વાલેટા : પશ્ચિમ આફ્રિકામાં આવેલું એક વખતનું (અગિયારમીથી સોળમી સદી સુધીનું) આગળ પડતું વેપારી શહેર. આજે તે મોરિટાનિયામાં આવેલું ઔલાટા નામનું નાનકડું નગર માત્ર છે. ભૌગોલિક સ્થાન : 17° 18´ ઉ. અ. અને 7° 02´ પૂ. રે.. આ શહેરમાં તે વખતે સોનું અને ક્યારેક ગુલામોના બદલામાં તાંબું, તલવારો અને અન્ય માલસામાનનો વેપાર થતો.

અગિયારમી સદી દરમિયાન, દક્ષિણ તરફના મુસ્લિમ વેપારીઓ અહીં આવીને વસેલા. ચૌદમી સદીમાં આ શહેર માલી સામ્રાજ્યનો ભાગ બની રહેલું. 1433માં દક્ષિણના તુરેગો (Tuareg) અહીં આવ્યા, શહેરને ઘેરો ચાલ્યો અને કબજો લઈ લીધેલો. પંદરમી સદીના અંતભાગમાં તે સોંઘાઈ સામ્રાજ્યનો ભાગ બનેલું. તે પછી આ સામ્રાજ્યનું પતન થયું. વાલેટા તે પછીથી એક પછી એક જુદા જુદા શાસન હેઠળ રહેલું.

ગિરીશભાઈ પંડ્યા