વાકિદી (જ. 747, મદીના; અ. 823) : સૌથી પ્રાચીન અરબ ઇતિહાસકાર. તેમનું આખું નામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ અલ-વાકિદી હતું. તેમના પિતાનું નામ ઉમર હતું અને તેમના પિતામહ અલ-વાકિદના નામ ઉપરથી તેમનું ઉપનામ ‘અલ-વાકિદી’ પડ્યું હતું. મદીનામાં સંગીતશાસ્ત્રનો પરિચય કરાવનાર સાઇબનાં એક પૌત્રી, વાકિદીની માતા હતાં. અરબસ્તાનના મક્કાનગર પછી મુસલમાનો માટેના સૌથી વધુ પવિત્ર સ્થળ તરીકે મદીનાનું સ્થાન છે, જ્યાં ઇસ્લામનાં પવિત્ર સ્થળો આવેલાં છે અને જેમાં ઇસ્લામના સ્થાપક પયગંબર મુહમ્મદ સાહેબ(સ.અ.વ.)નો મકબરો તથા તેમની મસ્જિદનો પણ સમાવેશ થાય છે. આવા પવિત્ર અને ઐતિહાસિક નગરમાં જન્મીને ઉછેર પામનાર વાકિદી ત્યાંનાં પવિત્ર સ્થળોના ઇતિહાસના તજ્જ્ઞ હતા. આ જ કારણસર તેઓ પ્રકાશમાં આવ્યા હતા. 786માં બગદાદના અબ્બાસી વંશના પ્રખ્યાત ખલીફા હારૂન અલ-રશીદ, હજયાત્રા માટે મક્કા અને મદીના આવ્યા, ત્યારે ખલીફાના ગાઇડ તરીકે વાકિદીના નામની ભલામણ કરવામાં આવી હતી. વાકિદીએ પોતાના જન્મસ્થળના તજ્જ્ઞ તરીકે ખલીફા હારૂન અલ-રશીદ તથા તેમના વજીર યહ્યા બર્મકીને પવિત્ર સ્થળોની ઐતિહાસિક માહિતી પહોંચાડી હતી. 796માં વાકિદીએ બગદાદની મુલાકાત લઈને વજીર યહ્યા મારફતે ખલીફાના દરબારમાં પ્રવેશ મેળવી આર્થિક સહાય પ્રાપ્ત કરી હતી. ખુદ વાકિદીએ આનો વિગતવાર ઉલ્લેખ પોતાનાં લખાણોમાં કર્યો છે. કહેવામાં આવે છે કે હારૂન અલ-રશીદે વાકિદીને પૂર્વ બગદાદના કાજીનું પદ અર્પણ કર્યું હતું. જ્યારે તેના અનુગામી ખલીફા મામૂન-અલ-રશીદે 819માં વાકિદીને રૂસાફમાં લશ્કરના કાજીનું પદ આપ્યું હતું. ખલીફા મામૂન સાથે વાકિદીના ઘનિષ્ઠ સંબંધો હતા. બર્મકી ખાનદાનના વજીરો જેમણે બૌદ્ધ ધર્મ છોડીને ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો હતો અને જેઓએ ઇતિહાસમાં વિદ્યાના પ્રોત્સાહકો તરીકે નામના મેળવેલી, તેમની સેવાઓની નોંધ સૌપ્રથમ વાકિદીએ લીધી છે. વજીર યહ્યા બર્મકીના ઉપકારો અને વારંવાર આપેલી મદદોનું ઋણ વાકિદી સ્વીકારે છે. વાકિદીએ અરબી ભાષામાં અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનો મુખ્ય વિષય ઇતિહાસ છે, પરંતુ તેમણે કુરાન, હદીસ-શાસ્ત્ર તથા ફિકહ-ઇસ્લામી કાયદાશાસ્ત્ર વિશે પણ લખ્યું છે. તેમની મુખ્ય કૃતિઓ આ પ્રમાણે છે : ‘અલ-તારીખ વલ મગાઝી વલ-મબ્અસ’; ‘અખ્બાર મક્કા’, ‘અલ-તબકાત’, ‘ફુતૂહ અલ-શામ’; ‘ફુતૂહ અલ-ઇરાક’; ‘અલ-જમલ’; ‘મકતલ-અલ-હુસૈન’, ‘અલ-સીરત’, ‘અઝવાજ અલ-નબી’; ‘વફાત અલ-નબી’; ‘સીરત અબી બકર વ-વફાતુહૂ’; ‘ઝર્બ અલ-દનાનીર વ અલ-દરાહિમ’; ‘તારીખ અલ-ફુકહા’ અને ‘અલ-તારીખ અલ-કબીર’.
વાકિદીની ઇતિહાસ-વિષયક કૃતિઓમાં મક્કા તથા મદીનાનો અને ઇસ્લામનો પ્રારંભિક ઇતિહાસ મુખ્ય સ્થાન ધરાવે છે. મુસ્લિમો અને બિનમુસ્લિમો વચ્ચેના શરૂઆતનાં ઘર્ષણો ઉપર આધારિત તેમની કૃતિ અલ-મઘાઝી અને 802 સુધીના બનાવો આવરી લેતો ઇતિહાસ-ગ્રંથ તબકાત, ઇસ્લામના ઇતિહાસ માટેના સંશોધનના પાયાનાં સાધનો ગણાય છે. પ્રખ્યાત અરબ ઇતિહાસકારો ઇબ્ન સઅદ, તબરી અને ઇબ્ન હુબૈશે આ સાધનોનો બહોળો ઉપયોગ કર્યો છે. પયગંબર સાહેબના જીવનચરિત્ર સીરત ઉપરના પોતાના પુસ્તકમાં વાકિદીએ અનુગામી સીરત-લેખક ઇબ્ને ઇસ્હાકનું અનુકરણ કર્યું છે. ઇતિહાસલેખનમાં વાકિદીનું મુખ્ય દાયિત્વ એ છે કે તેમણે વિપુલ પ્રમાણમાં ઐતિહાસિક માહિતી અંકે કરીને આપી છે અને બનાવોનો ઘટનાક્રમ નક્કી કરી બતાવ્યો છે. વાકિદી વિશે માનવામાં આવે છે કે તેઓ ઉદારમતવાદી શિયા હતા, પરંતુ પોતાની માન્યતા સંતાડતા હતા એટલે કે તકિયા કરતા હતા.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી