વાહિગુરુ : શીખ ધર્મમાં પરમાત્માના નામજપ અને સ્મરણ માટેનો ગુરુમંત્ર. ‘વાહિગુરુ’ નામની એક સમજૂતી એ વાસુદેવ, હરિ, ગોવિંદ અને રામ એ ચાર હરિનામોના આદ્યાક્ષરો લઈને બનાવેલું છે એમ આપવામાં આવે છે. ‘વાહિગુરુ’નો શબ્દાર્થ છે, વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો. પ્રભુભક્તિથી નિર્મળ થયેલો શીખ જ્યારે પરમાત્માની લીલાની વિસ્મયકારી સૌંદર્યાનુભૂતિ કે એના સત્-ચિત્-આનંદરૂપની અનુભૂતિ કરે ત્યારે ધન્ય ધન્ય થઈ જાય છે અને ચકિત થઈને સ્વાભાવિકપણે બોલી ઊઠે છે ‘વાહિગુરુ, વાહિગુરુ’. પરસ્પર અભિવાદન ‘વાહિગુરુજીકા ખાલસા, વાહિગુરુજીકે ફતેહ’ (ખાલસા અર્થાત્ પરમાત્મા પોતાના છે, ફતેહ અર્થાત્ સફળતા પરમાત્માની છે) એ શબ્દોથી થાય છે. શીખોનો ઉદઘોષ છે, ‘સત્ શ્રી અકાલ’ (કાલરહિત પરમાત્મા સત્ય છે.)

પ્રવીણચંદ્ર પરીખ