વાઇમાર્ક, ઑલ્વેન (માર્ગારેટ)
January, 2005
વાઇમાર્ક, ઑલ્વેન (માર્ગારેટ) (જ. 14 ફેબ્રુઆરી 1932, ઓકલૅન્ડ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ-પૉમોના કૉલેજ, કૅલિફૉર્નિયા, 1949-51; યુનિવર્સિટી કૉલેજ, લંડન, 1951-52.
નિવાસી લેખક, યુનિકૉર્ન થિયેટર ફૉર યંગ પીપલ, લંડન, 1974-75; તથા કિંગ્સ્ટન પૉલિટેકનિક, સરે, 1977, સ્ક્રિપ્ટ સલાહકાર, ટ્રાઇસિઇકલ થિયેટર, લંડન; નાટ્યલેખનનાં અધ્યાપિકા, ન્યૂયૉર્ક યુનિવર્સિટી; નાટ્યલેખનનાં અંશકાલીન ટ્યૂટર, યુનિવર્સિટી ઑવ્ બર્મિંગહામ, 1980-81, સભ્ય, આર્ટ્સ કાઉન્સિલ ઑવ્ ગ્રેટ બ્રિટન ડ્રામા પૅનલ, 1980-84.
તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : ઝેગ્રેબ ડ્રામા ફેસ્ટિવલ પ્રાઇઝ 1967; ઍક્ટર્સ થિયેટર ઑવ્ લૂઇવિલ બેસ્ટ ન્યૂ પ્લે ઍવૉર્ડ, 1978.
તેમણે રેડિયો, ટેલિવિઝન તથા રંગભૂમિ માટે બધાં મળીને ત્રણેક ડઝન નાટકો લખ્યાં છે. તેમાં એકાંકી, અનેકાંકી તથા બાળનાટકોનો સમાવેશ થાય છે.
તેમનાં પ્રારંભિક નાટકોમાં આંતરિક વેદનાનું પ્રકટીકરણ છે. ‘ફાઇન્ડ મી’, ‘ધ જિમ્નેશિયમ’, ‘નીધર હિયર નૉર ધેર’ તથા ‘સ્ટે વેર યુ આર’ એ તેમનાં જાણીતાં નાટકો છે.
મહેશ ચોકસી