વાલિકર, ચેન્નન્ના

January, 2005

વાલિકર, ચેન્નન્ના (જ. 6 એપ્રિલ 1943, શંકરવાડી, જિ. ગુલબર્ગ, કર્ણાટક) : કન્નડ લેખક. એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ 1972થી 1987 સુધી તેઓ રાયપુરની એલવીડી કૉલેજમાં અધ્યાપક અને 1987-95 સુધી ગુલબર્ગ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને રીડરપદે રહ્યા.

અત્યાર સુધીમાં તેમણે 40 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘કારિતેલિમાનવાન જીપાદ’ (1973, કાવ્યસંગ્રહ); ‘જોગતી’ (1990, નાટ્યસંગ્રહ); ‘ગ્રામ ભારત’ (1992, નવલકથા); ‘કુટ્ટાદેલ્લી કુડાવર કથેગલુ’ (1994, વાર્તાસંગ્રહ); ‘સોમરાય ભીમર્યાન દપ્પિનટ’ (1984, લોકગીતસંગ્રહ); ‘કર્ણાટકડા દેવદાસ્યારુ’ (1997, સંશોધનગ્રંથ) અને ‘વિમર્શ લોક’(1997, વિવેચનગ્રંથ)નો સમાવેશ થાય છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1975માં કન્નડ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1991માં કર્ણાટક રાજ્યોત્સવ ઍવૉર્ડ અને 1995માં કર્ણાટક નાટક અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા