વલ્લભ વિદ્યાનગર : આણંદ જિલ્લામાં આવેલું આગળ પડતું વિદ્યાધામ. ભૌગોલિક સ્થાન : 22° 33´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે.. તે ચરોતર પ્રદેશનું નવું વિકસેલું અનેક રીતે વિશિષ્ટ પ્રકારનું નગર છે. તે આણંદ, મોગરી, કરમસદ અને બાકરોલની સીમાઓની વચ્ચેના મેદાની ભાગમાં વસેલું છે. ભારતના લોખંડી રાજપુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની યાદગીરી જાળવવા આ નગરને ‘વલ્લભ વિદ્યાનગર’ નામ આપવામાં આવ્યું છે. આ નગરના વિકાસમાં ભાઈકાકાનો મહત્વનો ફાળો છે.

વલ્લભ વિદ્યાનગરની સ્થાપના માટે બે મંડળો રચાયાં હતાં : (1) ચારુતર વિદ્યામંડળ અને (2) ચરોતર ગ્રામોદ્ધાર સહકારી મંડળ લિમિટેડ. વિદ્યામંડળ આ નગરની શૈક્ષણિક પાંખની કાળજી રાખે છે, જ્યારે ગ્રામોદ્ધાર મંડળ શિક્ષણસંસ્થાઓને માટે તેમજ નગર માટે જરૂરી વેપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે.

વલ્લભ વિદ્યાનગરનો મૂળ વિસ્તાર 9.11 હેક્ટર હતો. તે પૈકી આશરે 3 હેક્ટર જમીન કેળવણી અને ગ્રામોદ્ધારની પ્રવૃત્તિઓ માટે છે. આ નગરની રચનાનો પ્રારંભ ઈ. સ. 1945ના જૂન માસથી થયો હતો. વલ્લભ વિદ્યાનગરને સ્વતંત્ર નગર તરીકે 1-8-1952ના રોજ સરકારે જાહેર કર્યું હતું. 1955માં સરદાર વલ્લભભાઈ ગ્રામવિદ્યાપીઠ અસ્તિત્વમાં આવી.

આ વિદ્યાપીઠનો પરિસર (campus) હાલ 500 એકર જેટલો છે. તેમાં વિવિધ કૉલેજો, ફાર્મહાઉસ, છાત્રાલયો, પ્રયોગશાળાઓ તથા નગરજનોના વસવાટનો સમાવેશ થાય છે. અહીં વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય અને ઇજનેરી કૉલેજો, તકનીકી વિષયો શીખવતું વિવિધલક્ષી વિદ્યાલય, જયકૃષ્ણ ઇન્દ્રજી વર્મા બૉટનિકલ સંગ્રહસ્થાન, પુરાતત્વીય સંગ્રહસ્થાન વગેરે જેવી અનેક સંસ્થાઓ છે. આ ઉપરાંત, આણંદની ખેતીવાડી કૉલેજ અને બાલમંદિરથી ઉચ્ચ શિક્ષણ આપતી કૉલેજો પણ છે.

ફાઉન્ડ્રી-વર્કશૉપ, લાકડાં વહેરવાની મિલ, કૅબલનું કારખાનું, છાપખાનું વગેરેનું સંચાલન ગ્રામોદ્ધાર સહકારી મંડળી દ્વારા થાય છે. અહીં લાદી, હ્યુમ પાઇપ, વીજળીના સિમેન્ટના થાંભલા, સાબુ, શાહી, કંકુ બનાવવાના ગ્રામ તેમજ લઘુ ઉદ્યોગો પણ ચાલે છે. આ મંડળી ઇજનેરી સગવડો, પ્રયોગશાળાની સગવડો આપવા ઉપરાંત જમીનોનું પૃથક્કરણ, જળચકાસણી જેવાં કામ પણ સંભાળે છે.

સરદાર પટેલની પ્રતિમા

1954માં આ નગરની વસ્તી જે માત્ર 3,000ની હતી, તે 1991માં 21,366 જેટલી થઈ છે, તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે. વસ્તીના આશરે 80 % લોકો શિક્ષિત છે. અહીં નજીકમાં જ વિઠ્ઠલ ઉદ્યોગ નગર છે, તેની વસ્તી માત્ર 684 જ છે, તેમાં વિવિધ ઉદ્યોગોનાં કારખાનાં છે.

વલ્લભ વિદ્યાનગરમાં બે પ્રાથમિક શાળાઓ, ચાર માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ભારત સરકારની સેન્ટ્રલ સ્કૂલ, ટૅકનિકલ શાળા, બે વિનયન, બે વાણિજ્ય, બે વિજ્ઞાન-કૉલેજો, એક ઇજનેરી કૉલેજ, એક પૉલિટૅકનિક, એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ, એજ્યુકેશન કૉલેજ, સ્થાપત્ય-સંસ્થા અને એક ગૃહવિજ્ઞાનની કૉલેજ છે. ગ્રામ વિદ્યાપીઠનું પુસ્તકાલય ખૂબ સમૃદ્ધ છે. આ સિવાય ખાનગી મંડળો દ્વારા ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે.

વલ્લભ વિદ્યાનગર આણંદથી માત્ર 5 કિમી.ને અંતરે આવેલું છે. તે આણંદખંભાત બ્રૉડગેજ રેલમાર્ગનું મથક છે. આણંદ સાથે જોડતો પાકો રસ્તો પણ છે. રાજ્ય-પરિવહન માર્ગની બસો દ્વારા તે ગુજરાતનાં મહત્વનાં શહેરો-નગરો સાથે જોડાયેલું છે. તાર, ટપાલ, ટેલિફોન, વીજળી, હૉસ્પિટલ તથા નળ-ગટરની સુવિધાઓ અહીં પૂરતી છે.

વિદ્યાનગર મર્કેન્ટાઇલ સહકારી બૅન્ક, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બૅંક, યુનિયન બૅંક, બૅંક ઑવ્ ઇન્ડિયા, બૅંક ઑવ્ બરોડા અને યુકો બૅંકની અહીં સહકારી તેમજ અનેક રાષ્ટ્રીય બકોની વિવિધ શાખાઓની સગવડ છે, તે અહીંના વેપાર-ઉદ્યોગોને સહાય કરે છે. અહીં રામકૃષ્ણ અને ઓમકારેશ્વરનાં બે ભવ્ય મંદિરો પણ છે.

શિવપ્રસાદ રાજગોર