વાજપેયી, કૈલાસ (ડૉ.) (જ. 11 નવેમ્બર 1935, હમીરપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી અને ભારતીય અંગ્રેજીના કવિ. તેઓ એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી દિલ્હી યુનિવર્સિટી(દક્ષિણ કૅમ્પસ)માં રીડર તરીકે નિમાયા. 1972માં ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, જ્યૉર્જ ટાઉનના નિયામક; 1973-76 દરમિયાન એલ. કૉલેજિયો દ મેક્સિકોમાં ઇન્ડિયન કલ્ચર ઍન્ડ લિટરેચરના મુલાકાતી પ્રાધ્યાપક તથા અમેરિકામાં ડલ્લાસની ઇરવિંગ યુનિવર્સિટીમાં ઇન્ડિયન કલ્ચરના સહાયક પ્રાધ્યાપક રહેલા.

તેમણે અત્યાર સુધીમાં હિંદી તથા અંગ્રેજીમાં 18 ગ્રંથો આપ્યા છે. હિંદીમાં તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં ‘સંક્રાંત’ (1964); ‘દેહાંત સે હટકર’ (1967); ‘તીસરા અંધેરા’ (1972); ‘મહાસ્વપ્ન કા મધ્યાન્તર’ (1980); ‘પ્રતિનિધિ કવિતાયેં’ (1988); ‘સૂફીનામા’ (1992) અને ‘પૃથ્વી કા કૃષ્ણપક્ષ’(1995)નો સમાવેશ થાય છે. ‘યુવા સંન્યાસી’ (1993) તેમનો નાટ્યસંગ્રહ છે.

અંગ્રેજીમાં ‘એલ આર્બોલ દ કાર્ને’ (1976); ‘બિયૉન્ડ ધ સેલ્ફ’ (1978) બંને તેમના કાવ્યસંગ્રહો છે. તેમણે સંખ્યાબંધ કાવ્યસંગ્રહોનું સંપાદન કર્યું છે. 1997માં ટૉરન્ટો ખાતે તેમણે સાઉથ એશિયન લિટરેચરની વિશ્વ પરિષદમાં ભાગ લીધો હતો. તેમણે રશિયા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બ્રિટન અને અમેરિકાનો પ્રવાસ પણ ખેડ્યો છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1974માં આસ્પેક (ASPEC), સાન ડિએગો, કૅલિફૉર્નિયા તરફથી સુવર્ણચંદ્રક; 1975માં ઓરિયેન્ટલ કૉન્ફરન્સ, મેક્સિકો તરફથી સુવર્ણચંદ્રક; 1995માં દિલ્હીની હિંદી અકાદમી તથા 1997માં વર્લ્ડ હિંદી સોસાયટી, ન્યૂયૉર્ક તરફથી સન્માનો પ્રાપ્ત થયાં છે.

બળદેવભાઈ કનીજિયા