વાંચ્છુ, કૈલાસનાથ

January, 2005

વાંચ્છુ, કૈલાસનાથ (જ. 25 ફેબ્રુઆરી, 1903, મંદસૌર, મધ્યપ્રદેશ; અ. ?) : જાહેર જીવનના અગ્રણી નેતા અને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. પિતા પ્રિથીનાથ અને માતા બિશનદેવી. તેમણે મ્યુર સેન્ટ્રલ કૉલેજ, અલ્લાહાબાદમાંથી શિક્ષણ મેળવ્યું અને સ્નાતક થયા. ત્યારપછી વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ જઈ ઑક્સફર્ડની વાધેમ કૉલેજમાં જોડાયા. તેમણે ભારતીય સનદી સેવામાં જોડાઈ સફળતા હાંસલ કરી અને જીવનના 24મા વર્ષે સંયુક્ત મૅજિસ્ટ્રેટ બન્યા. ઉત્તરોત્તર પ્રગતિ કરીને ઉત્તરપ્રદેશમાં જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશ તરીકે 1927 સુધી કામગીરી કરી. તેમની કાયદાના ક્ષેત્રની કુશળતાનો લાભ મેળવવા 1955થી 1958 દરમિયાન તેમને કાયદા પંચના અધ્યક્ષ નીમવામાં આવ્યા. ક્રમશ: આગળ વધીને 1958થી 1967ના એક દાયકા માટે તેઓ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રહ્યા. વળી એપ્રિલ 1967થી ફેબ્રુઆરી, 1968 દરમિયાન મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ સેવાઓ આપી. આંધ્રપ્રદેશનું  નવું રાજ્ય રચાયું ત્યારે તેની નાણાકીય તથા અન્ય બાબતો અંગે તેમણે એક અહેવાલ ભારત સરકારને સુપરત કર્યો હતો.

નિષ્પક્ષ અને ન્યાયિક તથ્યોને આધારે નિર્ણય લેવા આવદૃશ્યક હોય તેવી વિવિધ કામગીરી પણ તેમને સોંપવામાં આવી હતી. આ કારણસર તેઓ ધોલપુર વારસા-હક્કના કિસ્સાના અધ્યક્ષ હતા. વળી 1968-69માં રેલવે-અકસ્માતો માટેની તપાસ સમિતિના સભ્ય હતા. આ ઉપરાંત ભારત સરકારના શ્રમ-મંત્રાલયના લવાદ-પંચના સભ્ય તરીકે, સીધા કરવેરા તપાસ-સમિતિના અધ્યક્ષ તરીકે 1970-71માં તથા 1974-75માં પશ્ચિમ બંગાળના મંત્રીઓ વિરુદ્ધ મુકાયેલા આક્ષેપો અંગેની તપાસ-સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કામગીરી બજાવી હતી.

આગ્રા યુનિવર્સિટીએ તેમને એલએલ.ડી.ની માનદ ઉપાધિ આપી હતી.

રક્ષા મ. વ્યાસ