વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ

January, 2005

વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ : 1890માં સૂરતના જિલ્લા-કલેક્ટરે સૂરતમાં સ્થાપેલું મ્યુઝિયમ. આ ઉત્સાહી કલેક્ટરે સૂરત, વલસાડ અને ડાંગ જિલ્લામાંથી એકઠાં કરેલ પ્રણાલિકગત કાપડ, કિનખાબ, વસ્ત્રો, ધાતુનાં પાત્રો, ચિનાઈ માટીનાં અને કાચનાં વાસણો, વાંસમાંથી બનાવેલ ચીજવસ્તુઓ, સાગ અને સીસમમાંથી બનાવેલ રાચરચીલાં, શિલ્પો, જૂનાં ચિત્રો અને પુસ્તકો, સંગીતનાં વાદ્યો, સિક્કા, ઘરેણાં, ટપાલખાતાની ટિકિટો આ મ્યુઝિયમમાં મૂકવામાં આવેલ છે. ઓગણીસમી સદીના સૂરત જિલ્લાની હસ્ત-કલાકારીગરીનો; ત્યાંના ઉદ્યોગો, સંસ્કાર, સંસ્કૃતિ અને જીવનપદ્ધતિનો તથા આદિવાસી જીવનનો સમગ્રતયા ચિતાર આ મ્યુઝિયમ જોતાં આવે છે. આ રીતે આ મ્યુઝિયમને લોકજીવન અંગેનું (anthropological) મ્યુઝિયમ ગણી શકાય.

કલેક્ટર વિન્ચેસ્ટરે 1890માં સ્થાપના સમયે આ મ્યુઝિયમનું નામાભિધાન ‘વિન્ચેસ્ટર મ્યુઝિયમ’ તરીકે કરેલું. મૂળમાં વિક્ટોરિયા ગાર્ડન(હવે ગાંધીબાગ)ના એક છેડે આવેલા આ મ્યુઝિયમને તાપી નદીના પૂરના પાણીથી બચાવવા 1956માં સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશને તેના મૂળ મકાનમાંથી ખસેડી લઈ સૂરતના ચૉક બજારના એક મકાનમાં ગોઠવ્યું. 1957માં આ નવા મકાન ખાતે તત્કાલીન રેલવે-મંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ તેનું ઉદ્ઘાટન કર્યું અને તેને નવું નામ ‘વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ’ આપ્યું. 1987 પછી સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશને નવી વસ્તુઓ ભેટ આપીને આ મ્યુઝિયમની સમૃદ્ધિમાં વધારો કર્યો છે.

અમિતાભ મડિયા