વાહિનીચિત્રણ (angiography)

January, 2005

વાહિનીચિત્રણ (angiography) : નસોના વિકારો અને વિકૃતિઓમાં મહત્વની નિદાનલક્ષી કસોટી. જે તે નસ(વાહિની)ના વિકાર કે વિકૃતિને દર્શાવવા માટે તેમાં સોય કે યોગ્ય સ્થળે નળી દ્વારા ઍક્સ-રેને પોતાનામાંથી પસાર થવા ના દે તેવું દ્રવ્ય નખાય છે અને ત્યારપછી તેનાં ઍક્સ-રેની મદદથી ચિત્રો લેવાય છે. આવા દ્રવ્યને વિભેદક-દ્રવ્ય (contrast medium) પણ કહે છે. ઍક્સ-રે કિરણો વડે કરાતી બધી જ તપાસોમાં તે સૌથી વધુ જોખમ ધરાવે છે. તેમ છતાં વાહિનીચિત્રણ તથા તેની મદદથી થતી સારવાર-પ્રક્રિયાઓએ મગજ અને હૃદયના વિવિધ રોગોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. લોહીની નસો 2 પ્રકારની છે – ધમની (artery) અને શિરા (vein). તેથી વાહિનીચિત્રણના મુખ્ય 2 પ્રકારો છે : ધમની માટે ધમનીચિત્રણ (arteriography) અને શિરા માટે શિરાચિત્રણ (venography). વાહિનીચિત્રણ કરતાં પહેલાં અને પછી દર્દીને પૂરતું પાણી (પ્રવાહી) આપવામાં આવે છે; જેથી કરીને તે વિભેદક-દ્રવ્યની આડઅસરો ન થાય. મગજ, હૃદય, મૂત્રપિંડ, આંતરડાં વગેરે વિવિધ અવયવોની નસોના કે અન્ય વિકારોમાં વાહિનીચિત્રણ મહત્વની નિદાનસૂચક માહિતી આપે છે. તેથી તેવા વિકારો અને રોગોના નિદાનમાં તેનો ઉપયોગ કરાય છે.

મોટાભાગના કિસ્સામાં જાંઘની નસ(જંઘાધમની, femoral artery)નો ઉપયોગ કરાય છે. પરીક્ષણ પતે તે પછી તેને બરાબર દાબી રખાય છે, જેથી કરીને શરીર બહાર લોહી વહી ન જાય. નસમાં કાણું પાડ્યું હોય તે સ્થળે અને તેનાથી દૂરના ભાગના ધબકારા જોતા રહેવાય છે; જેથી કરીને તે પગમાં કે અંગમાં રુધિરાભિસરણ વિષમ ન થઈ ગયું હોય. આ એક અઘાતક (invasive) પરીક્ષણપ્રણાલી છે. તેથી તેની મુખ્ય આડઅસરો કે આનુષંગિક તકલીફોમાં નસમાં લોહીનો ગઠ્ઠો જામવો કે શરીરમાં અન્ય સ્થળે લોહીના નાના ગઠ્ઠા વહીને ચોંટી જવા જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. ક્યારેક તેની આડઅસર રૂપે લકવો થઈ જાય અથવા લોહીનો ગઠ્ઠો ખસીને ફેફસાની ધમનીમાં પણ ચોંટી જઈ શકે છે. કેટલાંક વિભેદક-દ્રવ્યોને કારણે ઍલર્જી કે જીવનને જોખમકારક ઍનાફાઇલૅક્સિસ જેવો લોહીનું દબાણ ઘટાડીને જીવનને સંકટ સર્જે તેવો વિકાર થઈ શકે છે. વાહિનીચિત્રક (angiographer), ધમનીમાં મેદચકતીજન્ય તંતુકાઠિન્ય (atherosclerosis)નું પ્રમાણ, નસનું સંકોચન, હૃદયની લોહી ધકેલવાની ક્ષમતા, લોહીની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા, દર્દીની ઉંમર તથા નસોના રોગો (દા.ત., આધાશીશી, migraine) જેવાં વિવિધ પરિબળો વાહિનીચિત્રણને કારણે ઉદભવતી તકલીફોને અસર કરે છે. મગજની નસોનું વાહિનીચિત્રણ કરતી વખતે ચેતાતંત્રીય વિકાર થવાનો ભય રહે છે; જે ટૂંકા ગાળાની તકલીફ માટે 4 %, લાંબા ગાળાની તકલીફ માટે 1 % અને મૃત્યુની સંભાવનાની દૃષ્ટિએ < 1 % રહેલો છે. એક મહત્વનું બળ વિભેદક-દ્રવ્યના ગુણધર્મો પણ છે; જેમ કે, આયનકારી વિભેદક-દ્રવ્યની આડઅસરો વધુ છે. આ તકલીફોને કારણે સીટી-સ્કૅન, એમઆરઆઇ તથા એમઆર એન્જિયૉગ્રાફીની શોધે ચેતાતંત્રીય રોગોના નિદાનમાં વાહિનીચિત્રણ કરવાની જરૂરિયાતને ઘટાડી કાઢી છે. શરીરના અન્ય ભાગોમાં ડૉપ્લર ધ્વનિચિત્રણ (doppler sonography) વડે નસોના વિકારો જાણી શકાય છે; તેથી તેમાં પણ વાહિનીચિત્રણનો ઉપયોગ ઘટેલો છે.

મસ્તિષ્કી વાહિનીચિત્રણ (cerebral angiography) : તેની મદદથી મગજની ધમનીમાં મેદચકતીજન્યતંતુકાઠિન્ય (atherosclerosis) થયું હોય તો જાણી શકાય છે. વળી તેની મદદથી વાહિનીપેટુ (aneurysm), વાહિનીસતતસંકોચન (vasospasm), નસમાં લોહીના ગઠ્ઠા, નસની દીવાલનું દુર્વિકસન, વાહિનીશોથ (vasculitis) વગેરેનું નિદાન પણ કરી શકાય છે. વાહિનીચિત્રણની મદદથી વાહિની-પુનર્રચના (angioplasty) નામની સારવાર-પદ્ધતિ સરળ બની છે. તેની મદદથી નસમાં જામેલા ગઠ્ઠાને કે નસની દીવાલના વિકારની સારવાર કરાય છે. સાંકડી નસમાંથી (પસાર)નળી (stent) પસાર કરીને રુધિરાભિસરણ જાળવવાની વિવિધ ક્રિયાઓ પણ કરી શકાય છે. આ નસની અંદર પ્રક્રિયાઓ થતી હોવાથી તેમને અંતર્વાહિની-પ્રક્રિયાઓ (endovascular procedures) કહે છે. તેની મદદથી તરતના લકવામાં મગજને થતું નુકસાન ઘટાડીને વહેલી રોગમુક્તિ મેળવી શકાય છે. હવે ચુંબકીય અનુનાદી વાહિનીચિત્રણ(MR angiography)ની મદદથી ચીલાચાલુ ઍક્સ-રે-સંલગ્ન વાહિનીચિત્રણની જરૂરિયાત ઘટી છે. ગળામાંની મગજ તરફ જતી નસો માટે ડૉપ્લર-ધ્વનિચિત્રણ પણ કરી શકાય છે. લકવો તથા મૂર્ચ્છાના દર્દીઓમાં મસ્તિષ્કી વાહિનીચિત્રણ ઘણું લાભકારક નિદાન કરી આપે છે.

હૃદ્ઘમની(મુકુટધમની)નું વાહિનીચિત્રણ (coronary angiography) : તે તથા હૃદયી નલીનિવેશન (cardiac catheterization) નામની પ્રક્રિયા હૃદયના અને તેની ધમનીના વિવિધ રોગોના નિદાનમાં ઉપયોગી છે. હૃદયની ધમનીઓને મુકુટધમની (coronary artery) કહે છે. તેમાં વિભેદક દ્રવ્ય નાંખીને કરાતા ચિત્રણને મુકુટધમનીય વાહિનીચિત્રણ (cronary angiography) કહે છે. હૃદયના ખંડોમાં નળી પ્રવેશાવીને કરાતી તપાસને હૃદયી નલીનિવેશન કહે છે. મુકુટધમનીના વાહિનીચિત્રણ વડે કઈ ધમનીમાં ક્યાં અને કેટલો અટકાવ અથવા રોધ (obstruction) થયો છે તે જાણી શકાય છે અને તેને આધારે સારવારનો નિર્ણય કરી શકાય છે. તે માટે પ્રદીપ્તપટલ(fluoroscope)ની મદદથી નિવેશિકાનળીને મુકુટધમનીમાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ વિભેદક-દ્રવ્યનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જુદા જુદા ખૂણેથી તપાસીને હૃદયની ધમનીમાં લોહીના વહનને જોવામાં આવે છે તથા તેનાં ચિત્રણો લેવામાં આવે છે. તેની મદદથી ધમનીમાંનો રોધ, ધમનીશિરામાં સંયોગ-નળીઓ (fistula) વગેરે વિકૃતિઓની નોંધ લેવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા વખતે કેટલીક વખતે હિપેરિન અપાય છે. પ્રક્રિયા પતે એટલે ક્યારેક પ્રોટામિન આપીને તેની અસર નાબૂદ કરાય છે અથવા ઘણી વખતે તેમ ન કરતાં હિપેરિનની અસર ચાલુ રખાય છે. હિપેરિન લોહીને ગંઠાઈ જવા દેતું નથી. નસમાંથી વાહિનીત્રાણ (vascular sheath) કાઢી નંખાય છે અને છિદ્ર પાડ્યું હોય ત્યાં 10થી 15 મિનિટ દબાવી રાખીને લોહીને બહાર વહી જતું અટકાવાય છે. દર્દીને 4થી 6 કલાક આરામ લેવાનું કહેવાય છે અને ત્યારબાદ હરતોફરતો થાય એટલે ઘરે જવા દેવાય છે. હાલ ધમનીછિદ્રને બંધ કરવા માટે નવી સંયોજનાઓ (devices) ઉપલબ્ધ છે; જે આ સમયગાળો ઘટાડી શકે છે. વાહિનીચિત્રણને આધારે જેને જરૂર હોય તેને ફરીથી નિવેશિકાનળી નાંખીને સારવાર કરવા માટે કે અધિપથ(bypass)ની શસ્ત્રક્રિયા માટે બોલાવીને ધમનીમાંના અટકાવની તકલીફને દૂર કરાય છે.

ટેક્નિશિયમ 99m (99mTc) અને થેલિયમ 201 (201TI) નામનાં વિકિરણશીલ દ્રવ્યોની મદદથી મુકુટધમનીનું વાહિનીચિત્રણ લઈને હૃદયના સ્નાયુમાં રુધિર-પ્રણિસરણ (blood perfusion) કેવું થાય છે તે જાણી શકાય છે. પેશીની અંદર વહીને લોહી તેના કોષો સુધી જે રીતે અને જેટલા પ્રમાણમાં પહોંચે છે તેને તે પેશીનું રુધિરપ્રણિસરણ (perfusion) કહે છે. 99mTc વાહિનીચિત્રણ તથા પ્રણિસરણ – એમ બંને માટે વપરાય છે. તેને સ્થળ પર મોલિબ્ડેનમ 99(99Mo)માંથી બનાવાઈને વપરાય છે. 99Tc વધુ શક્તિશાળી અને ઝડપથી વિકિરણનાશ ધરાવતું દ્રવ્ય હોવાથી તેનો વધુ ઉપયોગ કરાય છે.

વાહિનીચિત્રણથી ઉદભવતી આનુષંગિક તકલીફો ઉપર દર્શાવી છે. તેમાં હૃદય સંબંધિત પરિબળોનો ઉમેરો થાય છે; જેમ કે, ક્ષેપકના ધબકારાની અનિયમિતતા, લોહીમાં પોટૅશિયમની ઊણપ, ડિજિટાલિસ નામની દવાની ઝેરી અસર, લોહીનું ઊંચું દબાણ, ચેપ, હૃદયની નિષ્ફળતા, લોહીના ગંઠાવાની સ્થિતિમાં વિષમતા, વિભેદક-દ્રવ્યની ઍલર્જી, મૂત્રપિંડની નિષ્ફળતા વગેરે.

મહાધમનીચિત્રણ (aortography) : ઉપર જણાવેલી પ્રક્રિયા કરીને નિવેશિકાનળીને મહાધમનીના વાલ્વ (કપાટ) સુધી લઈ જવામાં આવે છે અને વિભેદક-દ્રવ્યનું ઝડપથી ઇન્જેક્શન અપાય છે. તેની મદદથી મહાધમની વાલ્વમાં વિપરીત વહન (મહાધમની વિપરીત વહન, aortic regurgitation) થતું હોય. મહાધમની અને હૃદયના જમણા ખંડો વચ્ચેનું વિષમ પ્રકારનું જોડાણ હોય, મહાધમની અને ફેફસી-ધમનીને જોડતી ખુલ્લી નળી (ઉદ્ધમની-સંયોગિતા, patent ductus arteriosus) થયેલી હોય તેવા વિવિધ રોગનું નિદાન તથા તેમની તીવ્રતાનું અનુમાન કરી શકાય છે. મહાધમનીભીત્તિ-છેદન (aortic dissection) નામના વિકારમાં મહાધમનીની દીવાલનાં પડોની વચ્ચે લોહી વહે છે. તેનું પણ નિદાન કરી શકાય છે.

ક્ષેપકકાર્ય-પરીક્ષણ (assessment of ventricular function) : હૃદયના ક્ષેપકના કાર્યનું પરીક્ષણ કરવા માટે સંતુલન-વિકિરણશીલ ન્યૂક્લાઇડ વાહિનીચિત્રણ (equilibrium radionuclide angiography) નામની નિર્ઘાતી (noninvasive) પદ્ધતિ વાપરી શકાય છે. તેમાં 99mTc અધિધારિત શ્વેતનત્રલ (labelled albumin) કે 99mTc અધિધારિત રક્તકોષોને નસ દ્વારા શરીરમાં પ્રવેશ અપાય છે. દર્દી આરામ કરતો હોય ત્યારે હૃદયના ખંડોમાં ગયેલા વિકિરણશીલ દ્રવ્યનાં ચિત્રણો લેવાય છે. આ માટે હૃદય-પ્રતિઘોષાલેખ(echocardiography)ની મદદ લઈને સ્થાન નિશ્ચિત કરાય છે. આગળ, પાછળ અને બાજુ પરથી આવાં ચિત્રો લેવાય છે. હૃદયના ધબકારા નિયમિત હોય તો ઉપયોગી માહિતી મળે છે. દરેક ચિત્રછાપ 2થી 4 મિનિટ રહે છે. આ પદ્ધતિ વડે હૃદયના ક્ષેપકના દરેક સંકોચને તેમાંથી કેટલા પ્રમાણમાં લોહી બહાર ધકેલાય છે તે પણ જાણી શકાય છે. આને ક્ષેપાંશ (ejection fraction) કહે છે અને તે ટકામાં દર્શાવાય છે. ચિત્રણો વડે ડાબા તથા જમણા ક્ષેપકનાં કદ, દીવાલોની જાડાઈ, દીવાલનું સંચલન (ભીત્તિ-સંચલન, wall motion), કર્ણક, બહાર નીકળતી ધમનીઓ તથા તેમના દ્વાર પરના વાલ્વ (કપાટ) અંગે પણ માહિતી મળે છે. સંતુલન વિકિરણશીલ ન્યૂક્લાઇડ વાહિનીચિત્રણ કરતાં ઓછા સમયમાં આ પ્રકારની માહિતી પ્રથમ-પ્રવાસીય (first pass) વિકિરણશીલ ન્યૂક્લાઇડ વાહિનીચિત્રણ વડે મળે છે.

ફેફસી (ફુપ્ફુસીય) વાહિનીચિત્રણ (pulmonary angiography) : ફેફસાના ધમનીતંત્રનું ચિત્રણ મેળવવા ફેફસી વાહિનીચિત્રણ કરાય છે. તે માટે નિવેશિકાનળીને ફેફસી-ધમની સુધી પ્રવેશાવીને વિભેદક-દ્રવ્ય નંખાય છે. તેની મદદથી જો લોહીનો ગઠ્ઠો ફેફસી ધમનીમાં આવીને ચોંટી ગયો હોય તો તેનું નિદાન કરાય છે. આ ઉપરાંત ક્યારેક ફેફસીધમનીની કુરચનાનું નિદાન કરવું હોય તોપણ આ પ્રક્રિયા કરી શકાય છે. આ પદ્ધતિ 1થી 2 મિમી. કદના લોહીના ગઠ્ઠાને પણ દર્શાવી શકે છે.

હાથપગની નસોના રોગોમાં વાહિનીચિત્રણ : વિભેદક વાહિનીચિત્રણ(contrast angiography)નો ઉપયોગ સાવચેતીપૂર્વક કરાય છે. સામાન્ય રીતે ડૉપ્લર ધ્વનિચિત્રણ (Doppler sonography) વડે હાથપગની નસોની સ્થિતિ જાણી શકાય છે. હાલ ચુંબકીય અનુનાદી વાહિનીચિત્રણ (MR angiography) વડે વધુ સુસ્પષ્ટ ચિત્રો મળે છે.

આંખના રોગોના નિદાનમાં વાહિનીચિત્રણ : દૃષ્ટિબિંદુક-(macula)માં અપજનન (degeneration) થયું હોય તો તેના નિદાનમાં ફ્લોરેસિન અથવા ઇન્ડોસાયેનિન ઝ્રીન નામનાં દ્રવ્યો વડે વાહિનીચિત્રણ કરીને નિદાન કરાય છે. ક્યારેક બહિ:સ્રાવી દૃષ્ટિબિન્દુક અપજનન(exudative macular degeneration)માં ફ્લૉરેસિન વાહિનીચિત્રણ વડે આંખમાંની વાહિનીજાળ(choroid plexus)માં બહિ:સ્રાવી વિસ્તારો દર્શાવીને તેમની લેઝર વડે સારવાર કરી શકાય છે.

જઠરાંત્રમાર્ગ(gastrointestinal tract)માં વાહિનીચિત્રણ : યકૃતમાં ક્યારેક સંકેન્દ્રિત ગ્રંથિમય અતિવિકસન (focal nodular hyperplasia) નામના વિકારો થાય છે, જેમને વિવિધ ચિત્રણપ્રણાલીઓ ગાંઠ રૂપે દર્શાવે છે. તે ગર્ભનિરોધક ગોળીઓ લેતી સ્ત્રીઓમાં જોવા મળે છે. તેના નિદાનમાં વાહિનીચિત્રણ ઉપયોગી છે. અન્ય નિદાન-પદ્ધતિઓ સીટીસ્કૅન અથવા એમઆરઆઈ છે. યકૃતમાં થતા વાહિની-અર્બુદો(hemangiomas)ના નિદાનમાં પણ આ ત્રણેય પદ્ધતિઓ ઉપયોગી છે. જઠર અને આંતરડામાંથી લોહી વહેતું હોય તો તેના સ્થાનને નિશ્ચિત કરવા વાહિનીચિત્રણ ઉપયોગી નિદાનપદ્ધતિ છે. તેવી રીતે નાના આંતરડાની નસમાં લોહીનો ગઠ્ઠો જામી જવાથી ઉગ્ર આંત્રપટ અરુધિરવાહિતા (acute mesenteric ischaemia) નામનો જીવનને સંકટ કરતો રોગ થાય તો તેના નિદાનમાં વાહિનીચિત્રણ કરી શકાય છે; પરંતુ મોટા આંતરડામાં અરુધિરવાહિતાજન્ય સ્થિરાંત્રશોથ (ischaemic colitis) નામનો નસમાં લોહીનો ગઠ્ઠો જામવાથી રોગ થયો હોય તો તેમાં વાહિની-ચિત્રણ વડે તે ગઠ્ઠાનું સ્થાન નિશ્ચિત કરવું મુશ્કેલ હોય છે. નાના આંતરડાની નસમાં લોહીનો ગઠ્ઠો જામવાથી તીવ્ર પીડા થાય તો તેને ઉદરાતિપીડ (abdominal angina) કહે છે. તેમાં ક્યારેક વાહિનીચિત્રણ નિદાન કરવા માટે ઉપયોગી બને છે. અધિચયનપૂર્ણ વાહિનીચિત્રણ (super selective angiography) વડે સ્વાદુપિંડના કાય અને પુચ્છ વિસ્તારમાંની ગાંઠનું નિદર્શન કરી શકાય છે. જોકે હાલ સર્પિલ (spiral) સીટીસ્કૅનની મદદથી વધુ સહેલાઈથી અને સારી રીતે દર્શાવી શકાય છે.

મૂત્રપિંડના રોગોમાં વાહિનીચિત્રણ : મૂત્રપિંડ-ધમનીના વિકારમાં વાહિનીચિત્રણ ઉપયોગી નિદાનપદ્ધતિ છે. તેવી રીતે મૂત્રપિંડ-શિરામાં રોધ ઉદભવેલો હોય તો મૂત્રપિંડી શિરાચિત્રણ વડે તેનું નિદાન કરાય છે. મૂત્રપિંડી-ધમનીચિત્રણ વડે જો ધમનીમાં અટકાવ કે સંકીર્ણતા થયેલી હોય તો તે દર્શાવી શકાય છે, જો તેના કારણે લોહીનું દબાણ વધ્યું હોય તો તેની સારવારમાં ઉપયોગી છે.

શિલીન નં. શુક્લ, શ્રીદેવી બા. પટેલ