વસ્તુગત સહસંબંધક (objective correlative)

January, 2005

વસ્તુગત સહસંબંધક (objective correlative) : પ્રસિદ્ધ અંગ્રેજી કવિ ટી. એસ. એલિયટે સ્થાપેલો પશ્ચિમના વિવેચન-સાહિત્યનો મહત્વનો સિદ્ધાંત. ગુજરાતી સાહિત્યમાં એના વિવિધ પર્યાયો રચવામાં આવ્યા છે. નગીનદાસ પારેખે એને ‘પદાર્થરૂપ નિત્યસંબંધ’ એવું નામ આપ્યું છે, તો અન્યોએ ‘વસ્તુનિષ્ઠ સમીકરણ’, ‘પરલક્ષી સહસંબંધક’, ‘વસ્તુલક્ષી સહસંયોજક’, ‘વસ્તુગત સમવાય સંબંધ’ તરીકે એની ઓળખ આપી છે. સર્જકમાં પ્રવર્તતી ચોક્કસ એવી લાગણીઓને પ્રસ્તુત કરવાની પ્રતિભા રૂપે કે લાગણીની અભિવ્યક્તિ માટે એનાથી સંબંધિત વસ્તુઓની શોધ તરીકે એલિયટની પૂર્વે વૉશિંગ્ટન ઑલ્સ્ટને કે સારોયાન સન્તયાને આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે ખરો, પરંતુ એલિયટની વિચારણામાં પ્રવેશ્યા પછી આ સંજ્ઞાએ સાહિત્યસિદ્ધાંત તરીકેનું રૂપ ધારણ કર્યું છે. અલબત્ત પાછળથી એલિયટને આ સંજ્ઞા અપ્રસ્તુત લાગી છે, પણ સાહિત્યવિવેચનક્ષેત્રે એ ખાસ્સી ચલણમાં રહી છે.

એલિયટે આ સંજ્ઞા 1956માં શેક્સપિયરના કરુણ નાટક હૅમ્લેટ અંગે લખેલા ‘હૅમ્લેટ અને એની સમસ્યાઓ’ નામક લેખમાં પ્રયોજી છે. હૅમ્લેટના ઓઢી લીધેલા ગાંડપણ સંબંધે ઊભી થતી સમસ્યાને કારણે હૅમ્લેટ પૂરેપૂરી રીતે પોતાને વ્યક્ત કરી શક્યો નથી અને એ રીતે હૅમ્લેટનું પાત્ર રચવામાં શેક્સપિયર નિષ્ફળ ગયો છે, કારણ શેક્સપિયર હૅમ્લેટ અંગેની કોઈ વસ્તુગત અભિવ્યક્તિની પૂરતી સામગ્રી શોધી શક્યો નથી, એવા તારણ પર એલિયટ આવે છે. ‘હૅમ્લેટ’ નાટકની નિષ્ફળતાનું મૂલ્યાંકન કરવા માટે પ્રયોજાયેલી આ સંજ્ઞા સંદર્ભે એલિયટના વિવેચનવિચારની ભૂમિકા જોવી પણ જરૂરી છે.

એલિયટની વિવેચનાએ જ્યૉર્જિયન વાતાવરણમાં વર્ચસ્ ધરાવતી રોમૅન્ટિક અને વિક્ટૉરિયન પરંપરાની કવિતાનો વિરોધ કર્યો અને કવિના વ્યક્તિત્વની અધિકારિતાના પાયાના તંતુનો છેદ ઉડાડ્યો. સંનિષ્ઠ વિવેચન અને સંવેદનશીલ આસ્વાદન આને કારણે કવિને બદલે કવિતાની દિશામાં ફંટાયું. કૉલરિજના ‘પ્રેરિત પ્રતિભાની સર્જનશીલ જીવનશક્તિ દાખવતા કવિ’ને બદલે એલિયટનો પરિશ્રમી કસબી કવિ સ્થાપિત થયો. અંગત ભાવ નહિ પણ કલાત્મક પ્રક્રિયાની ઉત્કટતાથી આમૂલાગ્ર રૂપાન્તરિત બિનંગત ભાવ, કલાત્મક ભાવ મહત્વના બન્યા. કવિતા પરના અને કલાત્મક પ્રક્રિયાની ઉત્કટતા પરના ભારને કારણે ભાવ અને વ્યક્તિલોપની ક્રિયા આગળ આવી. પોતાને સહેજ પણ પ્રગટ કર્યા વિના પોતા અંગે વાત કરવાનું કવિતા દ્વારા શરૂ થયું. પોતાને પ્રગટ કર્યા વિના પોતાની વાત કરવામાં, પોતાના અંગત ભાવને કલાત્મક ભાવમાં રૂપાન્તરિત કરવામાં, પોતાના અંગત ઇતિહાસમાં નહિ પણ કવિતામાં ખુદ ભાવનો પ્રાણ રોપવામાં એલિયટે વસ્તુગત સહસંબંધકને એક મહત્વનું રચનાયંત્ર (mechanism) ગણ્યું. ‘હૅમ્લેટ’ના સંદર્ભે એલિયટની આ ‘વસ્તુગત સહસંબંધક’ની શોધ પાછળ એનો ભાવલોપ અને વ્યક્તિત્વલોપનો સિદ્ધાંત, એનો બિનંગત કવિતાનો સિદ્ધાંત પડેલો છે.

‘હૅમ્લેટ’ પરના લેખમાં એલિયટે આ સંજ્ઞાની સમજ આપી છે :

‘‘કલાના સ્વરૂપમાં લાગણીને અભિવ્યક્ત કરવાની એકમાત્ર રીત એને અંગે વસ્તુગત સહસંબંધકની શોધ છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ચોક્કસ લાગણી કે ભાવ સૂત્રિત થઈ શકે, બાહ્ય હકીકતો સંવેદનશીલ કે ઇન્દ્રિયસંવેદ્ય અનુભવમાં ઢળી શકે એવી વસ્તુઓ, પરિસ્થિતિઓ કે ઘટનાની શ્રેણીઓ રજૂ થતાં, એ લાગણી કે ભાવ તાત્કાલિક જન્મી શકે છે.’’

મૂળ વાત અહીં સર્જક લાગણીને સીધેસીધી પ્રગટ ન કરે, એ છે. બીજી રીતે કહીએ તો એલિયટનો બિનંગત કવિતાનો વિચાર અહીં ઢપણે સૂત્રિત થયો છે. વસ્તુગત સહસંબંધકની સંજ્ઞા આ રીતે કૃતિની સંરચના પર ભાર મૂકે છે. કવિ પોતાની લાગણીઓ કે વિચારો પોતાના ચિત્તમાંથી સીધો વાચકચિત્તમાં પહોંચાડી શકતો નથી. વાચક સુધી પહોંચવા માટે વસ્તુઓ પરિસ્થિતિઓ અને ઘટનાઓની શ્રેણીઓનું અવલંબન જરૂરી છે. આ અવલંબન દ્વારા જ સર્જક અને ભાવક વચ્ચેનું સંક્રમણ શક્ય બને છે. અહીં સર્જકને જે કહેવું છે તે વસ્તુલક્ષી રૂપ ધારણ કરે છે અને એના સ્વરૂપ તેમજ લક્ષણની સાથે જ વિવેચકની નિસબત રહી છે.

એલિયટના આ સિદ્ધાંતવિચાર પાછળ ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓનું બળ પડેલું જોઈ શકાય છે. ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓનો આગ્રહ હતો કે કવિતા લાગણીને સીધી વ્યક્ત ન કરી શકે. લાગણીને તો કેવળ જગાડી શકાય  એને નિષ્પન્ન કરી શકાય. આથી જ કદાચ બૉદલેરે ઇન્દ્રિયોના સંવાદનાં ક્ષેત્રોને આગળ કર્યાં. માલાર્મેએ વિચારો નહિ પણ શબ્દોથી રચાતી કવિતાનો નિર્દેશ કર્યો. પ્રતીકવાદીઓની ઢ માન્યતા હતી કે વસ્તુનું નામ પાડવું એટલે વસ્તુના કાવ્યાત્મક સંવેદનમાંથી જન્મતા આહલાદનો પોણો ભાગ નષ્ટ કરી દેવા બરોબર છે.

એલિયટનો આ સિદ્ધાંત વિવાદાસ્પદ રહ્યો છે. એલિસીઓ વિવાસ જેવાને લાગે છે કે કવિ શબ્દસ્થ કરતાં કરતાં પોતાની લાગણીને પામતો હોય છે, જ્યારે એલિયટના સિદ્ધાંતમાં કોઈ ચોક્કસ લાગણી અને પછી એની અભિવ્યક્તિની વાત આવે છે, જે બરાબર નથી. એલિયટની બિનંગત કલા વિશેની માન્યતા પણ લેખકના અને વાચકના મનોવિજ્ઞાનને બાદ કરીને ચાલે છે.

એલિયટના આ વસ્તુગત સહસંબંધકના સિદ્ધાંતને સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં આવતા વિભાવાદિ સામગ્રીના સિદ્ધાંત વિચાર સાથે ઘણી વાર તુલનાત્મક ભૂમિકા પર મૂકવામાં આવે છે. અને આ તુલનાત્મક મૂલ્યાંકન વેળાએ વસ્તુગત સહસંબંધકના સર્જકકેન્દ્રી વિચારને ભાવકાભિમુખ સિદ્ધાંતમાં પરિવર્તિત કરવાનો અને ભાવક- કેન્દ્રી વિભાવાદિ વિચારને સર્જકાભિમુખ સિદ્ધાંતમાં  પરિવર્તિત કરવાનો એક જોખમભર્યો માર્ગ ઊભો થાય છે. આ બંને સંજ્ઞાઓ અલગ અલગ વિવેચન-પરિવેશની છે. બે જુદી જુદી સંસ્કૃતિઓની અને જુદા જુદા ભાષાસાહિત્યની અલગ અલગ મીમાંસાની બહુસ્તરીય સંજ્ઞાઓને વિરોધ કે સામ્યની ભૂમિકા સ્પષ્ટ કર્યા વગર તુલનાત્મક પરિપ્રેક્ષ્યમાં લઈ જઈ શકાય નહિ.

ટૂંકમાં એમ કહી શકાય કે કવિને જે કહેવાનું છે તે ક્રિયા દરમિયાન વસ્તુગત સહસંબંધકો દ્વારા વસ્તુલક્ષી બને છે. કાવ્યની વિભાવાદિ સામગ્રીને રસસિદ્ધાંત ભાવકના સંદર્ભથી તપાસે છે, એ જ સામગ્રીને એલિયટ કવિની ચેતનાના સંદર્ભે ઉપસાવે છે. રસસિદ્ધાંતમાં વાચકનું મનોવિજ્ઞાન છે, તો વસ્તુગત સહસંબંધકમાં લેખકનું મનોવિજ્ઞાન છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા