વાસુપૂજ્ય : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં બારમા તીર્થંકર. જૈન પુરાણો તીર્થંકર-ભવ પૂર્વેના તેમના બે ભવની વિગતો આપે છે. પ્રથમ ભવમાં તેઓ પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વ વિદેહક્ષેત્રમાં મંગલાવતી વિજયમાં આવેલી રત્નસંચયા નગરીના પદ્મોત્તર નામે રાજા હતા. તે જન્મમાં વૈરાગ્યબોધ થવાથી વજ્રનાભ નામક ગુરુ પાસે દીક્ષા લઈ સંસારત્યાગ કર્યો હતો. અનેક ઉજ્જ્વળ સ્થાનકો – વિવિધ તપશ્ચર્યાનું આરાધન કરી, તીર્થંકર નામકર્મ  ભવિષ્યમાં તીર્થંકર બનવા યોગ્ય કર્મ – ઉપાર્જિત કરી મરણાન્તે તેઓ દશમા દેવલોકમાં મહાઋદ્ધિશાળી દેવ બન્યા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ દેવલોકમાંથી આવીને જંબૂદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં આવેલી ચંપાનગરીમાં ઇક્ષ્વાકુ વંશના રાજા વસુપૂજ્યની પટરાણી જયાદેવીની કુક્ષિમાં જ્યેષ્ઠ માસની શુક્લ નવમીના શુભ દિને, શતભિષા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે અવતર્યા. તેઓ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે તીર્થંકરનો જન્મ સૂચવતાં ચૌદ ઉત્તમ સ્વપ્નો માતાએ જોયાં. પૂરા માસે ફાલ્ગુન માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે, વરુણ નક્ષત્રમાં, રાતા વર્ણવાળા અને મહિષના લક્ષણવાળા પુત્રને માતાએ જન્મ આપ્યો. તેમનું વાસુપૂજ્ય એવું નામ પાડવામાં આવ્યું. વિદ્યાપ્રાપ્તિ પછી યૌવનાવસ્થામાં આવતાં સિત્તેર ધનુષ્ય ઊંચા એવા વાસુપૂજ્ય કુમારને પરણાવવા માટે માતા-પિતાએ તૈયારી કરી; પરંતુ પૂર્વજન્મોના સંસ્કારોના કારણે વૈરાગ્ય-વાસિત કુમારે પરણવાનો મક્કમપણે ઇનકાર કર્યો. જૈન અનુશ્રુતિ અનુસાર જન્મ પછી અઢાર લાખ વર્ષે, પૂર્ણ યુવાવસ્થામાં રહેલા રાજકુમાર વાસુપૂજ્યે કુમારાવસ્થામાં – અપરિણીત અવસ્થામાં – જ દીક્ષા લીધી. વાર્ષિક દાન અને અનેકવિધ મહોત્સવોપૂર્વક વાસુપૂજ્યકુમારે વિહારગ્રહ નામક ઉદ્યાનમાં, ફાલ્ગુન માસની અમાવસ્યાના દિવસે, વરુણ નક્ષત્રમાં, અપરાહ્ન કાળે દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓની સાથે જ તેમના અનુયાયીઓ રૂપે છસો રાજાઓએ પણ દીક્ષા લઈ તેમનું અનુગમન કર્યું.

જૈન અનુશ્રુતિ અનુસાર ચોપન લાખ વર્ષ સુધી વાસુપૂજ્ય કુમારે અત્યંત ઉગ્ર આરાધનાપૂર્વક મુનિવ્રતનું પાલન કર્યું. પછી માઘ માસ, શુક્લા દ્વિતીયાના દિવસે, ચન્દ્ર શતભિષા નક્ષત્રમાં રહેલો હતો ત્યારે, વાસુપૂજ્ય મુનિને કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન પછી તેમણે તીર્થ-પ્રવર્તન કર્યું – સમવસરણ રૂપી મહાસભામાં ધર્મબોધ આપ્યો. સૂક્ષ્મ મુનિ ઇત્યાદિ તેમના છાસઠ ગણધરો – પટશિષ્યો થયા. તેમના અનુયાયીઓમાં 1,200 ચૌદપૂર્વધારી; 5,400 અવધિજ્ઞાનીઓ; 72,000 સાધુઓ અને 1 લાખ સાધ્વીઓનો સમુદાય હતો. જૈન અનુશ્રુતિ અનુસાર કુલ બોંતેર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વાસુપૂજ્ય સ્વામી ચંપાનગરીમાં જ અષાઢ શુક્લા ચતુર્દશીના દિવસે, છસો મુનિઓ સાથે, અનશનપૂર્વક મોક્ષ પામ્યા.

જૈન પુરાણ અનુસાર વાસુપૂજ્ય ભગવંતના સમયમાં જ દ્વિપૃષ્ટ નામે વાસુદેવ – અર્ધચક્રવર્તી રાજા થઈ ગયો. જૈન પરંપરા અનુસાર કુલ નવ વાસુદેવ, નવ બલદેવ અને નવ પ્રતિવાસુદેવ થઈ ગયા. તેમાં દ્વિપૃષ્ટ બીજો વાસુદેવ અને તેનો ભાઈ વિજય બીજો બલદેવ તથા તેના પ્રતિસ્પર્ધી તારક બીજો પ્રતિવાસુદેવ હતો.

રમણીક શાહ