વિકરી, વિલિયમ (જ. 1914, વિક્ટૉરિયા, બ્રિટિશ કોલંબિયા, કૅનેડા; અ. 13 ઑક્ટોબર 1996, ન્યૂયૉર્ક) : અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. માત્ર અસમમિતીય માહિતી (asymetric information) જ ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં લેવાતા નિર્ણયો પાછળ કયા પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે તેનું વિશ્લેષણ કરતો સિદ્ધાંત તારવવા બદલ 1996નું અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક તેમને એનાયત થયું હતું. વિકરી ત્રણ માસના હતા ત્યારે તેમના વાલીઓએે કૅનેડાથી અમેરિકા કાયમી વસવાટ માટે પ્રયાણ કર્યું હતું. તેમણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી 1935માં અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ 1937માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1947માં ડૉક્ટરેટની પદવી મેળવી હતી. 1937-47ના દાયકા દરમિયાન તેમણે કરવેરાના સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ નિવૃત્તિ સુધી તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું.

વિલિયમ વિકરી

મૂળ આવકવેરાના ક્ષેત્રમાં તેમણે કરેલ સંશોધનોમાંથી સર્જાયેલી વિચારસરણીને લીધે તેઓ જાણીતા બન્યા હતા. ઓગણીસમી સદીના અર્થશાસ્ત્રીઓની એવી દલીલ હતી કે જુદા જુદા આર્થિક વર્ગો વચ્ચે આવકની બાબતમાં જે તફાવત હોય તે પ્રગતિશીલ કરવેરા દ્વારા નિવારવા જોઈએ. વિકરીએ વર્ધમાન (progressive) કરવેરાની હિમાયત કરતી ઉપર્યુક્ત વિચારસરણી સામે એવી દલીલ કરી છે કે તેને લીધે વ્યક્તિઓમાં વધુ કામ કરવા માટેનું અને તે દ્વારા વધુ આવક કમાવાનું જે મુખ્ય પ્રલોભન હોય છે તેનો હ્રાસ થાય છે. તે ન બને અને કરદાતાઓની ઉત્પાદકતાને પ્રોત્સાહન મળે એ રીતે કરવેરાનું આયોજન કેવી રીતે કરવું તે અંગેની નવી વિચારસરણી વિકરીએ પ્રતિપાદિત કરી છે.

ત્યારપછી વિકરી અસમમિતીય માહિતીના સંજોગોમાં કંપની કે કૉર્પોરેશનોના ખાનગી નિયોજકો અને સરકારો જેવી જાહેર સંસ્થાઓ કયાં પરિબળોને અધીન થઈને આર્થિક નિર્ણયો લેતાં હોય છે તેના વિશ્લેષણ તરફ વળ્યા અને ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર જેમ્સ મિરલીઝની સાથે મળીને તે બંનેએ ‘પ્રલોભનોનો આર્થિક સિદ્ધાંત’ નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો, જેના માટે તે બંનેને અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિક માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે તેમના સિદ્ધાંતમાં અસમમિતીય માહિતીના આનુભવિક (empirical) દાખલાઓનો આધાર લીધો છે; દા.ત., બૅંકો જ્યારે ધિરાણ કરતી હોય છે ત્યારે તેમના ગ્રાહકોના ભવિષ્યની આવક વિશે કે અન્ય યોજનાઓ વિશે ખ્યાલ ન હોય તે સ્વાભાવિક છે; તેવી જ રીતે દરેક પેઢી પાસે બજારનાં ભાવિ વલણો વિશે અગાઉથી માહિતી હોઈ શકે જ નહિ, જેને લીધે પેઢીને ખર્ચ અને આવકના પરસ્પર સંબંધો વિશે અટકળો કરીને જ ઉત્પાદન કે વેચાણ વિશે નિર્ણયો લેવા પડે છે. તેવી જ રીતે કોઈ વસ્તુનો સંભાવ્ય ગ્રાહક તે વસ્તુનું ખરેખર કેટલું મૂલ્ય આંકે છે તેની ખબર વેચનારને અગાઉથી ન જ હોય અને તેથી કેટલીક અટકળોને આધારે વેચનાર તે વસ્તુની કિંમત નિર્ધારિત કરતો હોય છે. આના ઉપરથી વિકરીએ જે સિદ્ધાંત તારવ્યો તેને ‘વિકરીનો હરાજીનો સિદ્ધાંત’ નામથી ઓળખવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ‘માહિતીનું અર્થશાસ્ત્ર’ (Economics of Information) અગત્યનો ભાગ ભજવે છે; જેનું તર્કશુદ્ધ વિશ્લેષણ વિલિયમ વિકરી અને જેમ્સ મિરલીઝે કર્યું અને તેના માટે તેઓને નોબેલ પારિતોષિક માટે પાત્ર ગણવામાં આવ્યા.

નોબેલ પારિતોષિકની જાહેરાતના ત્રીજા જ દિવસે વિકરીનું 82 વર્ષની વયે અવસાન થયું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે