વાસુદેવાનંદ સરસ્વતી (ટેમ્બે સ્વામી)

January, 2005

વાસુદેવાનંદ સરસ્વતી (ટેમ્બે સ્વામી) : નારેશ્વર-નિવાસી જાણીતા મહારાષ્ટ્રી સંત. શ્રીમન્નૃસિંહ સરસ્વતી ગુરુ દત્તાત્રેયના અવતાર મનાતા હતા. મહારાષ્ટ્રમાં વાડી, ઔદુમ્બર અને ગાણગાપુર એમનાં સુવિખ્યાત લીલા-સ્થળો છે. ત્યાં ઈ. સ. 1906માં પરમપૂજ્ય બ્રહ્મીભૂત પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ બિરાજતા હતા. ટેમ્બે સ્વામીથી પ્રસિદ્ધ હતા. દત્તાવતાર શ્રીમન્નૃસિંહ સરસ્વતીની લીલાઓને વિષય બનાવીને સરસ્વતી ગંગાધરે ઓવી છંદમાં ‘ગુરુચરિત્ર’ની રચના કરી હતી. પૂ. ટેમ્બે સ્વામીએ ‘શ્રી ગુરુ લીલામૃત’ની રચના કરી હતી; તેનો બીજો ભાગ ‘કર્મકાંડ’ ગુરુ ચરિત્રને આધારે રચ્યો છે. મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં સંગમેશ્વર પાસે દેવળે નામનું પ્રકૃતિરમ્ય ગ્રામ છે, ત્યાં પાંડુરંગ વિઠ્ઠલ વળામે પૂ. શ્રી રંગ અવધૂત મહારાજનો પ્રાદુર્ભાવ થયો. ત્યાંની પ્રકૃતિશોભાનું વર્ણન ગુરુલીલામૃત(અધ્યાય 106)માં આ રીતે છે –

        ચારેગમ પહાડો બધે, શોભે ગિરિશિખ્ખર,

        વનસ્પતિનો પાર ના, દિસે રમ્ય તરુવર.

        સ્થળે સ્થળે પાણી તણા, સુંદર ઝરણાં જ્યાંય,

        અસંખ્ય ઉદ્યાનો અહા, ફૂલ પુષ્પે ઊભરાય.

                                                                        (31-32)

વાસુદેવાનંદ સરસ્વતી

પહેલી વાર આઠ વર્ષની વયે પાંડુરંગ એમને મળ્યા, એ સંવાદ સરસ છે – સ્વામી : हा आमचा मुलगा आहे ’ (આ અમારો દીકરો છે). काय रे मुला, तु कोणाचा ? (કેમ રે દીકરા, તું કોનો દીકરો ?) પાંડુરંગ : ‘રૂરૂજ્ઊ ’ (તમારો). ત્યારથી પાંડુરંગ એમ જ માનતા કે મારું મસ્તક મારા ધડ પર નથી, મારા ગુરુના ખોળામાં છે. પૂ. ટેમ્બે સ્વામીએ ગરુડેશ્વરની બરાબર સામે નર્મદા કાંઠે ઇન્દ્રવર્ણા ગામમાં ઇન્દ્રેશ્વર પાસે સમાધિ લીધેલી. ત્યારપછી પાંડુરંગ ત્યાં આવ્યા; ત્યારે સ્વપ્નમાં ગુરુએ દર્શન આપ્યાં અને ‘દત્તપુરાણ’ના 108 વાર પારાયણનો આદેશ આપ્યો. આ ગ્રંથરાજની રચના ગુરુજીએ કરી હતી. એનાથી પાંડુરંગને મંગલસિદ્ધિની પ્રાપ્તિ થઈ. ભરૂચના શ્રી મોહનલાલભાઈ પાસે આ સ્વામી મહારાજના બધા ગ્રંથો હતા. તે એમની એક એક નકલ પૂજામાં રાખતા. આ સ્વામીજીના અત્યંત કૃપાપાત્ર અનન્ય ભક્ત પૂજ્ય યોગાનંદ સરસ્વતી સ્વામી હતા. તે શ્રીગાંડા મહારાજ તરીકે ઓળખાતા. યોગાનંદ સ્વામી અવારનવાર શ્રી કલ્યાણજીભાઈના મઠમાં જતા. આ મઠમાં પૂ. ટેમ્બે સ્વામીના બધા જ ગ્રંથો હતા. પાંડુરંગને પ્રતીતિ થવા લાગી કે એમના ગુરુજી એને ગુજરાતમાં જ સ્થિર કરવા માગે છે; તેથી તેઓ નારેશ્વરમાં સ્થાયી થયા. દત્તાત્રેયને ગુરુ તરીકે પૂજનારા આ યોગીઓ અને દેવ તરીકે પૂજનારા સંસારીઓ દત્ત સંપ્રદાયના અનુયાયીઓ ગણાય છે.

રશ્મિકાંત મહેતા