મક વિચારક્રિયા એટલે નવી નવી શોધખોળો, નવા ખ્યાલો, નવી સમજ, નવી પદ્ધતિઓ તેમજ સાહિત્ય અને કલાનાં નવાં સર્જન જન્માવતી વિચારણા. તેમાં ચીલાચાલુ સામાન્ય ઉકેલો કરતાં જેના વિશે અગાઉ કોઈએ વિચાર કર્યો ન હોય તેવા ‘મૌલિક’ ઉકેલો, કંઈક ‘નવું’ શોધવાની મથામણનો સમાવેશ થાય છે. અગ્નિની શોધથી માંડીને અવકાશ-સંશોધન એ સર્જનાત્મક વિચારક્રિયાનું પ્રદાન છે. સર્જનાત્મક વિચારક કલાકાર, સંગીતકાર, લેખક, વૈજ્ઞાનિક, રમતવીર વગેરે હોઈ શકે. સર્જનાત્મક ઉકેલો કે નિર્માણો ‘એકાએક’ કે ‘સ્વયંસ્ફુરિત’ હોય છે. પરિણામ માટે ઘણાંબધાં કાર્યો અને તૈયારીઓ અસંપ્રજ્ઞાત રીતે ચાલતી હોય છે અને ઉકેલો અચાનક તૈયાર રૂપમાં મનમાં ઉદ્ભવે છે. અચાનક ઉદ્ભવતા નવા વિચારોને આંતરસૂઝ તરીકે ઓળખવામાં આવે છે. તેનું સુંદર ષ્ટાંત આર્કિમિડીઝના ‘યુરેકા… યુરેકા (મને ઉકેલ જડી ગયો…)’નું છે.

ગ્રેહામ વૉલ્સે ઘણાં વર્ષો પૂર્વે મુલાકાતો, પ્રશ્ર્નાવલીઓ અને સંભારણાંઓની મદદથી જાણીતા સર્જનાત્મક વિચારકોની વિચારક્રિયામાં રહેલાં સોપાનોનો અભ્યાસ કરી પાંચ તબક્કાઓ  (1) પૂર્વતૈયારી (2) સેવન (3) પ્રદીપ્તિ (4) મૂલ્યાંકન અને (5) પુનરાવર્તન  દર્શાવ્યાં હતાં.

વિચારક્રિયા અને ભાષા : વિચારક્રિયામાં ભાષા ઉપયોગી પ્રતીક છે. વિચારોને પ્રગટ કરવાનું તેમજ પ્રત્યાયન કરવાનું મહત્વનું કાર્ય ભાષા દ્વારા થાય છે. ભાષા અને વિચારક્રિયા ગાઢ રીતે પરસ્પર સંકળાયેલી છે. ભાષા હજારો પ્રતીકો અને એ પ્રતીકોનો ઉપયોગ કરવાના નિયમો પૂરાં પાડે છે. જ્યારે માણસ વિચારે છે ત્યારે સ્વરતંત્રના સ્નાયુઓમાં સૂક્ષ્મ હલનચલન થાય છે. વર્તનવાદી વૉટસને ‘વિચાર એટલે અસ્ફુટ ભાષા’ (thinking is subvocal speech) એમ કહ્યું. સ્મિથે સ્નાયવિક હલનચલન ન થાય તોપણ વિચારી શકાય છે તેમ કહ્યું. વિચારક્રિયામાં બિનશાબ્દિક ભાષા, હાવભાવ, હાથના સંકેતોનો પણ ઉપયોગ થાય છે. બધિર વ્યક્તિઓ સંકેતાત્મક ભાષા (sign language) દ્વારા વિચારક્રિયા કરે છે.

વિચારક્રિયા અને કમ્પ્યૂટર : માનવીમાં વૈચારિક તેમજ જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ થતી હોય છે. કમ્પ્યૂટરમાં પ્રતિરૂપ પ્રતિમાનો (simulating models) રચવામાં આવે છે. તેનાથી સમય અને શક્તિનો બચાવ થાય છે. જુદી જુદી કઈ પ્રક્રિયાઓ ક્રમબદ્ધ થાય છે તેની વિગતવાર નોંધ મળે છે. સમગ્ર વિચારક્રિયામાં ક્યાંક ભૂલ થતી હોય તો તે પકડી શકાય છે. તમામ પ્રકારની નાનામાં નાની વિગતોની સ્મૃતિ તેમાં જળવાઈ રહે છે. તેથી ભવિષ્યમાં જરૂર પડે ત્યારે માહિતીનો ઉપયોગ કરી શકાય. નેવેલ અને અન્યે ‘General problem solver’ નામના કમ્પ્યૂટર-કાર્યક્રમની રચના કરી. તેમાં સમસ્યાની વિગતો પૂરી પાડવામાં આવે છે ત્યારે કમ્પ્યૂટર એવા કાર્યક્રમ ઉત્પન્ન કરે છે કે જે સમસ્યાનો ઉકેલ લાવે છે; દા.ત., સમસ્યા ભૂમિતિના પ્રમેયનો ઉકેલ લાવવાનો હોય ત્યારે ભૂમિતિનાં કેટલાંક સ્વયંસત્યો પૂરાં પાડવામાં આવે છે. તેને પરિણામે ભૂમિતિના પ્રમેયની સાબિતી મળી જાય છે. કમ્પ્યૂટરમાં જે પરિણામ આવે છે તે માનવીના કર્તૃત્વનું પ્રતિરૂપ નથી; દા.ત., પ્રમેય સિદ્ધ કરવાની પ્રક્રિયામાં માનવીના મનમાં જે જાતજાતના વિચારો, પ્રત્યાઘાતો, ઉદ્ગારો ઊપજે તેમાંનું કંઈ કમ્પ્યૂટરમાં થતું નથી. તે માનવી કરતાં વધારે કે ઓછી માહિતી આપે છે. બે માનવીઓ સમાન ધ્યેય માટે કામ કરતા હોય પણ તેમનાં સાધનો, વિચારપ્રક્રિયાઓ સમાન ન પણ હોય. માનવીના ચિત્તમાં પળે પળે અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે અને તેમના વિશે તે વિચારે છે, પણ કમ્પ્યૂટરમાં આવું બની શકતું નથી. માનવીના મગજનું ભૌતિક બંધારણ કમ્પ્યૂટરના બંધારણ કરતાં ભિન્ન છે. માનવીનું મગજ અને ચેતાતંત્ર  એ એક કુદરતી વીજાણુ સાધન છે. મગજ એ એક આશ્ર્ચર્યજનક કમ્પ્યૂટર છે. માનવીનું મગજ ‘પ્રોગ્રામિંગ’ વગર પણ ઉકેલ લાવે છે. ભવિષ્યમાં કમ્પ્યૂટર ‘આંકડાકીય ચેતાતંત્ર પદ્ધતિ’ (digital nervous system) બની જશે અને ત્યારે વિચારક્રિયાની ગહન પ્રક્રિયાનાં રહસ્યોની સરળતાથી સમજૂતી મેળવી શકાશે.

અશ્વિન જનસારી