વસિષ્ઠ મૈત્રાવરુણ : ભારતીય વેદકાળથી જાણીતા ઋષિ. વેદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં વસિષ્ઠ પ્રસિદ્ધ રહ્યા છે. મંત્રદ્રષ્ટા, બ્રહ્મર્ષિ, તત્વજ્ઞાની, સ્મૃતિકાર, વાસ્તુશાસ્ત્રજ્ઞ – એમ અનેક રીતે તેઓ પ્રસિદ્ધ છે. પોતાના તપોબળે તેઓ સપ્તર્ષિમાં સ્થાન પામેલા છે. કર્દમ ઋષિની પુત્રી અરુન્ધતી એમનાં પત્ની હતાં. એમનું દામ્પત્ય આદર્શરૂપ છે. એમના પુત્રોમાં શક્તિ અને પૌત્રોમાં પરાશર વધુ પ્રસિદ્ધ છે. ઋગ્વેદના સાતમા મંડળના તેઓ દ્રષ્ટા છે. આચાર્ય સાયણ એવું નોંધે છે તેમ સાતમું મંડળ એના વિષયવૈવિધ્યથી જાણીતું છે. પિજવનપુત્ર સુદાસના તેઓ પુરોહિત હતા. દાશરાજ્ઞ યુદ્ધમાં તેમણે સુદાસને વિજય અપાવેલો. એમનો વિશ્ર્વામિત્ર સાથેનો સંઘર્ષ પણ, આ યુદ્ધ ઉપરાન્ત, આ મંડળનો વિષય છે. પ્રસિદ્ધ મૃત્યુંજય મંત્ર त्र्यंबकं यजामहे (7/59/12) એ બ્રહ્મર્ષિ વસિષ્ઠનું દર્શન છે. તૈત્તિરીય સંહિતા (7-4-7) જણાવે છે કે વિપાશા નદીને કાંઠે એેમણે તપ કરેલું. તે જગ્યા વસિષ્ઠશિલા તરીકે જાણીતી છે. બૃહદદેવતા(5/149/153)માં એમની જન્મકથા છે. તે મુજબ, મિત્ર અને વરુણ કોઈક યજ્ઞ પ્રસંગે ઉપસ્થિત હતા. ત્યાં ઉર્વશીના દર્શનથી એમનું વીર્ય સ્ખલિત થયું. આમાંનું કેટલુંક ‘વાસતીવર’ કળશમાં પડ્યું, કેટલુંક બહાર. કળશમાં પડ્યું તેમાંથી અગસ્ત્ય પ્રગટ્યા, નીચે ભૂમિ પર પડ્યું ત્યાંથી વસિષ્ઠ. વસિષ્ઠ જન્મતાંની સાથે જ કમળમાં ઊભા રહ્યા. દેવોએ કમળને આધાર આપ્યો. આથી વસિષ્ઠ મૈત્રાવરુણ કહેવાયા. ‘આર્ષાનુક્રમણી’માં નોંધે છે કે વસિષ્ઠ ઋષિને મિત્રાવરુણના પુત્ર જાણવા. આ બૃહદદેવતાની કથા ખગોળીય પ્રાકૃતિક ઘટનાની પ્રતીકાત્મક રજૂઆત છે. ‘શતપથ બ્રાહ્મણ’ આ પ્રતીક બતાવે છે. વર્ષાકાળ થતાં જળભર્યા મેઘ ઈશાનમાં એકઠા થાય અને વરસે, તેનું સૂચન છે. સરસ્વતી નદીને કાંઠે ‘વસિષ્ઠાપવાહ’ નામની જગ્યા એમના વિશ્ર્વામિત્ર સાથેના યુદ્ધનું ઘટનાસ્થળ છે. ‘લિંગપુરાણ’ નામે ઉપપુરાણ છે. તેનું બીજું નામ ‘વસિષ્ઠપુરાણ’ છે. વસિષ્ઠે રામને વેદાન્તનો ઉપદેશ આપેલો. વેદાન્તનો આ પ્રસિદ્ધ ગ્રંથ ‘યોગવાસિષ્ઠ’ છે. એનું બીજું નામ ‘વાસિષ્ઠ મહારામાયણ’ છે. ‘મત્સ્યપુરાણ’ આ ગોત્રપ્રવર્તક બ્રહ્મર્ષિના કુળમાં થયેલા બીજા ઋષિઓનો ક્રમ આપે છે; જેમ કે, ઇન્દ્ર પ્રજાતિ, પરાશર, બૃહસ્પતિ, ભરદ્વસુ, શક્તિ વગેરે. એમનાં સૂક્તિરત્નો આજે પણ એટલાં જ પ્રસ્તુત છે; જેમ કે, ‘ન સ્રેધ્ન્તે રયિર્નશેત્’ (ઋ. 73221) (પ્રમાદી પાસે ધન જતું નથી.) વગેરે.
રશ્મિકાંત પ. મહેતા