વામન : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રી. અલંકારશાસ્ત્રમાં રીતિવાદના સ્થાપક આ આચાર્ય વામન હતા. કલ્હણની કાશ્મીરનો ઇતિહાસ વર્ણવતી ‘રાજતરંગિણી’ નામની કાવ્યરચનામાં 4/497માં કાશ્મીરના રાજા જયાપીડના અમાત્ય વામન હોવાનો નિર્દેશ મળે છે. તેથી તેઓ કાશ્મીરી હોવાનું મનાય છે. એ સિવાય તેમના જીવન, કુટુંબ વગેરે વિશે કશી માહિતી મળતી નથી.

વામનના જીવનકાળ વિશે પણ કેટલીક ચર્ચા થઈ છે : જો વામન રાજા જયાપીડના પ્રધાન હોય તો જયાપીડનો અમલ ઇતિહાસના વિદ્વાનોએ 779થી 813 સુધીનો માન્યો છે. એટલે વામનનો સમય આઠમી સદીના અંતિમ ચરણ અને નવમી સદીના પ્રથમ ચરણનો નિશ્ચિત થઈ શકે. આનું સમર્થન અન્ય પુરાવા વડે પણ થઈ શકે છે. વામન ભવભૂતિના શ્ર્લોકોને ટાંકે છે. ભવભૂતિનો સમય 740નો છે, તેથી 750 પછી આચાર્ય વામન થઈ ગયા હશે. જ્યારે 1000માં અભિનવગુપ્તાચાર્યે, 950માં પ્રતિહારેન્દુરાજે અને 925માં આચાર્ય રાજશેખરે આચાર્ય વામનનો ઉલ્લેખ કર્યો છે. પરિણામે 850 પહેલાં વામનનો સમય નક્કી થઈ શકે. આમ 750થી 850ના સમયગાળામાં વામન થઈ ગયા હોવાનું આ બધા પુરાવા સિદ્ધ કરે છે. વળી એ અરસામાં થઈ ગયેલા ઉદભટ વામનના સમકાલીન આચાર્ય હતા એવું મંતવ્ય પંડિતોની પરંપરા વ્યક્ત કરે છે.

તેમના ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’ નામના ગ્રંથ પરથી એમ કહી શકાય કે તેઓ કાવ્યશાસ્ત્રના સૂક્ષ્મ અભ્યાસી હતા અને સાથે કવિ પણ હતા. તેઓ વ્યાકરણશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, છંદ:શાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રોના અધિકારી વિદ્વાન હતા. કાવ્યશાસ્ત્રમાં તેમનું પ્રમુખ પ્રદાન રીતિ-સિદ્ધાન્તનું છે. કાવ્યનો આત્મા રીતિ એટલે ગુણવાળી પદરચના છે એમ કહી રીતિના મૌલિક સિદ્ધાન્તનું સ્થાપન અને પ્રતિપાદન તેમણે કર્યું છે. પરિણામે તેઓ સાચા અર્થમાં આચાર્ય છે. પાંચ અધિકરણોમાં વહેંચાયેલા બાર અધ્યાયોના બનેલા તેમના ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’ નામના ગ્રંથમાં કાવ્યમાં અલંકાર અનિત્ય છે અને ગુણ નિત્ય છે એવો ગુણ અને અલંકારો વચ્ચે ભેદ કરીને તેમણે તેમનો પોતાનો મૌલિક સિદ્ધાન્ત રજૂ કર્યો છે. એ તેમનું અગત્યનું પ્રદાન છે. વળી ‘કાશિકા’ નામનો વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ પણ તેમણે લખ્યો હોવાનું કેટલાક માને છે.

પ્ર. ઉ. શાસ્ત્રી