વાજસનેયી પ્રાતિશાખ્ય : શુક્લ યજુર્વેદનો ગ્રંથ. પ્રત્યેક વેદની સંહિતાની અનુશ્રવણ પરંપરામાં પાછળથી શિથિલતા આવવાથી મૂળ પાઠ સચવાઈ રહે તેથી વર્ણ-સન્ધિ-સ્વર-માત્રા વગેરેના નિયમો આચાર્યોએ ગ્રન્થસ્થ કરી આપ્યા. પ્રત્યેક શાખાના તેવા આ ગ્રંથો અલગ અલગ હોવાથી પ્રાતિશાખ્ય (પ્રતિશાખા પ્રમાણે) કહેવાયા; ઈ. પૂ. 700થી ઈ. પૂ. 500માં લગભગ આ રચનાઓ થઈ. હાલમાં ઉપલબ્ધ અને મહત્વનાં હોય તેવાં પ્રાતિશાખ્યો આ પ્રમાણે છે : (1) ઋક્ પ્રાતિશાખ્ય, (2) તૈત્તિરીય પ્રાતિશાખ્ય, (3) વાજસનેયી પ્રાતિશાખ્ય, (4) ચતુરધ્યાયિકા, (5) અથર્વ પ્રાતિશાખ્ય. આ સૌમાં પ્રાચીનતમ વાજસનેયી અથવા શુક્લ-યજુર્વેદ પ્રાતિશાખ્ય અથવા કાત્યાયન પ્રાતિશાખ્ય છે. કાત્યાયન એના પ્રણેતા છે. આ પ્રાતિશાખ્ય ઉપરનાં મુખ્ય ભાષ્યો આ પ્રમાણે છે : (1) આચાર્ય ઉવટ – ‘માતૃમોદ’ (2) અનન્ત ભટ્ટ – ‘પદાર્થપ્રકાશ’ (3) શ્રીરામ શર્મા – ‘જ્યોત્સ્ના’. કાશી સંસ્કૃત સિરીઝમાંથી આ પ્રાતિશાખ્ય ઈ. 1882માં ઉવટ  ભાષ્ય સાથે પ્રકાશિત થયું છે. અનન્ત ભટ્ટના ભાષ્ય સાથે મદ્રાસ યુનિવર્સિટીમાંથી પ્રકાશિત થયું છે. ડૉ. યુગલ કિશોર મિશ્રે સંપૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વારાણસીથી પ્રકાશિત કર્યું છે. 1989માં શ્રીરામ શર્માના ભાષ્ય સાથે આ પ્રાતિશાખ્ય પ્રકાશિત કર્યું છે. ‘પ્રતિજ્ઞાસૂત્ર’ અને ‘ભાષિકસૂત્ર’ નામનાં બે નાનાં પરિશિષ્ટો આની સાથે સંલગ્ન હોય તેવું પણ જોવા મળ્યું છે. આ પ્રાતિશાખ્યમાં આઠ અધ્યાયો છે. આઠમો અધ્યાય અનુષ્ટુપ છંદમાં છે. બાકીનામાં સૂત્રો છે. આમાં પાઠાન્તરો પણ છે. તેથી કુલ સૂત્રસંખ્યા 725થી 740 સુધીની મળે છે. ભાષ્યકાર ઉવટે અપપાઠો નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાતિશાખ્યકાર કાત્યાયન વાર્તિકકાર કાત્યાયનથી જુદા છે. પ્રાતિશાખ્યકાર પાણિનિપૂર્વે છે; વાર્તિકકાર પાણિનિ પછી. મૅક્સમૂલર આ રીતનો રચનાક્રમ દર્શાવે છે : (1) વાજસનેયી પ્રાતિશાખ્ય, (2) અષ્ટાધ્યાયી, (3) વાર્તિક. આ પ્રાતિશાખ્ય પોતાના નવ પુરોગામીઓના મત આપે છે : કાણ્વ, શાકટાયન, શાકલ્ય, ઔપગવિ, કાશ્યપ, દાલ્ભ્ય, શૌનક, જાતૂકર્ણ્ય, ગાર્ગ્ય. આ પ્રાતિશાખ્યના આઠ અધ્યાયોમાં વિષયવસ્તુ આ પ્રમાણે છે : (1) શબ્દની ઉત્પત્તિ, વેદનો અધ્યયનવિધિ, સંજ્ઞા-પરિભાષા, વર્ણોનાં ઉચ્ચારસ્થાનો; (2) સ્વરના નિયમો; (3) સંધિના નિયમો; (4) સંધિના નિયમો, પદપાઠના નિયમો, ક્રમપાઠના નિયમો; (5) અવગ્રહના નિયમો; (6) આખ્યાત-ઉપસર્ગ-પદના સ્વરનિયમો, પદસ્વરૂપનું નિરૂપણ; (7) અવસાન અક્ષર-પરિગ્રહના નિયમો; (8) વર્ણ-સમામ્નાય, વેદના અધ્યયનવિધિનું ફળકથન, વર્ણોના દેવતા, ચાર પ્રકારનાં પદો, તેનાં લક્ષણો, દેવતા-નિરૂપણ. ઈ. સ. 1915માં શ્રી રામ શર્માની ‘જ્યોત્સ્નાવૃત્તિ’ રચાઈ છે. તે આ પ્રાતિશાખ્યનું ‘શાસ્ત્ર-પ્રયોજન’ ગ્રન્થારંભે જણાવે છે :

‘પાઠની બરોબર જાણકારી ન હોય તો, જપ વગેરેમાં અધિકાર (જ) નથી. આથી પાઠની સરખી રીતે સિદ્ધિ થાય એટલા માટે (આ) પ્રાતિશાખ્ય જાણવું જરૂરી છે.’

રશ્મિકાન્ત મહેતા