વલ્લભરાજ (શાસનકાળ : ઈ. સ. 1010) : સોલંકી વંશના રાજવી ચામુંડરાજનો પુત્ર. પિતાની હયાતીમાં જ તે ગાદીએ બેઠો હતો અને આશરે છ માસ સત્તા પર રહ્યો હતો. ‘દ્વયાશ્રય’, ‘વડનગર પ્રશસ્તિ’, ‘પ્રબંધ ચિંતામણિ’ વગેરે ગ્રંથોમાં તેના ઉલ્લેખો થયા છે.

‘દ્વયાશ્રય’ના ટીકાકાર અભયતિલકગણિના જણાવ્યા મુજબ-તીર્થયાત્રા કરવા વારાણસી જઈ રહેલા ચામુંડરાજનાં છત્ર અને ચામર માળવાના રાજાએ લઈ લેવાથી, વલ્લભરાજે માળવા પર ચડાઈ કરી. વલ્લભરાજના માળવા પરના આક્રમણનો ઉલ્લેખ ‘સુકૃત સંકીર્તન’, ‘કીર્તિકૌમુદી’, ‘સુકૃતકીર્તિકલ્લોલિની’ વગેરે ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. આ યુદ્ધ વખતે વલ્લભરાજને એકાએક શીતળાનો રોગ થયો. આરંભમાં તેનું નિદાન થઈ શક્યું નહિ. અંતિમ સમયે તેણે પોતાના સેનાપતિ તથા મંત્રીઓને સૈન્ય સહિત પાટણ પાછા ફરવા જણાવ્યું અને તે અવસાન પામ્યો. ચામુંડરાજને તે જાણી દુ:ખ થયું.

વલ્લભરાજ ‘જગત-ઝંપણ’ તરીકે જાણીતો થયો હતો. એ ઉપરથી દુશ્મનો સામે કૂદી પડવામાં ઝડપી હોવાનું ફલિત થાય છે. વલ્લભરાજ ‘મદનશંકર’ તરીકે પણ ઓળખાતો હતો. તેના પછી ગાદીએ બેસનાર તેના ભાઈ દુર્લભરાજે વલ્લભરાજના શ્રેયાર્થે ‘મદનશંકર-પ્રાસાદ’ બંધાવ્યો હતો.

જયકુમાર ર. શુક્લ