વાહિપુલ : વાહકપેશીધારી (tracheophyte) વનસ્પતિના દેહમાં આવેલો વાહકપેશીઓનો બનેલો એકમ. તે અન્નવાહક (phloem) અને જલવાહક (xylem) પેશીનો બનેલો હોય છે. સામાન્ય રીતે અન્નવાહક અને જલવાહક પેશીની ગોઠવણી ત્રણ પદ્ધતિઓ દ્વારા થાય છે : (1) બંને વાહકપેશીઓ એક જ ત્રિજ્યા પર સાથે સાથે ગોઠવાયેલી હોય છે; (2) એક પ્રકારની વાહક પેશી બીજા પ્રકારની વાહકપેશીને સંપૂર્ણ રીતે ઘેરે છે; અને (3) બંને પ્રકારની વાહકપેશીઓ જુદી જુદી ત્રિજ્યા પર ગોઠવાયેલી હોય છે. આમ અન્નવાહક અને જલવાહક પેશીની ગોઠવણી, જલવાહક પેશીનો વિકાસક્રમ અને એધા(cambium)ની હાજરી કે ગેરહાજરીને અનુલક્ષીને વાહિપુલના વિવિધ પ્રકારો જોવા મળે છે. તેના મુખ્ય ત્રણ પ્રકારો આ પ્રમાણે છે : (1) સહસ્થ (collateral), (2) સમકેન્દ્રી (concentric) અને (3) અરીય (radial).

1. સહસ્થ વાહિપુલો : આ પ્રકારના વાહિપુલોમાં અન્નવાહક અને જલવાહક પેશી એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલી હોય છે. જો જલવાહક પેશીની એક જ બાજુએ, એટલે કે માત્ર બહારની બાજુએ જ અન્નવાહક પેશી આવેલી હોય તો તેમને એકપાર્શ્વસ્થ (uni-collateral) વાહિપુલો કહે છે. આ પ્રકારના વાહિપુલો સપુષ્પ વનસ્પતિના પ્રકાંડમાં જોવા મળે છે. વાહિપુલમાં જલવાહક પેશીની બંને બાજુએ (બહારની અને અંદરની બાજુએ) અન્નવાહક પેશી આવેલી હોય તો, તેવા વાહિપુલને દ્વિપાર્શ્વસ્થ કે ઉભયપાર્શ્વસ્થ (bicollateral) વાહિપુલ કહે છે. કોળા (cucurbita) જેવી કુકરબિટેસી કુળની વનસ્પતિના પ્રકાંડમાં દ્વિપાર્શ્વસ્થ વાહિપુલો જોવા મળે છે.

એકપાર્શ્વસ્થ કે દ્વિપાર્શ્વસ્થ વાહિપુલોમાં અન્નવાહક અને જલવાહક પેશીની વચ્ચે એધાની હાજરી હોય તો તેને વર્ધમાન (open) વાહિપુલ કહે છે; દા. ત., સૂર્યમુખી (helianthus) અને કોળાનું પ્રકાંડ. જો અન્નવાહક અને જલવાહક પેશીની વચ્ચે એધાની ગેરહાજરી હોય તો તેવા વાહિપુલને અવર્ધમાન (closed) વાહિપુલ કહે છે; દા. ત., મકાઈનું પ્રકાંડ.

આ પ્રકારના વાહિપુલોમાં જલવાહક પેશીનો વિકાસક્રમ બે પ્રકારનો જોવા મળે છે : (1) અંતરારંભ (endarch) : જેમાં આદિદારુ-(protoxylem)ની ગોઠવણી અંદરની તરફ મજ્જાપેશી તરફ થયેલી હોય છે; દા.ત., સૂર્યમુખીનું પ્રકાંડ. (2) મધ્યારંભ (mesarch) : જેમાં આદિદારુ બે અનુદારુ(metaxylem)નાં જૂથોની વચ્ચે હોય છે; દા. ત., સાયકસ પત્રાક્ષ.

2. સમકેન્દ્રી વાહિપુલો : આ પ્રકારના વાહિપુલોમાં અન્નવાહક પેશીની ફરતે જલવાહક પેશી કે જલવાહક પેશીને ફરતે અન્નવાહક પેશી આવેલી હોય છે. સમકેન્દ્રી વાહિપુલના બે પ્રકાર હોય છે :

(અ) મધ્યદારુવાહક વાહિપુલ : આ પ્રકારના વાહિપુલમાં જલવાહક પેશી મધ્યમાં અને તેની ફરતે અન્નવાહક પેશી હોય છે; દા. ત., હંસરાજ પત્રાક્ષ.

(આ) મધ્યઅધોવાહક વાહિપુલ : આ પ્રકારના વાહિપુલમાં અન્નવાહક પેશી મધ્યમાં અને તેની ફરતે જલવાહક પેશી આવેલી હોય છે; દા. ત., ડ્રેસીનાનું પ્રકાંડ.

3. અરીય વાહિપુલ : આ પ્રકારના વાહિપુલોમાં અન્નવાહક પેશી અને જલવાહક પેશી જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરે ગોઠવાયેલી હોય છે. અન્નવાહક પેશી અને જલવાહક પેશીની વચ્ચે મૃદુતક પેશીની બનેલી સંયોગી પેશી (conjuctive) આવેલી હોય છે. આ પ્રકારના વાહિપુલો માત્ર મૂળમાં જ જોવા મળે છે. તેઓમાં આદિદારુ બહારની તરફ, એટલે કે પરિચક્ર (pericycle) તરફ હોય છે અને અનુદારુ મજ્જાપેશી તરફ હોય છે. જલવાહક પેશીના આ પ્રકારના વિકાસક્રમને બહિરારંભ (exarch) કહે છે.

આકૃતિ 1 : વાહિપુલના પ્રકારો : (અ) સહસ્થ એકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપુલનું મૉડલ; (અ1) તેનો આડો છેદ; (આ) સહસ્થ એકપાર્શ્વસ્થ અવર્ધમાન વાહિપુલનું મૉડલ; (આ1) તેનો આડો છેદ; (ઇ) દ્વિપાર્શ્વસ્થ વાહિપુલનું મૉડલ; (ઇ1) તેનો આડો છેદ; (ઈ) સમકેન્દ્રિત-મધ્યદારુવાહક (hydro centric) વાહિપુલનું મૉડલ; (ઈ1) તેનો આડો છેદ; (ઉ) સમકેન્દ્રિત-મધ્યઅધોવાહક(leptoentric)નું મૉડલ; (ઉ1) તેનો આડો છેદ; (ઊ) અરીય વાહિપુલનું મૉડલ; (ઊ1) તેનો આડો છેદ.

અન્નવાહક પેશી અને જલવાહક પેશીના સમૂહોની સંખ્યાને આધારે અરીય વાહિપુલોના પ્રકાર આ પ્રમાણે છે :

() દ્વિસૂત્રી (diarch) : બે અન્નવાહક પેશીના અને બે જલવાહક પેશીના સમૂહો આવેલા હોય તો તેને દ્વિસૂત્રી વાહિપુલ કહે છે; દા. ત., હંસરાજનું મૂળ.

() ત્રિસૂત્રી (triarch) : ત્રણ અન્નવાહક પેશીના અને ત્રણ જલવાહક પેશીના સમૂહો આવેલા હોય તો તેવા વાહિપુલને ત્રિસૂત્રી વાહિપુલ કહે છે; દા. ત., સાયકસનું પ્રવાલમૂળ.

() ચતુ:સૂત્રી (tetrarch) : ચાર અન્નવાહક પેશીના અને ચાર જલવાહક પેશીના સમૂહો આવેલા હોય તો તેવા વાહિપુલને ચતુ:સૂત્રી વાહિપુલ કહે છે; દા. ત., સૂર્યમુખીનું મૂળ.

() બહુસૂત્રી (polyarch) : અન્નવાહક પેશી અને જલવાહક પેશીના અનેક સમૂહો આવેલા હોય તો તેવા વાહિપુલને બહુસૂત્રી વાહિપુલ કહે છે; દા. ત., મકાઈનું મૂળ.

બળદેવભાઈ પટેલ