વામન પુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યમાંનો એક ગ્રંથ. વિષ્ણુના વામન અવતાર સાથે સંકળાયેલું વૈષ્ણવ પુરાણ.

આ વૈષ્ણવ પુરાણમાં કુલ 95 અધ્યાયો છે. આરંભે વર્ષાકાળના વર્ણન પછી નરની ઉત્પત્તિ, શંકરને લાગેલી બ્રહ્મહત્યા, વિષ્ણુ અને વીરભદ્રનું સ્વરૂપ અને શિવ દ્વારા કામદહન વર્ણવાયાં છે (1-6). અધ્યાય 51-53માં શંકરનો મંદરગિરિ પ્રવેશ, કાલીવિવાહ, કાલીનું પાણિગ્રહણ અને વિનાયકની ઉત્પત્તિ (5-54), શિવકથા, અંધક સેના-પરાજય (અ. 68), જંભ-કુજંભ વધ (અ. 69), અંધક પરાજય અને ગણાધ્યક્ષત્વનું વરદાન (અ. 70) – એ શિવકથાના અંશો છે.

અ. 7માં પુલસ્ત્યના મુખે કામદેવ સમક્ષ ઉર્વશીના સર્જન અને નારાયણના દશે દિશામાં વ્યાપેલા ચરિત્રનું આલેખન છે.

હિરણ્યકશિપુના મરણ પછી પ્રહ્લાદ તેનો અનુગામી બન્યો. એક વાર ભૃગુઋષિના પુત્ર ચ્યવન નર્મદાકાંઠે નકુલેશ્વર તીર્થમાં સ્નાન કરવા ગયા ત્યારે કોઈ એક નાગ તેમનો પગ પકડી પાતાળમાં ખેંચી ગયો. હરિના નામસ્મરણથી નાગના વિષની અસર ન થઈ; પણ ચ્યવનને તે નાગ પાતાળમાં ખેંચી ગયો.

પાતાળ લોકમાં ચ્યવનને પ્રહ્લાદ સાથે મુલાકાત થઈ. તેમણે પૃથ્વી ઉપરનાં તીર્થો જોવાની ઇચ્છા પ્રગટ કરી. ચ્યવન તેમને નૈમિષારણ્યમાં લઈ આવ્યા. ત્યાં નર-નારાયણને જોયા. નર સાથે પ્રહ્લાદને યુદ્ધ થયું. નરને આ યુદ્ધમાં પાછા પડતા જોઈ નારાયણ તેમને સહાય કરવા આગળ આવ્યા. પ્રહ્લાદે નારાયણ સાથે ભારે યુદ્ધ આદર્યું. નારાયણને જીતવા મુશ્કેલ છે એમ જાણી પ્રહ્લાદે નારાયણને જીતવાનું સામર્થ્ય મેળવવા તપ આદર્યું. તેના તપથી નારાયણ પ્રસન્ન થઈ પ્રહ્લાદે દૈત્યોનું રાજ્ય ગ્રહણ કરી તેમના હિતનો ઉપદેશ આપવા જણાવ્યું (અ. 8).

સમય વીતતાં દેવાસુર વચ્ચે પુન: યુદ્ધ થયું (અ. 8-10). અ. 11માં દેવાદ્ઘિર્મ અને અ. 14માં દેશધર્મોનું આલેખન મળે છે.

અ. 13માં જંબુદ્વીપ અને અ. 25માં શ્ર્વેતદ્વીપનું વર્ણન ભૌગોલિક વિગતોનું અસ્તિત્વ દર્શાવે છે.

અ. 15માં મહાદેવે કરેલું સૂર્યપતન વર્ણવાયું છે.

કુરુક્ષેત્ર મહિમા (અ. 22, 33), સાત્વત તીર્થ (અ. 34), સરસ્વતી વગેરે તીર્થો (અ. 35-37), કુરુક્ષેત્રાદિમાહાત્મ્ય (અ. 41), કુંજ સ્થાણુ આદિતીર્થ (અ. 83-84), પ્રહ્લાદની તીર્થયાત્રા વિશે વિભિન્ન તીર્થોનું આલેખન (અ. 44-45), પૃથૂદક-માહાત્મ્ય (અ. 32) જેવાં માહાત્મ્યો આ પુરાણમાં મળે છે.

અ. 46માં વિભિન્ન પ્રકારનાં લિંગોનું વર્ણન છે.

અ. 23-24માં બલિનું ઐશ્વર્ય, અ. 26માં વિષ્ણુની સ્તુતિ, અ. 27માં અદિતિ દ્વારા સ્તુતિ, અ. 29માં પ્રહ્લાદનું ચરિત, અ. 30-31માં વામનજન્મ, વામનની સરસ્વતી દ્વારા સ્તુતિ (અ. 32), અ. 74માં પ્રહ્લાદનો બલિને ઉપદેશ, અ. 75માં બલિનો મહિમા, અ. 74માં અદિતિને વરદાન, અ. 77માં બલિને પ્રહ્લાદનું શિક્ષણ, અ. 78માં એનો પરાજય, અ. 82-90માં વામનજન્મની પુન: કથા, સ્વસ્થાન કથા; અ. 9-15માં બલિ-શુક્રાચાર્ય સંવાદ, અ. 92માં બલિને બંધન, અ. 93માં વામનનું વિરાટ રૂપે પ્રાકટ્ય, અ. 94માં ભગવાનની પ્રશંસાસ્તુતિ અને વામન અવતારવિષયક વિગતો સાથે સંબંધિત છે.

અ. 38માં મંકણાક યશ, અ. 47માં વેનચરિત, અ. 56-57માં કાત્યાયની દ્વારા ચંડમુંડ, રક્તબીજાદિના વધ, અ. 59માં અંધક પરાજય, અ. 60-61માં મુરચરિત અને તેનો વધ, અ. 63માં દંડરાજચરિત, અ. 64માં જાબાલિચરિત, અ. 37-38માં મરુતોત્પત્તિ, અ. 77માં કાલનેમીવધ, ધુંધુવધ, અ. 79માં પુરુરવા અને અ. 81માં જલૌકની કથા, અ. 82માં શ્રીદામચરિત અને અ. 85માં ગજેન્દ્રમોક્ષ જેવાં કથાનકો આખ્યાન અને ઉપાખ્યાન રૂપે મળે છે.

કાલીચરિત, ચંડમુંડવધ, રક્તબીજવધ જેવી કથાઓ શક્તિ સંપ્રદાયની અસર દર્શાવે છે.

નક્ષત્ર પુરુષના વર્ણન(અ. 66)માં ભગવાનનું નક્ષત્ર રૂપે વર્ણન અને તેના વૃત્તનું કથન મળે છે. અ. 5માં અશૂન્ય શયન વ્રત પણ મળે છે. આ પુરાણમાં ઘણાં ઓછાં વ્રતો આલેખાયાં છે.

અ. 27માં દેવોએ કરેલી વિષ્ણુની સ્તુતિ, સરસ્વતી દ્વારા વામનની સ્તુતિ (અ. 67) તેમજ પાપશામક વ્રતો મળે છે.

સમગ્ર પુરાણ પુલસ્ત્ય-નારદના સંવાદ રૂપે રચાયું છે.

આ પુરાણમાં સર્ગ, પ્રતિસર્ગ, વંશ, વંશાનુચરિત અને મન્વન્તર જેવાં પુરાણનાં પાંચ લક્ષણોમાંથી સર્ગ, પ્રતિસર્ગ અને મન્વન્તર વિશે આછી-પાતળી વિગતો મળે છે. વંશ અને વંશાનુચરિતની વિગતોનો પ્રાય: અભાવ છે.

અલ્બેરુનીના મતે આ પુરાણ ઈ. સ.ના દસમા સૈકામાં હાલનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું. અલ્બેરુની ઈ. સ.ના અગિયારમા સૈકાની ત્રીજી પચ્ચીસીમાં ભારતમાં આવ્યો હતો. આથી તેના આગમન પૂર્વે આ પુરાણ આ સ્વરૂપ પ્રાપ્ત કરી ચૂક્યું હતું.

નારદીય પુરાણના મતે આ પુરાણ બૃહદ્ વામન પુરાણ તરીકે ઓળખાતું હતું. અર્થાત્ મૂળ વામન પુરાણ આનાથી ભિન્ન હતું. તેમાં માહેશ્વરી, ભગવતી, ગૌરી અને ગાણેશ્વરી નામની ચાર સંહિતાઓ હતી. આ દરેક સંહિતામાં હજાર હજાર શ્ર્લોકો હતા. ધર્મશાસ્ત્રના નિબંધ ગ્રંથોમાં ક્યાંય ઉત્તરભાગ મળી આવ્યો નથી. આજે ઉપલબ્ધ વામન પુરાણના કુલ છ હજાર શ્ર્લોકો છે. વામન પુરાણના સર્જનનો આરંભ ઈ. સ.ના પાંચમા સૈકામાં થયો હોવાનું વિદ્વાનો માને છે.

આ પુરાણની ભાષા સરળ છે. પાણિનિનાં સૂત્રોનું પાલન ઘણી વાર થયું નથી. આ પુરાણના રચનાકાળ દરમિયાન સંસ્કૃત બોલચાલની ભાષા જણાતી નથી. પ્રાકૃત લોકોની બોલચાલની ભાષા હતી એમ જણાય છે. વામન પુરાણમાં વાલ્મીકિ અને કાલિદાસની ભાષા અને શૈલીનું અનુકરણ જણાય છે. આ પુરાણ વૈષ્ણવ પુરાણોમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

દશરથલાલ વેદિયા