વાંગ યંગ : ચીન દેશના મિંગ વંશ (1368-1644) દરમિયાન થઈ ગયેલો (1472-1528) અગ્રગણ્ય તત્વચિંતક. સમકાલીનોની રૂઢિગત ચિંતન-પદ્ધતિ સામે અણગમો વ્યક્ત કરીને વ્યક્તિગત ચિંતન દ્વારા મૌલિક વિચારધારા રજૂ કરનાર નીડર વિચારક. માનવજીવનના મૂળભૂત પ્રશ્નોના ઉત્તરો વાંગ યંગે પરંપરાગત વિચારધારા કરતાં આત્મખોજ દ્વારા આપવા પ્રયત્નો કર્યા. આ જ કારણથી વાંગ યંગ મિંગ વંશના શાસન દરમિયાન થઈ ગયેલા અન્ય વિચારકોથી અલગ તરી આવે છે. મિંગ વંશ દરમિયાન તે થઈ ગયો હોવાથી વાંગ યંગ મિંગ તરીકે તે ઓળખાય છે.

મિંગ વંશના શાસન દરમિયાન તત્વજ્ઞાનના ક્ષેત્રે બૌદ્ધવાદી અને તાઓવાદી વિચારધારા પ્રચલિત હતી. મિંગ વંશની સ્થાપના જ બૌદ્ધ મઠના અંતેવાસી એક વ્યક્તિએ કર્યાનું મનાય છે. જે તત્વચિંતન ભૂતકાલીન રાજવંશો દરમિયાન પ્રચલિત હતું તે જ મિંગ વંશ દરમિયાન પણ ચાલુ રહ્યું હતું. ચીની સમાજના કોઈ નવપ્રવાહે આ વિચારધારા ઉપર અસર નહિ કરેલી. તે જ રીતે શાહી પરિવારમાં તેમજ સમગ્ર વહીવટીતંત્ર સાથે કૉન્ફ્યુશિયન વિચારધારા અને તેનાં શાસ્ત્રો વણાઈ ગયાં હતાં. રાજકીય પદો મેળવવા અને ઉન્નતિ કરવા આ જ વિચારસરણી અભિન્ન રીતે જોડાયેલી હતી. તેમાં બાંધછોડ કે વિભાગીકરણ માટે ન તો શાસકો તૈયાર હતા કે ન તો અધિકારી વર્ગ.

વાંગ યંગ મિંગ પણ એ જ પરિપાટીમાંથી આવ્યો હતો. કૉન્ફ્યુશિયન શાસ્ત્રોનો અભ્યાસ અને તેની પરીક્ષાપદ્ધતિ દ્વારા તેણે પણ જીવનનો મોટો ભાગ રાજ્યની નોકરીમાં વિવિધ પદો ઉપર રહીને પસાર કર્યો હતો; પરંતુ ચીનની ઉક્ત રૂઢિગત વિચારધારાથી પર જઈને વ્યક્તિગત રીતે વિચારનારા અને રૂઢિગત વિચારો પ્રત્યે અણગમો વ્યક્ત કરનારા બૌદ્ધિક રસવાળા વિદ્વાનો, વિચારકો ચીનમાં હતા. આવા વિદ્વાનો તત્વચિંતન અને સાહિત્યની સ્વતંત્ર રીતે ચર્ચા કરતા. તેઓમાં વાંગ યંગ મિંગ અગ્રગણ્ય હતો. તેને ચીનના પરંપરાગત વિચારો, પોપટિયું જ્ઞાન અને સ્થાપિત ચિંતન પદ્ધતિમાં વિશ્વાસ નહોતો. એમ કહો કે સંતોષ નહોતો. માત્ર પદવી પ્રાપ્ત કરવા માટે જ અભ્યાસ અને ચિંતનમાં તેને રસ નહોતો. તેથી જ સ્વતંત્ર રીતે વિચારીને આત્મખોજ દ્વારા સત્યપ્રાપ્તિની દિશામાં વાંગ યંગે વિચાર્યું. એક રીતે તો તેના આવા અભિગમમાં ચીનમાં આવી રહેલી વૈચારિક ક્રાંતિનો સંકેત મળે છે.

વાંગ યંગ મિંગના જીવનકાલ દરમિયાન કૉન્ફ્યુશિયન વિચારધારા શાસકો, સમાજ અને તત્વચિંતકો ઉપર કાબૂ ધરાવતી હતી અને સરકારી નોકરીઓ માટે પરીક્ષા માટે તે અનિવાર્ય અંગ બની ગઈ હતી. તે સમયનો કૉન્ફ્યુશિયનવાદનો રૂઢિચુસ્ત સમર્થક વાંગ યંગનો સમકાલીન ચુ શી હતો. વાંગ યંગ મિંગનું સંશોધન, સત્યની ખોજ ચુ શી અને તેના અનુયાયીઓના વિરોધથી જ શરૂ થયાં. ચુ શીની વિચારધારાનાં સાધનો પરંપરાથી ચાલ્યા આવતા સ્થાપિત વિચારો હતા. વાંગ યંગે ખોજ માટેની પદ્ધતિ તો ચુ શી પાસેથી જ લીધી, પરંતુ તેનાં સાધનો આંતરખોજ ઉપર આધારિત હતાં. લાંબા અનુભવના આધારે સત્યપ્રાપ્તિ માટે વાંગ યંગે પ્રયત્નો કર્યા. પોતાનો સ્વભાવ જ જ્ઞાનપ્રાપ્તિ માટે પૂરતો છે. ફલિત સિદ્ધાંત માટે આત્મસંયમ અને કાર્ય જરૂરી છે. તેના મતે અંતર્જ્ઞાનથી અનુભવેલું યા મેળવેલું સત્ય જ સાચું સત્ય. વિચારની એ પદ્ધતિ ઉપર જ તે ભાર મૂકતો હતો.

આમ વાંગ યંગ મિંગે ચીનની પરંપરાગત અને પ્રચલિત વિચારધારાઓને જીવનના મૂળભૂત પ્રશ્નોના ઉત્તરો ખોળવા માટે કે સત્યપ્રાપ્તિ માટેનાં સાધનો બનાવ્યાં વગર આત્મખોજ, આંતરજ્ઞાન, સ્વતંત્ર વિચાર ઉપર ભાર મૂક્યો. તેના વિચારો ઉપર બૌદ્ધમત અને તાઓવાદની છાયા જોવા મળે છે; પરંતુ તે બૌદ્ધવાદ કે તાઓવાદનો અનુયાયી નહોતો. ખરેખર તો તેને કૉન્ફ્યુશિયન વિચારધારાવાળો કહી શકાય. વાંગ યંગ મિંગના વિચારો, ઉપદેશ કે લખાણોની અસર ચીન કરતાં જાપાનમાં વિશેષ પડી હતી. જાપાનમાં તે વધારે લોકપ્રિય હતો. તેના અને ચુ શીના અનુયાયીઓ વચ્ચેના વિરોધો ક્યારેક તો તીવ્ર કક્ષાએ પહોંચી જતા હતા. વાંગ યંગને અનુસરનારા તેના મૃત્યુ પછી અનેક શાખાઓમાં વહેંચાઈ ગયા હતા.

મોહન વ. મેઘાણી