વિકાચીભવન (devitrification) : કાચમય કણરચનાવાળા ખડકોની અમુક ચોક્કસ ખનિજ-ઘટકોમાં છૂટા પડવાની ઘટના. છૂટા પડતા ઘટકોમાં સામાન્ય રીતે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના અતિસૂક્ષ્મ સ્ફટિકો હોય છે. કાચમય સ્થિતિમાં ઘનીભવન થયા પછીથી સ્ફટિકમય સ્થિતિમાં થતો ફેરફાર આ ઘટનાની ખાસિયત છે. ઑબ્સિડિયન કે પિચસ્ટૉન જેવા મળૂભૂત કાચમય અગ્નિકૃત ખડકમાંથી નાના પાયા પર થતા આ પ્રકારના સ્ફટિક-વિકાસને વિકાચીભવન કહેવાય છે. આ ઘટનામાં તૈયાર થતા ગ્લોબ્યૂલેરાઇટ, માર્ગેરાઇટ કે બેલોનાઇટ જેવા સ્ફટિકોનો પ્રારંભિક વિકાસ મહત્ત્વની બાબત બની રહે છે. આ ઘટનામાં સૂક્ષ્મ સ્ફટિકકણિકાઓ(crystallites)નાં વિકેન્દ્રત જૂથ તેમજ સ્ફેર્યુલાઇટ સ્વરૂપોની રચના થતી હોય છે; દા.ત., સ્ફેર્યુલાઇટયુક્ત ઑબ્સિડિયન. કાચમય કણરચનાવાળા આખાય ખડકમાં વિકાચીભવન પ્રસરતું જઈને વિસ્તરી જાય છે અને છેવટે ખડક સંપૂર્ણપણે અતિસૂક્ષ્મ સ્ફટિકમય કણરચનામાં ફેરવાઈ જાય છે. આ પ્રકારે સંપૂર્ણપણે વિકાચીભવન પામેલા ખડકોને ક્યારેક ‘વેરિયોલાઇટ’ને નામે પણ ઓળખવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા