વિકળો : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnosporia montana (Roth) Benth syn. spinosa (Forsk.) Flori (l syn – Maytenus emarginata) (સં. વિકંકત્; હિં. કંટાઈ, વંજ, બૈકલ; ગુ. વિકળો, બહેકળ) છે. તે ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ડુંગરાળ જમીનમાં થાય છે. પર્ણપાતી (deciduous) કાંટાળાં જંગલોમાં વિશેષત: જોવા મળે છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. પર્ણો પ્રતિઅંડાકાર (obovate), પ્રતિભાલાકાર (oblanceolate), ઉપવલયી (elliptic) કે વર્તુલાકાર (orbicular) અને ચર્મિલ (coriaceous) હોય છે. પુષ્પો નાનાં અને સફેદ હોય છે અને કક્ષીય પરિમિત (axillary cyme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ ગોળાકાર, પ્રાવર પ્રકારનું, જાંબલી કે કાળા રંગનું હોય છે અને 0.5 સેમી. જેટલો વ્યાસ ધરાવે છે. વનીકરણના હેતુ માટે આ વનસ્પતિનો પ્રયાસ કરવા જેવો છે.

વિકળો
તેનું કાષ્ઠ રતાશ પડતું બદામી, મજબૂત અને ભારે (720 કિગ્રા./ ઘમી.) છે. તે સૂક્ષ્મ-કણમય (fine-grained) અને ટકાઉ હોય છે. તેનો ઉપયોગ માળા બનાવવામાં થાય છે. કેટલાક હેતુઓ માટે પેટીઓ બનાવવામાં પણ તે વપરાય છે. પર્ણોનો ચારા તરીકે અને શાખાઓનો છાપરાં માટે ઉપયોગ થાય છે.
આયુર્વેદ અનુસાર વિકળો ખટમીઠો અને શીતળ ગણાય છે. તે કફ, પિત્ત, સોજો, લોહીના વિકારો અને કમળો મટાડી પાચનતંત્ર સુધારે છે. તે દીપન છે અને વ્રણ, અર્શ તેમજ આંખના ફૂલાનું ઉત્તમ ઔષધ છે. પાકાં ફળ ખાવાથી દાહ અને શોષ મટે છે.
યકૃતના સોજામાં વિકળાનાં પાન અને જેઠીમધનો કાઢો 20 મિલી.થી 25 મિલી. સવાર-સાંજ પિવડાવવામાં આવે છે. વિકળાનાં પાન દર્દીને છૂટથી ચાવવા આપવામાં આવે તો કમળો ઝરી જાય છે. અજીર્ણમાં વિકળાનાં પાન, જીરું, સૂંઠ, મરી, અજમો અને સિંધવનું સમભાગે ચૂર્ણ બનાવી સવાર-સાંજ 3 ગ્રા.થી 5 ગ્રા. આપવામાં આવે છે.
વૈદ્ય ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ