વાંટા પદ્ધતિ : ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલા(1411’-42)એ રાજપૂત અને કોળી જમીનમાલિકોના વિરોધને શાંત પાડવા દાખલ કરેલી પદ્ધતિ. આ પદ્ધતિ અગાઉ અહમદશાહે જમીન પોતાને કબજે કરી લેવાનું શરૂ કર્યું, ત્યારે વારસાગત જમીન ધરાવનારા રાજપૂતો અને કોળીઓએ વિરોધ અને તોફાનો કર્યાં. એમણે ખાલસા ગામોના લોકોને પજવવા માંડ્યા. તેથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ અને ખેતીને નુકસાન થયું. આ તકલીફો દૂર કરવા વાસ્તે તથા જમીનદારો વિરોધ કરે નહિ તે માટે, તેમના જામીન લેવામાં આવ્યા તથા એમ ઠરાવ્યું કે તેમની જમીનનો એક ચતુર્થાંશ ભાગ તેમની પાસે ખેતી કરવા વાસ્તે રાખવો તથા બદલામાં તેમણે તે વિસ્તારનું રક્ષણ કરવું, રખેવાળો પૂરા પાડવા તથા સુલતાનની આવદૃશ્યકતા અનુસાર સેવા આપવા તૈયાર રહેવું. જમીનદારોને આપેલો જમીનનો તે ભાગ ‘વાંટો’ કહેવાયો તથા શેષ ત્રણ ભાગ તે ‘તળપદ’ નામથી ઓળખાયા. આ ઉપરાંત કોળી અને રાજપૂત ઠાકોરોએ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે, તેમની જમીનની વીઘાદીઠ નિશ્ચિત રકમ, સલામી તરીકે સુલતાનને આપવાનું સ્વીકાર્યું. આ ઠરાવના ફલ સ્વરૂપે, કોળીઓ તથા રાજપૂતો સંઘર્ષ કરવાનું છોડીને, અસલ ઠેકાણે નિરાંતે સ્થિર થયા, તથા સુલતાનના વિશ્વાસુ લોકો થઈને રહેવા લાગ્યા.

જમીનદારીના બદલામાં નોકરીની પરંપરામાંથી તેઓ મુક્ત થયા ત્યારે પણ સલામીની રકમ આપવાનો રિવાજ ચાલુ રહ્યો. હિંદુ જમીનદારોનો વાંટાનો અધિકાર ઈ. સ. 1545 પર્યંત ચાલુ રહ્યો. ત્યારબાદ સુલતાન મહમૂદશાહ ત્રીજા(1537-1554)એ સખતાઈ કરીને વાંટાની પદ્ધતિ તેના વજીર આસફખાનના સૂચન મુજબ બંધ કરી અને રાજપૂતોની જમીનો જપ્ત કરી લીધી. તેથી ઇડર, સિરોહી, વાંસવાડા, લુણાવાડા, રાજપીપળા તથા મહી નદીકાંઠાના જમીનદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા. આમ કરવા માટેનો તેનો ઉદ્દેશ મહેસૂલની આવક વધારવાનો તથા રાજપૂતો અને કોળીઓ(ખાસ કરીને હિંદુઓ)ને નબળા પાડવાનો હતો. આ સુલતાને હિંદુ પ્રજા ઉપર જુલમ ગુજારવામાં કમી રાખી ન હતી.

રામજીભાઈ ઠા. સાવલિયા