વાંસદા : નવસારી જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 45´ ઉ. અ. અને 73° 22´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.

1388ના ‘વસંતામૃત’ નામના હસ્તલિખિત ગ્રંથની પ્રશસ્તિ પ્રમાણે પાટણના કર્ણદેવના ત્રીજા પુત્ર ધવલનો પુત્ર વાસુદેવ દક્ષિણ ગુજરાતમાં નાના રાજ્યનો રાજવી હતો. તેણે પોતાના નામ પરથી આ સ્થળ વાસુદેવપુર નામે વસાવેલું, જે પછીથી વાંસદા નામે જાણીતું બન્યું. પ્રાચ્યવિદ શ્રીવાસ્તવના મતે દક્ષિણના ચાલુક્યવંશની બીજી શાખાના રાજા વાસુદેવે વાસુદેવનગર અથવા વાંસદા વસાવ્યું હતું. આ તાલુકામાં વાંસદા નગર અને 94 ગામો આવેલાં છે.

આ તાલુકામાં મે અને જાન્યુઆરીનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 40°થી 42° સે. અને 24°થી 26° સે. તથા  30°થી 35° સે. અને 20°થી 22° સે. જેટલાં રહે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 1,880 મિમી. જેટલો પડે છે. (1880માં અહીં 4,029 મિમી. જેટલી અતિવૃદૃષ્ટિ થયેલી). તાલુકામાંથી કાવેરી, ખરેરા, તાન વગેરે નદીઓ પસાર થાય છે.

તાલુકાની કુલ 60,000 હેક્ટર જમીન પૈકી 40 % જમીનમાં જંગલ આવેલાં છે, 50 % જમીનમાં વાવેતર થાય છે, 3થી 4 % ભૂમિ ગોચરની છે; જ્યારે બાકીની ભૂમિ પડતર અથવા ઉજ્જડ છે. જ્યાં જંગલ છે ત્યાં ભીનાશવાળાં પાનખર-વૃક્ષો ઊગે છે. અહીં સાગ, સીસમ, શિરીષ, સેવન, બિયા, ખેર, પીપળો, પીપર, ઉંબરો, વડ, આસન, કાકડ, બહેડાં, હળદરવો, કલમ, મહુડો જેવાં વૃક્ષો જોવા મળે છે. 500 એકર જંગલ-વિસ્તારમાં કંદનું વાવેતર થાય છે. મધ્યમ ઊંચાઈવાળા જંગલમાં આસૂંદરો, ટીમરુ, પલાશ, બોરડી, આમળાં, ધામણ જેવાં વૃક્ષો જોવા મળે છે. વન્ય પેદાશો તરીકે અહીંથી મધ, ગુંદર, આયુર્વેદિક ઔષધિઓ, ઇમારતી અને બળતણનાં લાકડાં પણ મળે છે.

તાલુકામાં ખાદ્યપાકો પૈકી ડાંગર, ઘઉં, જુવાર, રાગી, તુવેર, મગ, અડદ તથા ફળો-શાકભાજીનું વાવેતર થાય છે; જ્યારે અન્ય પાકોમાં શેરડી, તેલીબિયાં અને ઘાસ ઉગાડાય છે. અહીં સિંચાઈ મુખ્યત્વે કૂવા દ્વારા થાય છે.

2001 મુજબ વાંસદા તાલુકાની વસ્તી 2,01,123 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોનું પ્રમાણ સરખું છે. અહીં અક્ષરજ્ઞાનનું પ્રમાણ આશરે 48 % જેટલું છે. અહીંના લોકો ખેતી, પશુપાલન અને મજૂરીકામમાં તથા વન્ય પેદાશો ભેગી કરવાના કામમાં, ગૃહઉદ્યોગોમાં, વાહનવ્યવહાર, બાંધકામ અને વેપારધંધામાં રોકાયેલા છે.

તાલુકામાં કુલ 6 વાણિજ્યબૅંકો અને એક સહકારી બૅંક આવેલી છે. વાંસદા નગર ખાતે ત્રણ બકો છે.

બીલીમોરા-વઘાઈ નાના માપનો રેલમાર્ગ છે, તેના પર ત્રણ રેલમથકો આવેલાં છે. તાલુકામાં અંદાજે 500 કિમી.ના પાકા અને 30 કિમી.ના કાચા રસ્તા છે. તાર-ટપાલ સેવાનો લાભ આશરે 45 % ગામોને મળે છે. વાંસદા ખાતે ટેલિફોન-કાર્યાલય આવેલું છે. તાલુકાનાં મોટાં ગામોમાં સરકારી અને ખાનગી દવાખાનાં આવેલાં છે. તાલુકામાં બાલવાડી, બાલમંદિરો, આશ્રમશાળા અને પ્રૌઢ-શિક્ષણકેન્દ્રો તેમજ પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વ્યવસ્થા છે. એક કૉલેજ પણ છે. અહીંના ઉનાઈ ગામે ગરમ પાણીના કુંડ છે. અંબાજી માતાનું મંદિર તેમજ અન્ય મંદિરો પણ આવેલાં છે.

વાંસદા (તાલુકામથક) : તે વાંસદા-બીલીમોરા-વઘાઈ રેલમાર્ગ પર આવેલા ઉનાઈ રેલમથકથી 13 કિમી. દૂર આવેલું છે. તે ભૂતપૂર્વ દેશી રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. આજે તે તાલુકામથક છે. વાંસદા નગર ડુંગરોની વચ્ચે કાવેરી નદી પર આવેલું છે. વાંસદાની વસ્તી 10,000 જેટલી છે, તે પૈકી સ્ત્રીપુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે.

વાંસદામાં ડાંગર છડવાની અને લાકડાં વહેરવાની મિલો તથા હાથવણાટની સહકારી મંડળી છે. અહીં આજુબાજુના ભાગમાં ડાંગર, તેલીબિયાં અને કેરીના પાક લેવાય છે. શુક્રવારે વાંસદામાં અઠવાડિક બજાર ભરાય છે. વાંસદા નગર ખાતે વાણિજ્ય તથા મધ્યસ્થ સહકારી બૅંકની શાખાઓ આવેલી છે. અહીં વારિગૃહ, વીજળી, કૉટેજ-હૉસ્પિટલ, તાર-ટેલિફોન-પોસ્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્ય-પરિવહનની બસો દ્વારા વાંસદા જિલ્લામથક તેમજ અન્ય શહેરો સાથે જોડાયેલું છે. શિક્ષણસંસ્થાઓની વ્યવસ્થા પ્રમાણમાં સારી છે. નગરમાં ભૂતપૂર્વ દેશી રાજ્યના સમયનું ટાવર અને નગરગૃહ છે. નદીકાંઠે રાજવીનો મહેલ છે. રાજરાજેશ્વરનું મંદિર તથા અન્ય દેવાલયો પણ છે.

ઇતિહાસ : દક્ષિણ ગુજરાતમાં આવેલું, દેશની સ્વતંત્રતા અગાઉનું સોલંકી વંશનું દેશી રાજ્ય. કલ્યાણીના ચાલુક્ય (સોલંકી) વંશના રાજવી વિક્રમાદિત્ય 6ઠ્ઠાએ લાટ અને ગુર્જર દેશ પર ચડાઈ કરી હતી. એનો ભાઈ અને સેનાપતિ જયસિંહ દક્ષિણ લાટમાં આવીને વસ્યો હતો. તેના દીકરા વિજયસિંહે ઈ. સ. 1093માં દક્ષિણ લાટમાં કેટલોક પ્રદેશ કબજે કરીને પોતાનું રાજ્ય સ્થાપ્યું. તેની રાજધાની મંગલપુરી હતી. વિજયસિંહ પછી ધવલદેવ, વાસન્તદેવ અને રામદેવ નામે રાજાઓ થઈ ગયા. રામદેવે વાસન્તપુર નામે નગર વસાવ્યું. તે વ્યારા નજીક આવેલું છે. તેના ભત્રીજા વીરસિંહદેવે પાટણનું સાર્વભૌમત્વ દૂર કરી, પોતાનું પાટનગર વાસન્તપુરમાં રાખ્યું. તેણે ઈ. સ. 1179માં વિજયોત્સવ પ્રસંગે પૂર્ણા નદીના કાંઠે આવેલું એક ગામ બ્રાહ્મણોને દાનમાં આપ્યું. તેના પૌત્ર કર્ણદેવનો રાજ્યાભિષેક કરી, વીરસિંહ વાનપ્રસ્થ થયો. કર્ણદેવે ઈ. સ. 1220માં કર્પૂર ગામ બ્રાહ્મણોને દાનમાં દીધું હતું.

‘વસન્તામૃત’ નામના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, કર્ણદેવ પછી તેના પુત્ર સિદ્ધેશ્વર, વિશાલ અને ધવલ એક પછી એક શાસક થયા. ધવલદેવ પછી તેનો દીકરો વાસુદેવ રાજા થયો. તેના પુત્ર ભીમે ઈ. સ. 1324માં કાવેરી અને અંબિકા નદીના તટપ્રદેશમાં વાસુદેવપુર (વાંસદા) નગર વસાવ્યું.

ઈસવી સનની પંદરમી સદીમાં સંજાણના પતન પછી કેટલાક પારસીઓ પોતાના પવિત્ર આતશ બહેરામ સહિત વાંસદા ગયા હતા અને ત્યાંના રાજા કીર્તિદેવે (ઈ. સ. 1421-1434) તેમને આશ્રય આપ્યો હતો.

કાલરીગઢના સોલંકી ધવલદેવનો વંશજ મૂળદેવ પંદરમી શતાબ્દીના અંતભાગમાં વાંસદામાં સત્તાધીશ હતો. ત્યારબાદ ખંદલ દેવ, બલદેવ, કરણદેવ, ઉદયસિંહ પ્રથમ, મોલકરણજી તથા ઉદયસિંહ બીજો શાસન કરી ગયા.

સોળમી સદીમાં વીરદેવ ચોથો, ઓમદેવ, કનકદેવ તથા અર્જુનદેવ વાંસદાના શાસકો થઈ ગયા.

છત્રપતિ શિવાજીની સૂરત પરની બે ચડાઈઓમાં વાંસદાના રાજા ઉદયભાણે મદદ કરી હતી. તેના પુત્ર વીરદેવ(મૂળરાજ)ના શાસન દરમિયાન મરાઠા સાથેના  સંબંધો દૃઢ થયા. ઈ. સ. 1701માં ઉદયસિંહ બીજો મરણ પામ્યો અને તેના કુંવર વીરસિંહે 1716 સુધી વાંસદા પર શાસન કર્યું. 1716માં વીરસિંહ ગુજરી ગયો અને રાયભાણ ગાદીએ બેઠો. રાયભાણના બે પુત્રો ગુલાબસિંહ તથા જોરાવરસિંહ વચ્ચે ગાદી મેળવવા ઝઘડો થતાં દામાજી ગાયકવાડે રાજ્યનું વિભાજન કરી, ગુલાબસિંહને વાંસદાની તથા જોરાવરસિંહને બિસનપુરની ગાદી આપી. ઈ. સ. 1762માં બિસનપુર ગાયકવાડની સત્તા હેઠળ જવાથી, ત્યાંની ગાદી નાબૂદ થઈ.

ઈ. સ. 1753માં ગુલાબસિંહનું અવસાન થયું. તે અપુત્ર હોવાથી, તેનો પિતરાઈ ભાઈ ઉદયસિંદ ગાદીએ બેઠો. તેથી જોરાવરસિંહે પેશવા સમક્ષ વાંસદાની ગાદીનો દાવો કર્યો, ત્યારે પેશવાએ વાંસદામાંથી પાંચ ગામ અપાવી સમાધાન કરી આપ્યું. ઉદયસિંહ ધાર્મિક વૃત્તિ ધરાવતો હોવાથી, આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેણે સખાવતો કરી હતી. ઉદયસિંહ નિ:સંતાન મૃત્યુ પામવાથી, જોરાવરસિંહનો પુત્ર વીરસિંહ ગાદીએ બેઠો. વીરસિંહે પેશવાનું દેવું ચૂકવવા રાજ્યને ગીરો મૂકી, પેશવાના દેવામાંથી મુક્તિ મેળવી. ઈ. સ. 1789માં તે મરણ પામ્યો અને તેનો ભાઈ નહારસિંહ રૂા. 85,000/- પેશવાને નજરાણા પેટે આપીને ગાદીનો અધિકાર મેળવી રાજા બન્યો. ઈ. સ. 1793માં તે ગુજરી જવાથી તેનો કુંવર રાયસિંહ ગાદીએ બેઠો. ઈ. સ. 1803માં બ્રિટિશ કંપનીએ વાંસદા રાજ્યમાં ખંડણી ઉઘરાવવાનો અધિકાર મેળવ્યો. ઈ. સ. 1815માં તેના નિ:સંતાન અવસાને તેના દૂરના પિતરાઈ ભાઈ ઉદયસિંહને દત્તક લેવાથી, તે રાજા બન્યો. તેણે અંગ્રેજો સાથે સારા સંબંધો જાળવ્યા હતા. 27 નવેમ્બર, 1829ના રોજ તે નિ:સંતાન અવસાન પામ્યો. તેથી તેની રાણીઓએ પિતરાઈ હમીરસિંહને દત્તક લીધો. તે સગીર હોવાથી બ્રિટિશ સરકારે શાસન કર્યું અને 1852માં પુખ્ત ઉંમરનો થતાં હમીરસિંહને વહીવટ સોંપી દેવામાં આવ્યો. હમીરસિંહનું 1861માં અવસાન થયા બાદ એના કુટુંબનો ગુલાબસિંહ શાસક બન્યો. તેણે સારો રાજકારભાર કરવાથી પ્રજા સુખી થઈ. તેણે સખાવતો તથા ધાર્મિક દાન કરી લોકચાહના મેળવી. ઈ. સ. 1876માં 15 વર્ષના શાસન પછી તેનું મૃત્યુ થયું અને તેનો સગીર પુત્ર પ્રતાપસિંહ ગાદીએ બેઠો. તેની સગીરાવસ્થા દરમિયાન સૂરતના અંગ્રેજ પૉલિટિકલ એજન્ટ વતી કેશવલાલ નથુભાઈએ વહીવટ ચલાવ્યો. ઈ. સ. 1877માં મહારાણી વિક્ટોરિયાએ ‘કૈસરે હિંદ’નું પદ ધારણ કર્યું ત્યારે પ્રતાપસિંહને નવ તોપોની સલામી મળી. પ્રતાપસિંહે રાજકોટની રાજકુમાર કૉલેજમાં વહીવટી તાલીમ પૂરી કર્યા બાદ તેને 1885માં સત્તાનાં સૂત્રો સુપરત થયાં. તેણે રાજ્યને આધુનિક બનાવવાના પ્રયાસો કર્યા.

તેણે ખેડૂતોને માટે લાભદાયી રૈયતવારી મહેસૂલી પદ્ધતિ શરૂ કરી. 1890ના દુષ્કાળ દરમિયાન ખેડૂતોને રાહત આપી અને રાહતકાર્યો શરૂ કરી ગરીબોને રોજી આપી. તેણે દર્દીઓ માટે દવાખાનાં ખોલ્યાં. તેણે શિક્ષણના વિકાસ માટે શિષ્યવૃત્તિઓ જાહેર કરી તથા પાટનગરમાં ટાવર અને ટાઉનહૉલ બંધાવ્યા. તેનાં જનકલ્યાણનાં કાર્યોમાં મફત શિક્ષણ, ઉદાર શિષ્યવૃત્તિઓ, ગુલાબસિંહ લાઇબ્રેરીની સ્થાપના, હૉસ્પિટલ તથા પુસ્તક-પ્રકાશનને ઉત્તેજન વગેરેનો સમાવેશ થાય છે. 19મી સપ્ટેમ્બર, 1911 ના રોજ પ્રતાપસિંહનું અવસાન થયા બાદ તેમના પાટવી કુંવર ઇન્દ્રસિંહ ગાદીએ બેઠા. તેમણે આરોગ્ય, ખેતી, વેપાર, શિક્ષણ, ઉદ્યોગ વગેરે ક્ષેત્રે વિકાસ કરી લોકોને તાર, ટપાલ, ટેલિફોન, રેલવે વગેરે સગવડો આપી. તેમનામાં રાષ્ટ્રીય ભાવના હતી. દેશને સ્વતંત્રતા મળ્યા બાદ 15 ફેબ્રુઆરી, 1948ના રોજ તેમણે શેષ જીવન પ્રભુભક્તિમાં ગાળવા માટે ગાદીત્યાગ કર્યો અને યુવરાજ દિગ્વીરેન્દ્રસિંહને રાજગાદી સોંપી. જૂન, 1948માં વાંસદા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયેલું.

શિવપ્રસાદ રાજગોર, જયકુમાર ર. શુક્લ