વસ્તુપાલ (જ. આશરે ઈ. સ. 1185; અ. 1240) : મધ્યકાલીન ગુજરાતમાં રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર તથા વાઘેલા વીરધવલ અને વીસલદેવના મહામાત્ય. તેઓ પોરવાડ જ્ઞાતિના વણિક હતા. તેમના પિતાનું નામ આશરાજ (કે અશ્વરાજ) અને માતાનું નામ કુમારદેવી હતું. પોતાના પૂર્વજોની માફક તેઓ પણ સોલંકી રાજાની સેવામાં રહ્યા હતા. ભીમદેવ બીજા પાસેથી વીરધવલે તેમની સેવા માગી લીધી હતી, અને તેમણે વસ્તુપાલ-તેજપાલ બંને ભાઈઓને પોતાના મંત્રીપદે નીમ્યા હતા. તેમણે રાજ્યના સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ બંને ભાઈઓએ વીરધવલના રાજ્યનો ઉત્કર્ષ કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.

વીરધવલે લાટમંડળ હેઠળનું સ્તંભતીર્થ (ખંભાત) કબજે કરી ત્યાં શક્તિશાળી દંડનાયક (સૂબા) તરીકે વસ્તુપાલને નીમ્યો. લાટના શંખે (સંગ્રામસિંહે) ખંભાત પર હુમલો કર્યો અને શંખ તથા વસ્તુપાલ વચ્ચે ખૂનખાર જંગ ખેલાયો. આખરે શંખ રણમેદાનમાંથી નાસી ગયો. પાછળથી તેણે વસ્તુપાલની સત્તા સ્વીકારી. વીરધવલે વસ્તુપાલ અને તેજપાલની મદદથી દિલ્હીના સુલતાન અલ્તમશને આબુ નજીક હરાવ્યો હતો.

વસ્તુપાલે ધોળકાની સત્તાને તથા પાટણના રાજ્યને શક્તિશાળી બનાવવામાં મહત્વનું પ્રદાન કર્યું હતું. તેમણે વારંવાર સંઘ કાઢીને શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી હતી. સંઘ વગર પણ પોતાના પરિવારના સભ્યો સાથે તેઓ યાત્રાએ જતા હતા. તેમની ઉદારતા તથા દાનશીલતાનાં કવિઓએ ખૂબ વખાણ કર્યાં છે.

વસ્તુપાલ (તેજપાલ સાથે)

વસ્તુપાલ-તેજપાલને પુષ્કળ દોલત મળી હતી. તેનો મોટો ભાગ તેમણે ગિરનાર, શત્રુંજય, આબુ વગેરે પર્વતો પર અને ખંભાત, ભરૂચ, પાટણ, ડભોઈ, ધોળકા ઇત્યાદિ નગરોમાં દેરાસરો બાંધવામાં અથવા જીર્ણોદ્ધાર કરવામાં અને ધાર્મિક યાત્રાઓ કાઢવામાં વાપર્યો. વસ્તુપાલે દેરાસરો ઉપરાંત મંદિરો, વાવ, કૂવા, તળાવો અને મસ્જિદો પણ બંધાવ્યાં હતાં. તેમણે ભરૂચ, ખંભાત તથા પાટણમાં જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. પંડિતો તથા કવિઓને તેઓ પ્રોત્સાહન અને આશ્રય આપતા હતા. વસ્તુપાલ જાતે પણ કવિ તથા વિદ્વાન હતા. તેથી તેમને ‘કવિકુંજર’, ‘કવિચક્રવર્તી’, ‘સરસ્વતીકંઠાભરણ’ અને ‘કૂર્ચાલ સરસ્વતી’ (દાઢીવાળી સરસ્વતી) જેવાં ઉપનામો આપવામાં આવ્યાં હતાં. તેમણે ‘નરનારાયણાનંદ’ નામે એક મહાકાવ્ય, નેમિનાથ, આદિનાથ તથા અંબિકાનાં સ્તોત્રો અને સુભાષિતો રચ્યાં છે.

વસ્તુપાલના સમકાલીન પંડિતો તથા કવિઓ તેમના સંપર્કમાં રહેતા હતા. તેમાંના કેટલાક કવિઓએ વસ્તુપાલનાં સારાં કાર્યો તથા પરાક્રમો વર્ણવતા ગ્રંથો લખ્યા છે; ઉદાહરણ તરીકે, અરિસિંહનું ‘સુકૃત- સંકીર્તન’, બાલચન્દ્રનું ‘વસંતવિલાસ’, સોમેશ્વરની ‘કીર્તિકૌમુદી’, જયસિંહસૂરિનું ‘હમ્મીરમદમર્દન’ ઇત્યાદિ.

વસ્તુપાલને લલિતાદેવી તથા સોખુકા નામે બે પત્નીઓ હતી અને જયંતસિંહ નામે એક દીકરો હતો. તે ખંભાતનો અધિકારી નિમાયો હતો.

વસ્તુપાલે અનેક કવિઓને આશ્રય આપી સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ બધામાં ‘કીર્તિકૌમુદી’નો રચનાર કવિ સોમેશ્વર મુખ્ય હતો. આ ઉપરાંત નાનાક, સુભટ, યશોવીર, હરિહર, અરિસિંહ, માણિક્યચંદ્ર, અમરચંદ્ર વગેરે કવિઓ વસ્તુપાલ પાસેથી પુષ્કળ દાન મેળવતા હતા.

જયકુમાર ર. શુક્લ