વાંકાનેર : રાજકોટ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 22° 37´ ઉ.અ. અને 70° 56´ પૂ.રે.. તે રાજકોટથી ઉત્તર તરફ આશરે 52 કિમી.ના અંતરે મચ્છુ નદીના કાંઠે વસેલું છે.

વાંકાનેર તાલુકાનું ભૂપૃષ્ઠ બેસાલ્ટ ખડકોની ટેકરીઓથી બનેલું છે. આ ખડકો મકાન તેમજ માર્ગ-બાંધકામ માટે ઉપયોગમાં લેવાય છે. દક્ષિણથી ઉત્તર તરફ વહેતી મચ્છુ અહીંની મુખ્ય નદી છે. તાલુકાના કેટલાક ભાગોમાં રેતીખડક, ચૂનાખડક, ડોલેરાઇટ, રહાયોલાઇટ, ઑબ્સિડિયન તેમજ અગ્નિજિત અને રંગીન માટી મળે છે.

તાલુકામાં કાપડમિલો, તેલમિલો, ચોખાની મિલો, લાકડાં વહેરવાની મિલો, પરશુરામ પૉટરી તેમજ આશરે 50 જેટલા લઘુઉદ્યોગો આવેલા છે. અહીં સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા, સ્ટેટ બૅંક ઑવ્ સૌરાષ્ટ્ર, બૅંક ઑવ્ બરોડા, દેના બૅંક, રાજકોટ નાગરિક અને જિલ્લા સહકારી બૅંક તથા જમીન-વિકાસ બૅંકની શાખાઓ કાર્યરત છે અને તે વેપાર-ઉદ્યોગના વિકાસમાં સારો ફાળો આપે છે.

વાંકાનેર વીરમગામ-હાપા બ્રૉડગેજ રેલમાર્ગનું તેમજ વાંકાનેર-નવલખી મીટરગેજ રેલમાર્ગનું મથક છે. અમદાવાદકંડલા રાષ્ટ્રીય ધોરી માર્ગ 8A અહીંથી પસાર થાય છે. અહીંથી આજુબાજુનાં નગરો અને ગામો તરફ જતા પાકા રસ્તાઓ આવેલા છે.

અહીં ટેકરી પર આવેલાં જોવાલાયક સ્થળોમાં રાજમહેલ તેમજ ધોળેશ્વર મહાદેવ-મંદિરનો સમાવેશ થાય છે. અન્ય ધાર્મિક સ્થળો પૈકી ફળેશ્વર મહાદેવ, કાલિકામાતાનું મંદિર, નાગાબાવાની જગા, રૂગનાથજી મંદિર, ગોવિંદનાથજીની હવેલી, જૈન દેરાસર, સ્વામિનારાયણ મંદિર તથા ઘાંચી-પિંજારા-વોરાની મસ્જિદો મુખ્ય છે. અહીં બાલમંદિરો, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તેમજ કૉલેજની સુવિધા છે. દવાખાનાં, તાર-ટપાલ-ટેલિફોનની સગવડો પણ ઉપલબ્ધ છે.

વાંકાનેર તાલુકાની તેમજ નગરની વસ્તી 2001 મુજબ અનુક્રમે 1,60,270 અને 36,603 જેટલી છે.

આઝાદી પૂર્વે વાંકાનેર જૂના વાંકાનેર રાજ્યનું રાજધાનીનું મથક હતું. તે બીજા વર્ગની રિયાસત ગણાતી હતી; વળી તે સલામી રાજ્ય હોવાથી રાજવીને નવ તોપોની સલામી અપાતી હતી. આ દેશી રાજ્યનું 417 ચોકિમી. જેટલું ક્ષેત્રફળ હતું. આઝાદી પછી રાજકોટ જિલ્લાની રચના થતાં, તેનું વિલીનીકરણ થયું. આજે તે તાલુકાનું મુખ્ય મથક છે. તાલુકામાં આ નગર ઉપરાંત આશરે 100 જેટલાં ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : સૌરાષ્ટ્રમાં આવેલ ઝાલા વંશનું રાજ્ય. હળવદના રાજા ચંદ્રસિંહના યુવરાજ પૃથ્વીરાજના પુત્ર સરતાનજીએ વાંકાનેરનું રાજ્ય સ્થાપ્યું હતું.  પૃથ્વીરાજ દિલ્હીમાં અવસાન પામ્યા બાદ સરતાનજી નવાનગર ગયા અને ત્યાંના જામની સહાય લઈને 1610માં વાંકાનેર વસાવી, આસપાસનો પ્રદેશ કબજે કરી તેના ઉપર રાજ્ય કરવા લાગ્યા. એમણે હળવદ ઉપર અનેક વખત ચડાઈ કરી તેમના પિતાનો હક લેવા પ્રયાસો કર્યા.

વાંકાનેરનો રાજા સરતાનજી (સુલતાનજી) હળવદ ઉપર ચડાઈઓ કરતા હતા, તેથી હળવદના અમરસિંહે મૂળીના પરમારોની મદદ લઈ વાંકાનેર ઉપર ચડાઈ કરી. વાંકાનેરનાં ગામો બાળ્યાં અને લૂંટ્યાં. સરતાનજીએ મૂળીના પરમાર ઠાકોરને લડાઈમાં મારી તેમની ફોજને નસાડી મૂકી. સરતાનજી પાછા વળતાં ભીમગુંડા ગામ પાસે મૂળીની વહારે આવી પહોંચી અને લડાઈ થઈ. તેમાં સરતાનજી માર્યા ગયા (1623). તેથી સરતાનજીના પુત્ર માનસિંહજી ગાદીએ બેઠા. તે સગીર હોવાથી કાકા રાજોજી વહીવટ કરવા લાગ્યા, પરંતુ તેમને ફાવ્યું નહિ. તેથી 1630માં વઢવાણ જઈને અલગ ગાદી સ્થાપી. માનસિંહજીએ સત્તા સંભાળીને હળવદ પર અનેક હુમલા કર્યા, પણ તેમાં ફાવ્યા નહિ. એમનું 1653માં અવસાન થયું, પછી એમના પાટવી કુંવર રાયસિંહજી પહેલા ગાદીએ બેઠા. તેમણે 26 વર્ષ શાંતિથી શાસન કર્યું. તે પછી 1679માં એમનું અવસાન થવાથી એમના પુત્ર ચંદ્રસિંહજી 1લા ગાદીએ બેઠા. તેમના શાસનકાળમાં મિયાણા તથા કાઠીઓના બળવા થયા હતા. તેમણે હળવદ જીતી લઈ બે વર્ષ માટે ત્યાં રાજ કર્યું. 1682માં મુઘલ સૂબા જશવંતસિંહે હળવદ પાછું જીતી લીધું. ચંદ્રસિંહજી 1721માં અવસાન પામતાં તેમના પુત્ર પૃથ્વીરાજજી ગાદીએ બેઠા. તેઓ ઈ. સ. 1728માં અપુત્ર મરણ પામતાં તેમના ભાઈ કેસરીસિંહજી ગાદીએ બેઠા. તેમનું 1749માં અવસાન થતાં યુવરાજ ભારોજી ગાદીએ બેઠા. ભારોજીએ જૂનાગઢના દીવાન અમરજીની મદદ વડે કુંદણીના કાઠીઓને પરાજય આપ્યો. તેમણે સરધાર તાબાનું સાજડિયાળી કબજે કરેલું. ભારોજીએ સાયલાના સેસાજીની સહાય વડે ધ્રાંગધ્રા પર સત્તા જાળવી રાખી હતી. ભારોજીએ રાજકોટના રાજા જાડેજા લાખાજીને પણ હરાવ્યા હતા.

ભારોજી ઈ. સ. 1784માં ગુજરી ગયા. તેમના પાટવી કુંવર રાયસિંહજી હયાત ન હોવાથી, બીજા કુંવર કેસરીસિંહ સત્તા ઉપર આવ્યા. તેઓ 1787માં ગુજરી જવાથી તેમના કુંવર ચંદ્રસિંહ 2જા ગાદીએ બેઠા. તેમણે વારંવાર ચડી આવતા ભીમોરા તથા સુદામડાના કાઠીઓને હરાવ્યા. ચંદ્રસિંહને અમદાવાદથી પાછા ફરતાં રસ્તામાં ગાયકવાડના બચ્ચા જમાદાર સાથે ઝઘડો થયો. તેમાં તેમનો ભત્રીજો ઈસબખાન માર્યો ગયો. તેથી ગાયકવાડે ભીંસ કરતાં ખૂનના બદલામાં વાંકાનેર તરફથી મેસરિયા, એમના વારસને આપવું પડ્યું; જે પછીના સમયમાં વાંકાનેર રાજ્યે પાછું ખરીદી લીધું.

ઈ. સ. 1807-08માં કર્નલ વૉકર અને ગાયકવાડના પ્રતિનિધિએ સૌરાષ્ટ્રના રાજાઓની ખંડણી આકારી ત્યારે વાંકાનેરની ખંડણીની રકમ પણ નક્કી કરવામાં આવી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગાયકવાડના વડોદરા રાજ્ય વતી ખંડણી ઉઘરાવવાની જવાબદારી સ્વીકારીને, શાંતિ  અને સલામતી સ્થાપવાના બહાના હેઠળ ગુજરાતની બધી રિયાસતો ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. કંપનીએ આ રિયાસતોનું વર્ગીકરણ કર્યું હતું; અને તે મુજબ દીવાની અને ફોજદારી ન્યાય આપવાની સત્તાઓ ઠરાવવામાં આવી હતી. સૌરાષ્ટ્ર(કાઠિયાવાડ)ના ચાર પ્રાંત હતા. તેમાંના ઝાલાવાડ પ્રાંતમાં આવતું વાંકાનેર બીજા વર્ગનું રાજ્ય હતું. તેને વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી હેઠળ મૂકવામાં આવ્યું હતું.

ઈ. સ. 1839માં ચંદ્રસિંહ ગુજરી જવાથી એમના કુંવર વખતસિંહ ગાદીએ બેઠા. તેઓ ધાર્મિક વૃત્તિના હતા અને દ્વારકા, સોમનાથ વગેરે તીર્થોની યાત્રા કરીને ત્યાં તેમણે મોટી રકમોનું દાન કર્યું હતું. ઈ. સ. 1860માં વખતસિંહના અવસાન બાદ તેમના પૌત્ર બનેસિંહ ઉત્તરાધિકારી બન્યા, કારણ કે વખતસિંહના પાટવીકુંવર જશવંતસિંહ તેમની હયાતીમાં ગુજરી ગયા હતા. જૂન 1881માં બનેસિંહનું 39 વર્ષની વયે મૃત્યુ થવાથી તેમના બે વર્ષના સગીર દીકરા અમરસિંહ વારસ બન્યા. તેમની સગીર અવસ્થા દરમિયાન કાઠિયાવાડના પૉલિટિકલ એજન્ટની દેખરેખ હેઠળ ગણપતરાવ લાડે વહીવટ કર્યો. અમરસિંહે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ 1898માં ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો. તે પછી 1899માં તેમને રાજ્યનો વહીવટ સોંપી દેવામાં આવ્યો. 1900-1901 દરમિયાન છપ્પનિયા દુકાળમાં તેમણે લોકોને ઘણી રાહત આપી હતી. તેમણે વેપાર, ઉદ્યોગો, ખેતી તથા શિક્ષણનો વિકાસ કર્યો અને લોકોને સલામતી તથા રક્ષણ આપ્યાં. તેમના શાસન દરમિયાન રાજ્યે નોંધપાત્ર વિકાસ કર્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન  અમરસિંહે બ્રિટિશ સરકારને સૈન્ય તથા આર્થિક મદદ કરી હતી. તેમણે ફ્રાંસના રણમેદાનમાં લડાઈમાં ભાગ લીધો હતો. તેમની સેવાના બદલામાં તેમનું તોપોનું માન વધારીને અગિયારનું કરવામાં આવ્યું હતું. ત્યાં 1918માં ઇન્ડિયન પૉટરી વર્કસ તથા 1933માં અમરસિંહજી મિલ રાજ્યના સહકારથી શરૂ કરવામાં આવી. રાજ્ય નાનું હોવા છતાં, રાજ્યના ઉત્તેજનના પરિણામે ત્યાં ઉદ્યોગો નખાયા હતા. દેશ સ્વતંત્ર થયા બાદ, વાંકાનેરના રાજ્યનું 1948માં સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીનીકરણ થયું, તે પછી વાંકાનેર રાજકોટ જિલ્લાનો એક તાલુકો બન્યું.

શિવપ્રસાદ રાજગોર, જયકુમાર ર. શુક્લ