વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ. તેના પર વ્યક્તિની પોતાની સહી અને બે સાક્ષીઓની સહી અનિવાર્ય ગણાય છે. આમ પોતાનાં હિત-અહિત વિશે પૂરી સમજણ અને સ્થિર મગજ ધરાવનાર વ્યક્તિ વસિયતનામું કરી શકે છે, પરિણીત નારી પોતાની સ્વતંત્ર મિલકત બાબતમાં વસિયતનામું કરી શકે છે, જે પોતાના કૃત્યનું પરિણામ સમજી શકે એવી બહેરી-મૂંગી-આંધળી વ્યક્તિ પણ વસિયતનામું કરી શકે છે. અસ્થિર મગજનો માનવી જે સમયગાળામાં સ્થિર ચિત્ત ધરાવતો હોય તે ગાળામાં વસિયતનામું કરી શકે છે. પરંતુ જે વ્યક્તિ ગંભીર માંદગીના કારણે શારીરિક નિર્બળતાના કારણસર, કે નશાના કારણે પોતે શું કરે છે એ સમજી શકતી ન હોય તો તેવા સમયગાળામાં વસિયતનામું કરી શકે નહિ. સાચા વસિયતનામાનો આધાર તે કરનારના મુક્ત મન પર અને પોતાનાં હિત-અહિતની સમજણ પર હોવાથી જે વસિયતનામું દગાપૂર્વકની રજૂઆતના કારણે કે દબાણ કે બળજબરીના કારણે અથવા તેના મનને ડગાવી નાખનાર પરિબળ કે લાગવગના કારણે અસ્તિત્વમાં આવ્યું હોય એ રદ ગણાય છે.

કાયદેસરના વસિયતનામા માટે કોઈ ઔપચારિકતા આવશ્યક નથી. સ્ટૅમ્પ કે નોંધણી પણ અનિવાર્ય નથી; પરંતુ વસિયતનામું બનાવટી ઊભું નથી કરવામાં આવ્યું એ દર્શાવવા માટે સ્ટૅમ્પ પેપર પરની તારીખ અને નોંધણીની તારીખ મદદરૂપ થાય છે. વસિયતનામાની સચ્ચાઈ પ્રતિપાદિત કરવા માટે એ વસિયતનામું કરવા માટેનાં કારણોનો અને પ્રવર્તમાન સંજોગોનો તેમજ મિલકત કે મિલકતનો ભાગ અમુક જ વ્યક્તિ કે વ્યક્તિઓને ભવિષ્યમાં આપવા માટેનાં કારણોનો ઉલ્લેખ થાય એ ડહાપણભર્યું થશે. વસિયતનામું બનાવટી ઊભું કરવામાં આવ્યું છે એવી તકરાર કુદરતી વારસો તરફથી ઊભી કરવામાં આવે ત્યારે એવી તકરારના નિરાકરણ માટે વસિયતનામામાં કરવામાં આવેલા ઉલ્લેખો ઘણા ઉપયોગી નીવડે છે.

વસિયતનામાના પ્રકાર : ઉપર દર્શાવેલ સાદા વસિયતનામામાં તે કરનારની સહી કરતાં નજરે જોનાર બે સાહેદોની સહી આવશ્યક હોય છે. આવા એકાદ સાહેદની જુબાની પરથી વસિયતનામું થયું હોવાનું સાબિત થાય છે; પણ એ સાહેદ માત્ર સહીનો જ પુરાવો આપે તો પૂરતું છે, કારણ વસિયતનામામાં શું લખેલું છે એની જાણ એને ન હોય એ બનવાજોગ છે.

આવું વસિયતનામું થયા પછી તે અંગે ખુલાસો કરતો કે ઉમેરો કરતો કે ફેરફાર કરતો બીજો દસ્તાવેજ કરવામાં આવે તો તે દસ્તાવેજને પુરવણીપત્ર કે ‘કોડિસિલ’ કહેવાય છે, અને આવા કોડિસિલને મૂળ વસિયતનામાના ભાગ તરીકે ગણવામાં આવે છે.

યુદ્ધમાં રોકાયેલો સૈનિક કે હવાઈ દળનો કર્મચારી અથવા સમુદ્રમાં ફરજ બજાવી રહેલો નૌકાદળનો સૈનિક જો તે અઢાર વર્ષથી વધારે વયનો હોય તો તે પોતાનું વસિયતનામું કરી શકે છે. એવું વસિયતનામું વિશિષ્ટ અધિકારવાળું વસિયતનામું કહેવાય છે. વસિયતનામું કરવા માટે તેને કેટલીક છૂટછાટ હોય છે : (1) આવું વસિયતનામું લેખિત હોય અથવા મૌખિક પણ હોઈ શકે. જો બે સાહેદોની હાજરીમાં પોતાની મિલકત બાબતનો ઇરાદો જાહેર કરે તો તે મૌખિક વસિયતનામું કહેવાય છે, અને વિશિષ્ટ અધિકારના સંજોગો પૂરા થયા પછી છ માસમાં સૈનિક જીવતો હોય તો મૌખિક વસિયતનામું રદ થાય છે. (2) આવું વસિયતનામું જો તેનો કર્તા જાતે લખે તો તેમાં તેની કે સાહેદોની સહીની જરૂર નથી. જો બીજી કોઈ વ્યક્તિએ લખ્યા પછી કર્તા તેમાં સહી કરે તો સાહેદની સહીની જરૂર નથી. જો તેનો કર્તા વસિયતનામું કરવા માટેની લેખિત સૂચના મૂકી ગયા પછી સહી કરતાં પહેલાં અવસાન પામે તો તે લેખિત સૂચનાને તેનું વસિયતનામું ગણવામાં આવશે. તે જ પ્રમાણે સૈનિકે બે સાહેદોની હાજરીમાં પોતાનું વસિયતનામું બનાવવાની મૌખિક સૂચના આપી હોય અને તે સૂચનાને તેના જીવનકાળ દરમિયાન લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું હોય, પણ તેમાં તેની સહી થાય તે પહેલાં તે અવસાન પામે તો તેની સૂચનાને વસિયતનામા તરીકે ગણવામાં આવશે. ભલે પછી તેને તેની હાજરીમાં લખવામાં કે તેને વાંચી સંભળાવવામાં ન આવ્યું હોય.

વસિયતનામાનું રદ્દીકરણ : વસિયતનામામાં સાહેદ તરીકે સહી કરનારને કે તેની પત્ની કે તેના પતિને કોઈ લાભ આપવામાં આવ્યો હોય કે મરણોત્તર બક્ષિસ આપવામાં આવી હોય તો તે લાભ કે બક્ષિસ રદ ગણાશે. વસિયતનામું કરનારના લગ્નથી વસિયતનામું રદ થાય છે. વળી બીજું વસિયતનામું કે ‘કોડિસિલ’ કરવાથી અથવા મૂળ વસિયતનામાને આગ લગાડવાથી કે ફાડી નાખવાથી તેમજ એ વસિયતનામું રદ કરવાનો ઇરાદો વ્યક્ત કરતું લખાણ, તેમાં વસિયતનામાની માફક પોતાની અને બે સાહેદોની સહી કરવાથી મૂળ વસિયતનામું રદ થાય છે. વસિયતનામામાં છેકછાક કે સુધારો-ઉમેરો કરવો હોય તો હાંસિયામાં કે સુધારા-વધારાની બાજુમાં અથવા વસિયતનામાના અંતે લખાણ કરવાથી થઈ શકે. વિશિષ્ટ અધિકારવાળું વસિયતનામું તેને ફાડી નાંખવાથી કે બાળી નાખવાથી અથવા બીજું સાદું વસિયતનામું કરવાથી રદ થઈ શકે.

વસિયતનામાનું અર્થઘટન : વસિયતનામામાં કોઈ તાંત્રિક કે કલાત્મક શબ્દો વાપરવા જરૂરી નથી, પણ કર્તાના ઇરાદા વ્યક્ત કરે એવા શબ્દો વાપરવા જરૂરી છે. વસિયતનામામાં વાપરેલા શબ્દો કઈ વ્યક્તિ કે મિલકતનો નિર્દેશ કરે છે એ નક્કી કરવા અદાલત પોતાનો હક્ક રજૂ કરતી વ્યક્તિઓ, તેમણે દર્શાવેલી મિલકતો, કર્તા અને એના કુટુંબના સંજોગો તેમજ દરેક સુસંગત હકીકતની વિચારણા કરે છે. વસિયતનામામાં વાપરવામાં આવેલા શબ્દો ઉત્તરદાનાધિકારીને દર્શાવવા કે વર્ણવવા પૂરતા હોય તો તેમાં આપેલાં નામ કે વર્ણનમાં કરવામાં આવેલી ભૂલ એ દાનમાં નડતી નથી. પૂરો અર્થ સમજવા માટે કોઈ મહત્વનો શબ્દ ખૂટતો હોય તો સંદર્ભ અનુસાર તેનું અનુમાન થઈ શકે છે. વસિયતનામામાં આપેલા વર્ણન પરથી ઉત્તરદાનમાં આપવાની મિલકત ઓળખી શકાતી હોય તો એમાંનું કેટલુંક વર્ણન લાગુ ન પડતું હોય તો તે અવગણીને પણ ઉત્તરદાનનો અમલ થઈ શકે છે. વસિયતનામામાં વાપરેલા શબ્દો દ્વિઅર્થી ન હોય, પણ બાહ્ય પુરાવાથી જુદી જુદી વ્યક્તિઓને કે જુદી જુદી મિલકતોને લાગુ પડે એમ હોય તો તેમાંથી કઈ વ્યક્તિને કે મિલકતને એ લાગુ પડે છે એ નક્કી કરવા બાહ્ય પુરાવો ધ્યાનમાં લેવાનો હોય છે. પણ વસિયતનામામાં વાપરેલા શબ્દો જ દ્વિઅર્થી હોય તો કર્તાનો ઇરાદો જાણવા બાહ્ય પુરાવો ધ્યાનમાં લઈ શકાય નહિ. વસિયતનામાનો કોઈ ભાગ સમજવા માટે આખું વસિયતનામું ધ્યાનમાં લેવાય છે. બહોળા અર્થવાળા શબ્દોને કર્તાના ઇરાદા પ્રમાણે મર્યાદિત અર્થમાં લેવામાં આવે છે, અને મર્યાદિત અર્થવાળા શબ્દોને વસિયતનામાના બીજા શબ્દો જોતાં વિશાળ અર્થમાં પણ લઈ શકાય છે. વસિયતનામાના કોઈ પણ ભાગનું વાજબી અર્થઘટન થઈ શકતું હોય તો તે નિરર્થક ગણાતું નથી. વસિયતનામામાં જુદા જુદા ભાગમાં એક જ  પ્રકારના શબ્દો વાપરવામાં આવ્યા હોય તો તેમનો અર્થ એક જ પ્રકારનો કરવામાં આવે છે. વસિયતનામાના કર્તાનો ઇરાદો પૂરેપૂરો અમલમાં આવે એમ ન હોય તોપણ જેટલે અંશે એનો અમલ થઈ શકે એટલો અમલ કરવામાં આવે છે. વસિયતનામામાં વાપરેલ બે કલમો કે દર્શાવેલ બે બક્ષિસો પરસ્પર વિસંગત હોય તો છેવટની કલમ કે બક્ષિસનો અમલ થાય છે. જે વસિયતનામાનો કે ઉત્તરદાનનો કોઈ ચોક્કસ અર્થ ન થતો હોય તો તે રદબાતલ ગણાય છે. વસિયતનામામાં ‘પુત્ર’, ‘બાળક’, ‘પુત્રી’ કે બીજો સગપણવાચક શબ્દ વાપર્યો હોય તો તેનો અર્થ કાયદેસરના સગા તરીકે લેવામાં આવે છે. જે શબ્દો દ્વારા કર્તાએ પોતાની વધારાની કે બાકીની મિલકત અન્ય વ્યક્તિને આપવાનો ઇરાદો વ્યક્ત કર્યો હોય એ શેષ-ઉત્તરદાનાધિકારી ગણાય છે, અને જે જે મિલકતોની વ્યવસ્થા વસિયતનામા દ્વારા કરવામાં ન આવી હોય એ કર્તાના અવસાન વખતે બાકી રહેતી તમામ મિલકત મેળવવા હક્કદાર ગણાય છે. જો ઉત્તરદાનાધિકારી કર્તાના મૃત્યુ પહેલાં અવસાન પામે તો એ ઉત્તરદાનનો અમલ કરવામાં આવતો નથી. જો કોઈ ચોક્કસ વર્ણન કરી ઉત્તરદાન આપવામાં આવે અને કર્તાના અવસાન વખતે તેવા વર્ણનવાળી વ્યક્તિ અસ્તિત્વમાં જ ન હોય તો ઉત્તરદાન રદ થાય છે. અર્થઘટન બાબતની અનેકવિધ જોગવાઈ ભારતીય વારસાઈ અધિનિયમ, 1925ની કલમ 74થી કલમ 111 સુધીમાં કરવામાં આવી છે.

પ્રોબેટ : વસિયતનામાની નકલ પર કર્તાની મિલકતનો વહીવટ કરવા માટેનો અધિકાર અને પ્રમાણપત્ર સક્ષમ અદાલત આપી તેની મુદ્રા (seal) લગાડે તો તે પ્રોબેટ કહેવાય છે. દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશને પ્રોબેટ આપવાની અને રદ કરવાની હકૂમત છે. જે કિસ્સાઓમાં કોઈનો વાંધો ન હોય તેવા કિસ્સાઓમાં સરળ રીતે પ્રોબેટ આપવા માટે જિલ્લા ન્યાયાધીશના પ્રતિનિધિ તરીકે નીચલી અદાલતના ન્યાયાધીશને નીમવામાં આવે છે. જે કિસ્સાઓમાં પ્રોબેટ આપવા સામે કોઈને વાંધો હોય તો તેવા કિસ્સાઓમાં જિલ્લા કક્ષાના ન્યાયાધીશ અરજદારને, તેના સાહેદોને અને વાંધો લેનાર તેમજ તેના સાહેદોને સાંભળીને અને વસિયતનામું સંપૂર્ણપણે વાંચીવિચારીને પ્રોબેટ આપવા કે નહિ આપવાનો નિર્ણય કરે છે. જ્યાં સુધી આવો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી જિલ્લા ન્યાયાધીશ મૈયત કર્તાની મિલકતની જાળવણી કરવા કોઈ અધિકારીની નિમણૂક કરે છે. પ્રોબેટ આપવામાં આવે એટલે વસિયતનામામાં દર્શાવેલી મિલકતોનો વહીવટ કરવાનો સંપૂર્ણ અધિકાર એક્ઝિક્યુટરને મળે છે. પ્રોબેટ માટે કરવામાં આવતી અરજીમાં કર્તાના મરણનો સમય અને તારીખ અને મિલકતનો ઉલ્લેખ કરવામાં આવે છે તેમજ અરજી સાથે જોડવામાં આવેલ વસિયતનામું યોગ્ય રીતે અસ્તિત્વમાં આવ્યું છે અને એ કર્તાનું છેલ્લું વસિયતનામું છે, એવું સોગંદ પર લખવામાં આવે છે. અરજીની નીચે અરજદાર સોગંદપૂર્વક એકરાર કરે છે તેમજ વસિયતનામામાં સાખ પૂરનાર એક સાહેદનો પણ એકરાર લેવામાં આવે છે. કોઈ મૈયત વ્યક્તિએ વસિયતનામું કર્યું છે એવા કારણસર પ્રોબેટ માટેની અરજી કરવામાં આવનાર છે એમ માનીને પ્રારંભથી જ મૈયતની મિલકતમાં રસ કે હિત ધરાવનાર વ્યક્તિ વાંધાઅરજ કે કેવિયેટ કરી શકે છે અને પ્રોબેટ આપતાં પહેલાં એવી વ્યક્તિની રજૂઆત સાંભળવી અને વિચારવી અદાલત માટે આવશ્યક બને છે. વસિયતનામું જે સંજોગોમાં અસ્તિત્વમાં આવ્યું હોય એ સંજોગો શંકાસ્પદ લાગે તો અદાલત ઊંડી તપાસ કરે છે અને ઠીક લાગે તો પ્રોબેટ માટેની અરજી રદ કરે છે. મુંબઈ શહેર, ચેન્નઈ શહેર અને કોલકાતા શહેરની બહાર અન્ય પ્રદેશમાં મૈયત વ્યક્તિની મિલકત બાબતમાં દાવો કરવા માટે પ્રોબેટ રજૂ કરવું ફરજિયાત નથી.

ચિનુપ્રસાદ વૈ. જાની