વાઇમૅન કાર્લ એડવિન (Wieman Carl Edvin) (જ. 26 માર્ચ 1951, કૉર્વાલેસ, ઑરેગોન, યુ.એસ.) : આલ્કલી પરમાણુઓવાળા મંદવાયુની અંદર બોઝ-આઇન્સ્ટાઇન સંઘનનનું પ્રાયોગિક પ્રમાણ આપવા તથા સંઘનિત દ્રાવ્ય(condensates)ના ગુણધર્મોનો વિગતવાર અભ્યાસ કરવા બદલ 2001નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની.

કાર્લ ઈ વાઇમૅન

1973માં તેમણે બી.એસ.ની પદવી એમ.આઇ.ટી.માંથી, 1977માં  પીએચ.ડી. સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાંથી અને 1997માં ડી.એસ.સી. (માનાર્હ) શિકાગો યુનિવર્સિટીમાંથી મેળવી.

ઑપ્ટિકલ સોસાયટી ઑવ્ અમેરિકા, અમેરિકન ફિઝિકલ સોસાયટી તથા અમેરિકન ઍસોસિયેશન ઑવ્ ફિઝિક્સ રિસર્ચ સાથે તેઓ સંકળાયેલા છે.

તેમની કારકિર્દીની વિગતો આ પ્રમાણે છે : મદદનીશ રિસર્ચ સાયન્ટિસ્ટ (1977-1979), યુનિવર્સિટી ઑવ્ મિશિગન; ફિઝિક્સના એસોસિયેટ પ્રાધ્યાપક (1984-87), કૉલોરાડો યુનિવર્સિટી; ફિઝિક્સના પ્રાધ્યાપક (1985થી ચાલુ), યુનિવર્સિટી ઑવ્ કૉલોરાડો અને અધ્યક્ષ (1993થી 1995); જૉઇન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફૉર લૅબોરેટરી એસ્ટ્રૉ-ફિઝિકસ(JILA)ના પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક (1997થી ચાલુ), યુનિવર્સિટી ઑવ્ કૉલોરાડો.

70 વર્ષ પહેલાં બોઝ અને આઇન્સ્ટાઇને સંઘનનનો સિદ્ધાંત આપ્યો હતો. લાંબા સમય બાદ તે પ્રયોગશાળામાં પ્રમાણિત થયો. વિદ્યુતગોળામાંથી નીકળતા પ્રકાશ અને લેસર-કિરણાવલી વચ્ચે જેવો સંબંધ છે તેવો જ સંબંધ બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ સામાન્ય દ્રવ્યના ટુકડા સાથે ધરાવે છે.

પ્રકાશના તરંગોને દ્રવ્યહીન કણો(ફોટૉન)ની ધારા તરીકે ગણી શકાય છે. દ્રવ્યના કણો કેટલીક વાર તરંગ જેવો ગુણધર્મ ધરાવે છે. કણોના તરંગની લંબાઈ અત્યંત નાની હોય છે, પણ ધીમી ગતિ કરતા કણની તરંગલંબાઈનું અવલોકન શક્ય બને છે. બોઝ-આઇન્સ્ટાઇને સૈદ્ધાંતિક રીતે બતાવ્યું કે જો વાયુને અતિશીત બનાવી શકાય તો પરમાણુઓને ન્યૂનતમ ઊર્મિસ્થિતિમાં ભેગા કરી શકાય છે. વ્યક્તિગત પરમાણુઓનાં દ્રવ્ય-તરંગો એકબીજામાં ભળીને એક જ તરંગ બનાવે છે. એટલે કે બધા જ તરંગો વચ્ચે સ્વરમેળ (sing in unision) સધાય છે તેમ કહેવાય. આવા હજારો કણો મોટા ‘સુપરઍટમ’ તરીકે વર્તે છે. આને જ બોઝ-આઇન્સ્ટાઇન સંઘનન કહે છે. આવી ઘટના માત્ર બોઝૉન કણો સાથે જ થાય છે.

ઇલેક્ટ્રૉન બીજા પ્રકારના કણો છે. તેઓ મિલનસાર (sociable) નથી ને બધા કદાપિ એક જ સ્થિતિમાં રહેવાનું વલણ તથા એકસરખી વર્તણૂક ધરાવતા નથી; પણ તે વધતી જતી જટિલ કવચરચનામાં ગોઠવાતા હોય છે. પરિણામે તે તત્વો માટે આવર્તક (periodic) પ્રણાલી રચે છે. વાઇમૅનના સંશોધન અને અભ્યાસનો આ સારાંશ છે.

અનેક વિખ્યાત સંસ્થાઓ તરફથી તેમને બે ડઝન જેટલા માન-સન્માન-પદકો અને ચંદ્રકો મળેલાં છે.

ઉચ્ચ સ્તરીય સંશોધન ઉપરાંત તેઓ ભૌતિકવિજ્ઞાનના શિક્ષણ માટે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યા છે. ભૌતિકવિજ્ઞાનના શિક્ષકોને વિષય સાથે સુમાહિતગાર અને અદ્યતન બનાવવા તેઓ કેટલાંક શિક્ષક-મંડળો સાથે પણ જોડાયેલા છે.

આશા પ્ર. પટેલ