વાલાસ્ક્વેથ, ડાયેગો રોડ્રિગ્વેઝ ડી સિલ્વા

January, 2005

વાલાસ્ક્વેથ, ડાયેગો રોડ્રિગ્વેઝ ડી સિલ્વા (જ. 6 જૂન 1599, સેવિલે, સ્પેન; અ. 6 ઑગસ્ટ 1660, મૅડ્રિડ, સ્પેન) : સત્તરમી સદીના સ્પેનના સૌથી વધુ મહત્વના ચિત્રકાર. આજે તેમની ગણના વિશ્વના ટોચના ચિત્રકારોમાં થાય છે. બળૂકી અભિવ્યક્તિની ક્ષમતા ધરાવતી તેમની વાસ્તવવાદી ચિત્રશૈલી ચિત્રિત પાત્રોના મનોગતને સ્ફુટ કરવા માટે સમર્થ ગણાઈ છે.

વાલાસ્ક્વેથના ગુરુ અને સસરા ફ્રાન્ચેસ્કો પાચેકોએ કલા અંગે 1649માં લખેલા પુસ્તક ‘ધી આર્ટ ઑવ્ પેઇન્ટિંગ’માંથી વાલાસ્ક્વેથના જીવન અંગેની માહિતી મળી આવી છે. એ પછી વાલાસ્ક્વેથના શિષ્ય જુઆન દે આલ્ફારોએ લખેલી નોંધ પરથી દરબારી ચિત્રકાર અને કલાઇતિહાસકાર ઍન્તૉનિયો પેલોમિનોએ ‘ધ સ્પૅનિશ પૅર્નેસસ’ શીર્ષક હેઠળ 1724માં વાલાસ્ક્વેથની જીવનકથા લખી. એ સિવાય એના જીવન અંગે જૂજ માહિતી મળે છે. દરબારી ચોપડાઓમાંથી પણ તેમના વિશે માહિતી મળતી નથી. પોતે ચીતરેલાં ચિત્રો પર તેમણે ભાગ્યે જ સહી કરેલી અને ભાગ્યે જ તારીખ લખેલી હોવાથી માત્ર શૈલીમાં ફેરફાર અનુસાર જ ચિત્રોના સમયાનુક્રમનું અનુમાન કરવામાં આવે છે. ખૂબ જ મંથર ગતિએ ચીતરવાની ટેવ હોવાને કારણે તેમના કુલ સર્જનનું પ્રમાણ અતિશય નાનું છે. વળી જીવનનો ઉત્તરાર્ધ મૅડ્રિડના એક દરબારી અધિકારી તરીકે વીત્યો હોવાથી તે સમયે તેમની ચિત્રસર્જનની પ્રવૃત્તિ અતિ મંદ પડી ગઈ હતી.

સેવિલે ખાતેના ચિત્રકાર ફ્રાન્સિસ્કો હેરારા ધ એલ્ડર પાસે તેમણે ચિત્રકલાની પ્રારંભિક તાલીમ લીધેલી. એ પછી 1611માં તે ચિત્રકાર ફ્રાન્સિસ્કો પાચેકોના શિષ્ય બન્યા. 1618માં પાચેકોએ પોતાની પુત્રી વાલાસ્ક્વેથને પરણાવી. હજી તો વીસ વરસની ઉંમર પહેલાં જ આશરે 1619માં વાલાસ્ક્વેથે પોતાનું પહેલું ‘માસ્ટરપીસ’ ચિત્ર ‘વૉટર સેલર ઑવ્ સેવિલે’ ચીતર્યું. તેમાં પાણી વેચનાર, પાણી ખરીદનાર અને માટીના ઘડા પર પ્રકાશ અને છાયાની નાટ્યાત્મક સંતાકૂકડી ઇટાલિયન બરૉક ચિત્રકાર માઇકેલૅન્જેલો મેરિસી કારાવાજિયોની શૈલીને અનુસરે છે. ધાર્મિક વિષયો અને રોજિંદી ક્ષુલ્લક પ્રવૃત્તિઓ ઉપરાંત તેમણે ઘરેલુ પ્રવૃત્તિઓનાં ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. આરંભકાળનાં એમનાં બીજાં નોંધપાત્ર ચિત્રોમાં ‘ઓલ્ડવુમન ફ્રાઇન્ગ એગ્ઝ’, ‘ક્રાઇસ્ટ ઇન ધ હાઉસ ઑવ્ માર્થા ઍન્ડ મેરી’ તથા ‘એડૉરેશન ઑવ્ ધ મેજી’નો સમાવેશ થાય છે.

ચિત્રકારના આત્મચિત્રને સમાવતું રાજદરબારનું વાલાસ્ક્વેથે આલેખેલું સામૂહિક વ્યક્તિચિત્ર ‘લા મેનિનાસ’

ફિલિપ ચોથાનો મૅડ્રિડના સિંહાસન પર 1621માં રાજ્યાભિષેક થતાં વાલાસ્ક્વેથ 1622માં પહેલી વાર મૅડ્રિડ ગયા. રાજ્યાશ્રય મેળવવાની ઇચ્છા એમના મનમાં હતી. કવિ લુઈસ દ ગૉન્ગૉરાનું વ્યક્તિચિત્ર તેમણે ચીતર્યું, પણ રાજા અને રાણીનાં વ્યક્તિચિત્રો ચીતરવાની તક તેમને પછીના વર્ષે મળી. ફિલિપ ચોથો ખુશ થયો અને એ રાજાએ વાલાસ્ક્વેથની નિમણૂક દરબારી ચિત્રકાર તરીકે કરી; એટલું જ નહિ, એ રાજાએ પોતાને ચિત્રિત કરવાના સંપૂર્ણ હકો માત્ર વાલાસ્ક્વેથને આપ્યા. આનો અર્થ એ થતો હતો કે અન્ય કોઈ પણ રાજાને ચિત્રિત કરી શકે નહિ ! પછી તો વાલાસ્ક્વેથે ફિલિપ ચોથાના અને તેના રાજપરિવારનાં ઘણાં વ્યક્તિચિત્રો ચીતર્યાં. રાજાના અંગત સંગ્રહમાં ઇટાલિયન રેનેસાંસ ચિત્રકાર તિશ્યોંનાં કેટલાંક ચિત્રો હતાં. એ ચિત્રોનો સ્પષ્ટ પ્રભાવ હવે વાલાસ્ક્વેથ પર પડવો શરૂ થયો. 1628માં ફ્લૅમિશ બરૉક ચિત્રકાર રૂબેન્સ ફ્લૅન્ડર્સના રાજદૂતના હોદ્દાની રૂએ સ્પેનમાં ફિલિપ ચોથાના દરબારમાં આવ્યા. રૂબેન્સ સાથેની મુલાકાતોની અસર પણ વાલાસ્ક્વેથની ચિત્રકલા ઉપર પડી. વાલાસ્ક્વેથે ચીતરેલા મદિરા દેવના ચિત્ર બેકુસ પર તિશ્યોં અને રૂબેન્સ બંનેની અસર જોવા મળે છે. મંદ સોનેરી તડકામાં માનવોની ત્વચાનો ચળકાટ કામુક ભાવોનું ઉદ્દીપન કરે છે.

1629માં રાજાની બે વરસની રજા અને ભલામણપત્રો લઈને ઑગસ્ટ મહિનામાં વાલાસ્ક્વેથ સ્પેનના બાર્સેલોના બંદરેથી ઇટાલી જવા ઊપડ્યા અને ઇટાલીના જિનોઆ બંદરે ઊતર્યા, પછી વેનિસ જઈ તેમણે ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર તિન્તોરેતોનાં થોડાં ચિત્રોની નકલ કરી અને પછી રોમ ગયા. ત્યાં સિસ્ટાઇન ચૅપલની ભીંત પર માઇકેલૅન્જેલોએ ચીતરેલા વિશાળ ભીંતચિત્ર ‘ધ લાસ્ટ જજમેન્ટ’ની રેખાચિત્રમાં નકલ ઉતારી, રફાયેલનાં કેટલાંક ચિત્રોની તૈલરંગોમાં નકલ કરી. 1631માં તેઓ મૅડ્રિડ પાછા ફર્યા. ઇટાલિયન યાત્રા દરમિયાન તૈલરંગોમાં ચીતરેલાં મોટા કદનાં બે મૌલિક ચિત્રો તેમણે પાછા ફરીને ફિલિપ ચોથાને ભેટ ધર્યાં : ‘જૉસ્ફસ બ્લડી કોટ બ્રોટ ટુ જેકૉબ’ અને ‘ધ ફોર્જ ઑવ વુલ્કેન’.

વાલાસ્ક્વેથના જીવનનો સૌથી વધુ ફળદાયી તબક્કો હવે શરૂ થયો. રાજાએ પૌરાણિક પ્રસંગો ઉપરથી ચિત્રો સર્જવાની તેમને વિનંતી કરી; છતાં ધાર્મિક પ્રસંગો પરથી પણ પ્રસંગોપાત્ત, તેમણે ચિત્રો ચીતર્યાં ખરાં; તેનાં બે ઉદાહરણ મળે છે : ‘ક્રાઇસ્ટ ઑન ધ ક્રૉસ’ અને ‘ધ કૉરોનેશન ઑવ્ ધ વર્જિન’. ઉપરાંત રાજાના ભાઈ ઇન્ફાન્ટે ફર્નાન્ડોનાં અને રાજકુંવર બેલ્ટેસેર કાર્લોસનાં શિકારીઓ તરીકેનાં અસંખ્ય ઘોડેસવાર-વ્યક્તિચિત્રો ચીતર્યાં.

1649માં રાજા ફિલિપ ચોથાએ રેનેસાંસ-કાળનાં અને પ્રાચીન રોમન કાળનાં ચિત્રો અને શિલ્પો ખરીદવા માટે વાલાસ્ક્વેથને ઇટાલી મોકલ્યો. સાથે સાથે રાજાએ કેટલાંક સ્પૅનિશ ચિત્રો પોપ ઇનોસંટ દસમાને ભેટ આપવા વાલાસ્ક્વેથ સાથે મોકલ્યાં. આ યાત્રા દરમિયાન તિશ્યોંનાં ચિત્રોનો ફરીથી અભ્યાસ કરવાની તક મળતાં વાલાસ્ક્વેથને ફાયદો થયો. વેનિસમાં રાજા માટે તિશ્યોં, તિન્તોરેત્તો અને વેરોનિઝે ચીતરેલાં ચિત્રો તેમણે ખરીદ્યાં. પછી મોદેના થઈ એ બોલોન્યા ગયા. ત્યાંના ભીંતચિત્રકારોને તેમણે મૅડ્રિડના રાજદરબારના મહેમાન બનવા આમંત્રણ આપ્યું. ત્યાં ઇટાલિયન બરૉક શિલ્પી બર્નિની અને ફ્રેન્ચ ચિત્રકાર નિકોલા પુસોંની સાથે તેમણે મુલાકાત કરી.

રોમ જઈ તેમણે પોપ ઇનોસંટ દસમા અને પોપના મદદનીશ તથા હબસી-યુરોપીય મિશ્ર લોહી ધરાવતા જુઆન દે પારેજાનાં વ્યક્તિચિત્રો ચીતર્યાં. રોમમાં આવેલી કલા અંગેની બે સૌથી વધુ ખ્યાતનામ સંસ્થાઓ અકાદમિયા દી સાન લુચા અને કૉન્ગ્રેગેત્ઝિયોને દેઈ વર્ચ્યુઓસી ઍલ પૅન્થિયૉને વાલાસ્ક્વેથને 1650માં સભ્ય બનાવ્યો. હવે તેમની ખ્યાતિ બધે જ ખૂબ પ્રસરી. એ રોમમાં હતા ને સ્પૅનિશ રાજવી ખાનદાનમાંથી લશ્કરમાં ભરતી થયેલા સૈનિકોની રેજિમેન્ટ ઑર્ડર ઑવ્ સાન્ટિયાગોએ 1659માં તેમને માનાર્હ સભ્ય બનાવ્યા. રોમમાં જ તેમણે ચિત્ર ‘રોકેબી વિનસ’ ચીતર્યું. અઢારમી સદીના અંત સુધી સ્પૅનિશ કલામાં નગ્ન સ્ત્રીનું નિરૂપણ થતું નહિ. વાલાસ્ક્વેથનું આ ચિત્ર એકમાત્ર અપવાદ છે તે જોતાં એ ચિત્રનું મહત્વ અદકેરું છે.

1651માં વાલાસ્ક્વેથ મૅડ્રિડ પાછા ફર્યા. રાજાએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું. વાલાસ્ક્વેથની ગેરહાજરી દરમિયાન રાજાએ પુનર્લગ્ન કર્યું હતું. નવી રાણી મૅરિયાના ઑવ્ ઑસ્ટ્રિયા અને તેનાં નાનકડાં બાળકો હવે વાલાસ્ક્વેથનાં ચિત્રોના મુખ્ય વિષય બન્યાં. ફુલાવેલા ઘાઘરા અને બારીક વાળ-ગૂંથણીમાં એ રાણી અને રાજકુંવરીઓ ઢીંગલી જેવી દેખાય છે. તેમાં બારીક વિગતો ગૂંથી નથી, પણ વાલાસ્ક્વેથે પીંછીનાં મુક્ત લસરકા વડે વાતાવરણ ઉપસાવ્યું છે. આ ‘સ્કેચી’ શૈલી હવે આવનારા પ્રભાવવાદીઓની અગ્રયાયી ગણાય છે. રાજકુંવરી ઇન્ફન્ટા માર્ગેરિટા અને રાજકુંવર ફિલિપ પ્રૉસ્પેરોનું સામૂહિક વ્યક્તિચિત્ર એમની છેલ્લા તબક્કાની શ્રેષ્ઠ ચિત્રકૃતિઓમાં સમાવેશ પામે છે. રાજવી ઠાઠમાઠ અને અક્કડતાના સ્પર્શ વિનાની આ વ્યક્તિચિત્રણા ખૂબ સહજ લાગે છે. રાજકુંવરી અને રાજકુંવરની આકૃતિઓ પર બાળસહજ નિર્દોષતા જોવા મળે છે.

જીવનના અંતકાળે વાલાસ્ક્વેથે બે ‘માસ્ટરપીસ’ ચીતર્યાં; ચિત્ર ‘લાસ હિલેન્ડોરાસ’ ગ્રીક પૌરાણિક કથા ઉપર આધારિત છે. બીજું ચિત્ર ‘લાસ મેનિનાસ’ વિશ્વની શ્રેષ્ઠ ચિત્રકૃતિઓમાં સ્થાન પામે છે. ‘ધ રૉયલ ફેમિલી’ નામે ઓળખાતા આ ચિત્રમાં રાજકુંવરી ઇન્ફાન્ટા માર્ગેરિટાને તેનાં માતાપિતા રાજા અને રાણી, ઢીંગલાં, પાળેલ કૂતરાં અને નોકરચાકરો સાથે તથા ચિત્રકાર ખુદ વાલાસ્ક્વેથથી વીંટળાયેલી ચીતરી છે. તદ્દન અવૈધિક (informal) અને ઘરેલુ એવા આ વ્યક્તિ-ચિત્રમાં અરીસાનો ઉપયોગ વાલાસ્ક્વેથે એવો ભુલભુલામણીભર્યો કર્યો છે કે કઈ માનવઆકૃતિ સીધી દેખાય છે અને કઈ માનવઆકૃતિ અરીસામાંથી પરાવર્તિત થઈને દેખાય છે, તે કોયડો બની રહે છે. રાજવી પરિવારની સાથે વાલાસ્ક્વેથે પોતાને પૂરા કદમાં સ્પષ્ટ આલેખીને પોતાના રુઆબદાર હોદ્દાનું ભાન દર્શકોને કરાવ્યું છે.

1660માં વાલાસ્ક્વેથ રાજા સાથે ફ્રેન્ચ સરહદ પર ગયા. પાછા આવીને તેઓ માંદગીમાં પટકાયા અને તે જ વર્ષની છઠ્ઠી ઑગસ્ટે મૃત્યુ પામ્યા. વાલાસ્ક્વેથને કોઈ શિષ્યો કે અનુયાયીઓ હતા નહિ. મૃત્યુ પછી ભુલાઈ ગયેલા વાલાસ્ક્વેથને ઓગણીસમી સદીના પ્રારંભમાં કીર્તિ મળવી શરૂ થઈ. એનાં શ્રેષ્ઠ ચિત્રો મૅડ્રિડના પ્રાડો મ્યુઝિયમ અને પૅરિસના લુવ્ર મ્યુઝિયમમાં પ્રદર્શિત છે.

અમિતાભ મડિયા