વામન અવતાર : હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુએ લીધેલો પાંચમો અવતાર. વિષ્ણુએ ઇન્દ્રના રક્ષણ અને વૈરોચન બલિના બંધન માટે આ અવતાર લીધો હતો. ઋગ્વેદમાં આ અવતારનો સ્રોત મળે છે.

વિષ્ણુએ ત્રણ ડગલાંથી સમગ્ર સૃદૃષ્ટિને વ્યાપી લીધી. (ઋ. 12-2-1718)

ગોપ રક્ષણહાર અને કોઈથી ન દબાય તેવા વિષ્ણુએ ત્રણ ડગ ભર્યાં. તેથી ધર્મોને ધારણ કર્યાં.

વામન વિષ્ણુનો મુખ્ય દશ અવતારોમાં પાંચમો અવતાર છે. ભાગવત અનુસાર તે વિષ્ણુનો પંદરમો અવતાર છે. (ભા. 1-3-19)

ઋગ્વેદમાં વિષ્ણુ એક સ્વતંત્ર દેવતા નથી, પણ સૂર્યદેવતાનું જ એક રૂપ છે. આથી પ્રાત:, મધ્યાહ્ન અને સાયંકાળના ત્રણ ડગથી ભૂમિને માપી લેવાનો નિર્દેશ થયો છે. આ ત્રણ ડગલાં વિશે નિરુક્ત(12-19)માં શાકપૂણિ અને ઔર્ણનાભના મતો પ્રખ્યાત છે. શાકપૂણિના મતે પૃથ્વી, અંતરિક્ષ અને આકાશ – આ ત્રણ સ્થાનો ત્રણ પગલાં છે. ઔર્ણનાભના મતે ઉદયગિરિ ઉપર સમારોહણ, વિષ્ણુપદ – સ્વસ્તિક કે મધ્યાહ્ન અને ગયાશિરસ(અશ્મગિરિ)ને વિષ્ણુના સૂર્યરૂપે ત્રણ પગલાં માનવામાં આવે છે. તૈત્તિરીય સંહિતામાં વિષ્ણુ અને સૂર્યને એક ગણાવ્યા છે. વિષ્ણુએ પૃથ્વી ઉપર તેમના મિત્ર ઇન્દ્રને માટે તેણે ગુમાવેલું રાજ્ય પાછું મેળવવા લીધેલા અવતારની કથા છે. (તૈ. સં. 2-4, 12-2)

વૈદિક સાહિત્યમાં મળતા નિર્દેશો અનુસાર આ કથાનો ઉદગમ આકાશમાં સૂર્યના સંચરણ ઉપરથી થયો છે. વિષ્ણુ અને સૂર્યને એક માનવામાં આવ્યા. આગળ ઉપર વિષ્ણુના દશાવતારમાં ત્રણ ડગલાંમાં સમગ્ર પૃથ્વીને વ્યાપી લેવાની કથા ઉત્તરકાલીન યુગમાં પુરાણોમાં ઊતરી આવી. ઉપર જોયું તેમ, આ કથાનું મૂળ સ્વરૂપ તૈત્તિરીય સંહિતામાં અસ્પષ્ટ રૂપે મળે છે. ત્રણેય લોકોનું સ્વામિત્વ મેળવવા માટે દેવાસુરસંગ્રામમાં વિષ્ણુએ વામન સ્વરૂપની આહુતિ આપી ત્રણેય લોકને જીતી લીધા હતા. (તૈ. સં. 2-1-3)

વામન (એક પરંપરાગત ચિત્ર)

‘શતપથ બ્રાહ્મણ’ અનુસાર દેવાસુરસંગ્રામમાં દેવોનો પરાજય થતાં તેઓ ભાગી ગયા. અસુરો પૃથ્વીને વહેંચી લેવા બેઠા હતા ત્યારે વિષ્ણુએ દેવોનું નેતૃત્વ લઈ અસુરો પાસે જઈ અસુરો પાસે થોડોક ભાગ માગ્યો. અસુરોના નેતા વિષ્ણુને ત્રણ પગલાં જેટલી ભૂમિ આપવા તૈયાર થયા; પણ વિષ્ણુએ પછી વિરાટ સ્વરૂપ ધારણ કરી ત્રણેય લોકને ત્રણ ડગલામાં ભરી લીધા. (શતપથ બ્રાહ્મણ 1-2. 2-1-4)

પુરાણોમાં વામન, કદૃશ્યપ અને અદિતિના પુત્ર તરીકે જન્મે છે. તેમનું  નામ બૃહતશ્લોક છે. તેમનો જન્મ ભાદરવા સુદ બારસે શ્રવણ નક્ષત્ર અને અભિજિત મુહૂર્તમાં થયો હતો. (ભાગ. પુ. 8/18/5-6). તેમણે બ્રહ્મા અને અદિતિને વાસ્તવ સ્વરૂપનું દર્શન કરાવી પોતાને બ્રાહ્મણ બ્રહ્મચારી તરીકે ઓળખાવ્યા. મહાભારતમાં તેમને મુંડી, યજ્ઞોપવીતધારી, કૃષ્ણમૃગચર્મધારી, શિખી અને પાલાશ દંડ ધારણ કરનારા, બ્રાહ્મણ બ્રહ્મચારી તરીકે દર્શાવાયા છે. આ રૂપે વૈરોચન બલિના યજ્ઞમંડપમાં તેઓ પ્રવેશ્યા હતા.

વામને વૈરોચન બલિ પાસે ત્રણ ડગલાં ભૂમિ માગી. વૈરોચન બલિએ તે માગણી કબૂલ રાખતાં તેમણે વિરાટ સ્વરૂપ ધારણ કરી બે ડગલાંમાં પૃથ્વી-સ્વર્ગને આવરી લઈ ત્રીજું પગલું બલિના મસ્તક ઉપર મૂકવા તત્પર થયા. (ભા. 8-18-21) આ પ્રસંગે યુદ્ધ કરવા તૈયાર થયેલા વીરભદ્ર આદિને વામને પરાસ્ત કર્યા. બલિ, પ્રહ્લાદ અને બલિની પત્ની વિંધ્યાવલિની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ નમુચિ, શાંબર, પ્રહલાદ વગેરેની સાથે બલિને સુતલમાં પ્રસ્થાપિત કરી ઇન્દ્રને ત્રણેય ભુવનોનું રાજ્ય સોંપ્યું. (વામન 31; સ્કંદ, પુ. 1-1, 18-19; મત્સ્ય, 244-246)

વામનનો અવતાર બિહાર પ્રદેશમાં થયો હોવાનું કહેવાય છે. બલિને બંધન કરી પરિવાર સાથે તેને સમુદ્રમાં ધકેલી દીધો. તે પ્રદેશ બલિદ્વીપ (બાલિ) તરીકે આજે ઓળખાય છે. આ ટાપુ અગ્નિએશિયામાં આવેલો છે. પ્રાગૈતિહાસિક કાળમાં પૂર્વભારતમાં લાંબા પડછંદ દેહવાળા લોકો રહેતા હતા. તેમને ઉત્તરપૂર્વ દિશામાંથી ભારતમાં પ્રવેશ કરનારા નાના કદના લોકોએ હરાવ્યા હતા. આથી જ આવા લોકોમાંથી ઊતરી આવેલા મૉંગોલિયન લોકો વધુ પ્રમાણમાં મળે છે.

કુરુક્ષેત્રમાં વામનનું એક મંદિર બંધાવાયાનો ઉલ્લેખ મત્સ્યપુરાણમાં મળે છે. (244/2-3). ભાદરવા સુદ બારસ વામન દ્વાદશી તરીકે ઓળખાય છે. બિહારના શહાબાદ જિલ્લાના બૅંકસાર ગામમાં વામનનો કહેવાતો આશ્રમ સિદ્ધાશ્રમ તરીકે પ્રખ્યાત છે. આ જ સ્થાને વિશ્વામિત્રે પોતાનો આશ્રમ બનાવ્યો હતો. વામનપુરાણ એકત્રીસ વામનનાં સ્થાનો બતાવે છે. (વામન. અ. 3). આ ઉપરથી એક યુગમાં વામનના અવતારનું મહત્વ સમગ્ર ભારતમાં છવાયેલું જણાય છે.

વામનાવતારને અનુલક્ષી અનેક સાહિત્યિક કૃતિઓ પણ રચાઈ છે.

દાનવાચાર્ય શુક્રાચાર્ય વામન અવતારધારી વિષ્ણુને ઓળખી ગયા. બલિરાજા તેમની છલનાનો ભોગ બનશે એવી આશંકાને લીધે બલિરાજાને ત્રણ ડગલાં ભૂમિનું દાન કરતો અટકાવવાનો તેમનો પ્રયત્ન નિષ્ફળ જતાં દાન આપતા બલિરાજા ઝારીમાંથી દાનસંકલ્પ માટે પાણી લેવાનો પ્રયત્ન કરે તે પહેલાં તેના નાળચામાં પ્રવેશી જળ આવતું અટકાવવાનો પ્રયત્ન શુક્રાચાર્યે કર્યો; પણ વામને દર્ભ-શલાકાથી એ અંતરાય દૂર કરવા જતાં શુક્રાચાર્યનું એક નેત્ર ફૂટી ગયું ને બહાર આવી ગયા. શુક્રાચાર્યના પ્રયત્નો બલિરાજાની દાનવીરતા અને વામનની પ્રયુક્તિ સામે નિષ્ફળ નીવડ્યા. બલિરાજાએ ત્રણેય લોકનું આધિપત્ય ગુમાવ્યું; પણ દેવશયની એકાદશીથી દેવપ્રબોધિની એકાદશી પર્યંત બલિરાજા પાસે રહેવાનું વિષ્ણુએ તેની ભક્તિ અને દાનવીરતાથી પ્રસન્ન થઈને સ્વીકાર્યું હતું.

દશરથલાલ વેદિયા