વાંકાનેર આર્યહિત વર્ધક નાટક કંપની (ઈ. સ. 1889થી 1924)

January, 2005

વાંકાનેર આર્યહિત વર્ધક નાટક કંપની (ઈ. સ. 1889થી 1924) : જનસમાજમાં લોકરંજન સાથે ભક્તિપરંપરાને લોકમાનસમાં ઢ કરવાના શુભ હેતુથી ત્રંબૅંકલાલ દેવશંકર રાવલ (1863) અને ત્રંબૅંકલાલ રામશંકર ત્રવાડીએ (1844) ઈ. સ. 1889માં વાંકાનેરમાં સ્થાપેલી નાટ્યમંડળી શરૂઆતમાં કંપનીના મુખ્ય કવિ તરીકે નથુલાલ સુંદરજી શુક્લ હતા. એ જમાનામાં કંપનીએ આકર્ષક સન્નિવેશ, દૃશ્યપરિવર્તન સાથે ધાર્મિક અને ઐતિહાસિક નાટકો ભજવી ભારે લોકચાહના પ્રાપ્ત કરી હતી. નાટકો દ્વારા ધર્મ માટે કામ કરતી વિવિધ સંસ્થાઓને મદદ કરવાનું પણ કંપનીના માલિકો ચૂકતા નહિ. લગભગ પાંસઠ વર્ષના લાંબા ગાળામાં આ કંપનીએ ઘણાં નાટકો રજૂ કર્યાં.

કંપનીનાં આરંભનાં નાટકો ‘ગોપીચંદ’ (1889), ‘હરિશ્ર્ચંદ્ર’ (1890-91) અને ‘શૂરવીર શિવાજી’ (1897) લોકાદર પામેલાં હતાં. ‘હરિશ્ર્ચંદ્ર’ તો ‘ભર્તૃહરિ’ની કક્ષાનો ખેલ બનેલો. એ બધાં નાટકોમાં મુખ્ય પાત્ર નાનો ત્રંબૅંક (ત્રંબૅંકલાલ ત્રવાડી) ભજવતો. એની નામના પણ સારી હતી. એ જમાનામાં પ્રેક્ષકોને નાટકનાં ગાયનો સાંભળવાનો ખૂબ શોખ હતો. ‘પ્રેમચંદ્રિકા’માં 78 ગાયનો હતાં. ‘કુમુદકિશોરી’, ‘ચંદ્રકાન્તા’ ને ‘નર્મદા’ – એ દરેક નાટકમાં 50 ઉપરાંત ગાયનો હતાં. કંપનીનું શિરમોર સમું નાટક આવ્યું તે ‘નરસિંહ મહેતો’. જાણીતા પ્રસંગો અને ગીતોને લીધે નાટક પ્રેક્ષકોને ખૂબ પસંદ પડ્યું. નાના ત્રંબકે નરસિંહના પાત્ર સાથે એકરસ થઈ સુંદર ભૂમિકા ભજવી. લોકોના હૃદયમાં એ નાટક જોતી વખતે ભક્તિની છોળો ઊછળતી. આ ભૂમિકાએ નાના ત્રંબકને લોકમાનસમાં અમર બનાવ્યો. ‘જગતસિંહ’ના ખેલમાં તો ખરેખરો વરસાદ રંગમંચ પર પડતો ! આ પ્રકારની દૃશ્ય રચનાની ગોઠવણી એ પારસી રંગભૂમિની ગુજરાતી રંગભૂમિને દેન હતી. ‘ભક્ત સુરદાસ’ (1909) નાટકે ભક્તિરસની પરાકાષ્ઠા બતાડી.

એ કંપનીએ કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યભારત, ઉત્તરભારતમાં કરાંચી સુધી પ્રવાસ ખેડ્યો હતો. કંપનીને વડોદરા-નરેશ (તા. 7-3-1889), ગ્વાલિયરના મહારાજા (1896) તેમજ અન્ય કદરદાન પ્રેક્ષકો તરફથી હજારો રૂપિયા, સુવર્ણચંદ્રકો તેમજ પ્રમાણપત્રો મળેલાં.

ઈસવીસન 1910માં નાના ત્રંબૅંકનું અવસાન થતાં કંપનીની પડતી શરૂ થઈ. હવે કંપની રાવલ ત્રંબૅંકલાલ દેવશંકરના હાથમાં આવી. (1909થી 1919). આ સંસ્થાને એટલા બધા સુવર્ણચંદ્રકો મળ્યા હતા કે કપરા કાળમાં એને ગળાવી નાખ્યા ત્યારે તેમાંથી પાંચ શેર જેટલું સોનું નીકળ્યું હતું ! તે વેચીને કંપનીને ટકાવી રાખવામાં આવી. છેલ્લે 1924માં કંપનીના માલિક હિંમતલાલ ત્રંબૅંકલાલ હતા. આ કંપની બંધ થયાની ત્રણ સાલ  ઈસવીસન 1924, 1927 અને 1930 મળે છે. આમાં ત્રંબૅંકલાલના નાના પુત્ર ત્રિકમલાલે આપેલી 1924ની સાલ વધારે પ્રમાણભૂત છે.

દિનકર ભોજક