વાકિફ, બટાલવી (અ. 1780) : ફારસી ભાષાના કવિ. તેમની કવિતામાં કાલ્પનિક વિષયોને બદલે સમકાલીન પરિસ્થિતિ તથા ઘટનાઓનું પ્રતિબિંબ પડે છે. તેનું નામ નૂરૂલ ઐન હતું અને તેમનું કુટુંબ પરંપરાગત રીતે બટાલા શહેરનું કાઝી પદ સંભાળતું હતું. વાકિફે કાઝીપદનો ત્યાગ કરીને સૂફી જીવન ઉપર પસંદગી ઉતારી અને કવિનો વ્યવસાય અખત્યાર કર્યો. તેમણે ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં ગોલકોંડા સુધી પ્રવાસો ખેડ્યા હતા. ઉર્દૂના વિખ્યાત વિવેચકો તથા ઇતિહાસ-લેખકો આઝાદ બિલગિરામી અને ખાને આરજૂએ વાકિફની કવિતા તથા વિચારોને અનુમોદન આપ્યું હતું. વાકિફે કવિ તરીકે ઘણી નામના મેળવી હતી. જ્યારે મિર્ઝા ગાલિબે કોલકાતાના પ્રવાસ દરમિયાન વાકિફની ટીકા કરી હતી ત્યારે ત્યાંના વાકિફના પ્રશંસકોએ ગાલિબનો વિરોધ કર્યો હતો. વાકિફે એકસો વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું એમ કહેવાય છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી