વલસાડ (જિલ્લો) : ગુજરાત રાજ્યની દક્ષિણ સીમા પર આવેલો સરહદી જિલ્લો. ભૌગોલિક સ્થાન : આશરે 20° 07´થી 20° 46´ ઉ. અ. અને 72° 43´થી 73° 30´ પૂ. રે. વચ્ચેનો ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવસારી જિલ્લો, પૂર્વ તરફ મહારાષ્ટ્ર સાથેની આંતરરાજ્યસીમા, દક્ષિણ તરફ દાદરા-નગરહવેલી અને મહારાષ્ટ્ર સાથેની આંતરરાજ્યસીમા તથા પશ્ચિમ તરફ દમણ અને અરબી સમુદ્ર આવેલાં છે. જિલ્લામથક વલસાડ જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે. રાજ્યનું તેમજ જિલ્લાનું છેક દક્ષિણે આવેલું મહત્વનું ગામ ઉમરગામ છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાના ભૂપૃષ્ઠના બે સ્પષ્ટ પ્રાકૃતિક વિભાગો પાડી શકાય છે : (i) પૂર્વનો પહાડી પ્રદેશ : તે ધરમપુર અને કપરાડા તાલુકાઓનો મોટો ભાગ આવરી લે છે. અહીં સાગ અને વાંસનાં ગીચ જંગલો આવેલાં છે. દક્ષિણ તરફ સહ્યાદ્રિનો પહાડી પ્રદેશ આવેલો છે. (ii) પશ્ચિમનો કાંપનો ફળદ્રૂપ મેદાની પ્રદેશ : ઔરંગા અને પાર નદીઓએ અહીંની જમીનોને ખેતીયોગ્ય ફળદ્રૂપ બનાવેલી છે. જિલ્લામાં દરિયાકાંઠા તરફની જમીનો ખારવાળી છે, મધ્યભાગમાં તે ક્યારી પ્રકારની છે, જ્યારે પૂર્વ તરફની જમીનો કાંકરીયુક્ત ગોરાડુ પ્રકારની છે.

વલસાડ જિલ્લો

ધરમપુર પાસે સહ્યાદ્રિની અગ્નિ-ધાર આવેલી છે. ત્યાં ટેકરીઓની બે હારમાળાઓ ચાલી જાય છે. ઉમરગામ તાલુકામાં ઇન્દ્રગઢ, જોગમેડો અને ટાલિયો ડુંગરો આવેલા છે. ધરમપુર તાલુકામાં અજમગઢ, પીળવો, તોરણિયો, બરડો, ગારબરડો, કુંભઘાટ, પિંડવણ, એસ્ટોલ, નિમલો, તુમલો અને મોહનગઢના ડુંગરો આવેલા છે. પારડી તાલુકામાં બગવાડા, અર્જુનગઢ અને મોતીવાડાના ડુંગરો તથા વલસાડ તાલુકામાં પારનેરા(150 મીટર)નો ડુંગર તેમજ બીજી ટેકરીઓ જોવા મળે છે. જિલ્લાની આશરે 85 % કપાસની કાળી જમીનો ડેક્કન ટ્રૅપના ખડકોના ઘસારામાંથી બનેલી છે.

ઔરંગા, દમણગંગા અને પાર અહીંની મુખ્ય નદીઓ છે. જિલ્લાની બધી જ નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રમાં ઠલવાય છે. જિલ્લાની નદીઓએ અહીં ઠીક ઠીક જાડાઈનો કાંપનો થર જમા કરેલો છે.

જિલ્લાની નદીઓમાં ભરતીનાં પાણી ભરાય ત્યારે વહાણો નદીનાળાં વિભાગમાં આવી શકે છે. કાંઠાના વેપાર અને માછીમારી માટે અહીંની નદીઓ ઉપયોગી છે.

આબોહવા : જિલ્લો અરબી સમુદ્રને કાંઠે આવેલો હોવાથી તે ગરમભેજવાળી મોસમી આબોહવા ધરાવે છે. ઉનાળાશિયાળાનાં તાપમાનમાં પૂર્વના પહાડી પ્રદેશને બાદ કરતાં ઝાઝો તફાવત જોવા મળતો નથી. જૂન 15થી સપ્ટેમ્બર 15 દરમિયાન અહીંથી પસાર થતા નૈર્ઋત્યના ભેજવાળા પવનો 1,500થી 2,000 મિમી. જેટલો મધ્યમસરનો વરસાદ આપે છે. મે માસમાં સરેરાશ મહત્તમ-લઘુતમ તાપમાન 33° સે. અને 26° સે. તથા જાન્યુઆરીનું સરેરાશ મહત્તમ-લઘુતમ તાપમાન 29° સે. અને 15° સે. જેટલાં રહે છે.

વનસ્પતિ : ધરમપુર તાલુકામાં સાગ, નીલગિરિ, ખેર અને સીસમ; દરિયાકિનારે તાડ અને નાળિયેરી, જેવાં વૃક્ષો તથા જિલ્લાના અંદરના ભાગોમાં કેળ, ચીકુ, આંબા અને પપૈયાંની વાડીઓ આવેલી છે. બાવળ, ખાખરો, આમલી અને ઘાસ આખાય જિલ્લામાં થાય છે.

ખેતી : અહીંની કાળી અને ક્યારીની જમીનોમાં રોકડિયા પાકોનું તથા ગોરાડુ જમીનોમાં ખાદ્ય પાકોનું વાવેતર થાય છે. કાંપના મેદાની પ્રદેશમાં આંબા અને ચીકુનાં ફળાઉ વૃક્ષો ઉગાડાય છે. મુખ્ય ખાદ્ય પાકોમાં ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, રાગી, કોદરા અને તુવેર તથા રોકડિયા પાકોમાં મરચાં, શેરડી, મગફળી, તલ, કપાસ, કેરી અને ચીકુનો સમાવેશ થાય છે. ઘઉં, ડાંગર, શેરડી, મરચાંની ખેતી સિંચાઈની મદદથી; જ્યારે બાકીના પાકો વરસાદ તથા કૂવાનાં પાણીથી થાય છે.

પશુપાલન : ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બૅંકરાં, ઊંટ, ઘોડા-ટટ્ટુ, ડુક્કર, મરઘાં-બતકાં અહીંનાં મુખ્ય પાલતુ પ્રાણીઓ છે. જિલ્લામાં પશુઓની સુરક્ષા-સારવાર માટે પશુદવાખાનાં, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો અને પ્રાથમિક સારવાર-કેન્દ્રો વિકસાવાયાં છે. જિલ્લામાં દૂધનું ઉત્પાદન વિશેષ થતું હોવાથી દૂધમંડળીઓ પણ ઊભી થયેલી છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં રંગ-રસાયણોરાસાયણિક પેદાશો, ઔષધિઓ અને કાગળ-કાગળની પેદાશોના એકમો મુદ્રણ-પ્રકાશનકામના, અધાતુપેદાશો, યંત્રસામગ્રી, ઓજારો, રબર-પ્લાસ્ટિકની પેદાશો, લાકડાં અને કાષ્ઠકામના એકમો, માટીકામ અને સિમેન્ટના એકમો વિકસેલા છે. વલસાડ ગુજરાત રાજ્યનું કેરી ઉદ્યોગનું મુખ્ય મથક ગણાય છે. અહીં ખોખાંઓમાં કેરી તથા હવાચુસ્ત ડબ્બાઓમાં કેરીનો રસ પૅક કરી બહાર મોકલાય છે. વલસાડ ખાતે જિલ્લા ઔદ્યોગિક મથક (1978) સ્થપાયેલું છે. તે નવા સાહસિકોને ધિરાણ આપે છે. જી. આઇ. ડી. સી.ની ઔદ્યોગિક વસાહતો અહીંનાં મુખ્ય મથકો ખાતે સ્થપાઈ છે. વલસાડ એ જિલ્લાનું મહત્વનું ઔદ્યોગિક મથક છે. આ જિલ્લો રાજ્યના મીઠાના અને કાગળના કુલ ઉત્પાદનનો 10 % જેટલો હિસ્સો આપે છે. જિલ્લામાં રંગ-રસાયણોના કાચા માલની, કૃત્રિમ ખાતર, ઍલ્યુમિનિયમ, જરૂરી યંત્રસામગ્રી, વગેરેની આયાત તથા રંગ, રાસાયણિક પેદાશો, લેમિનેટેડ શીટ, છતનાં નળિયાં, ખાંડ, કેરી, ચીકુ, શેરડી, ઍલ્યુમિનિયમની પેદાશો, ઘાસની ગાંસડીઓ, કાગળ-કાગળની પેદાશો, બૉબિન વગેરેની નિકાસ કરવામાં આવે છે. અહીંનું રંગ-રસાયણો-ઔષધિઓનું ઉત્પાદન કરતાં કારખાનાં વલસાડ અને અતુલ ખાતે આવેલાં છે. સાગી લાકડાંનો ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. ધિરાણ અને નાણાંની લેવડદેવડ માટે વાણિજ્ય અને સહકારી બૅંકોની સગવડ છે.

પરિવહન : રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 વલસાડ, પારડી અને ઉદવાડામાં થઈને પસાર થાય છે. અમદાવાદ-મુંબઈ જતો બ્રૉડગેજ રેલમાર્ગ વલસાડમાં થઈને જાય છે. વલસાડ આ જિલ્લાનું વહીવટી મથક હોઈ તે નવસારી, ડાંગ, સુરત તથા મહારાષ્ટ્રનાં નજીકનાં મુખ્ય શહેરો સાથે સડકમાર્ગોથી સંકળાયેલું છે.

પ્રવાસન : અરબી સમુદ્રને કાંઠે રમણીય રેતપટ ધરાવતું તીથલ વિહારધામ તરીકે જાણીતું છે. રજાઓ ગાળવા અને સમુદ્રિકિનારાની મોજ માણવા અહીં લોકોની અવરજવર રહે છે. સંજાણ અને ઉદવાડા ખાતે પારસીઓની વસાહતો છે. ઉદવાડા ખાતે પારસીઓનું ધર્મસ્થાનક આવેલું છે. ત્યાં જળાશયો પણ છે.

દાંડી સ્મારક સંગ્રહાલય

વસ્તી : 2001 મુજબ વલસાડ જિલ્લાની વસ્તી 14,10,680 જેટલી છે; તે પૈકીની આશરે 10 % (1,45,650) વસ્તી વલસાડ શહેરમાં વસે છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 75 % અને 25 % જેટલું છે. જિલ્લામાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુ, મુસ્લિમ, જૈન અને પારસીઓની સંખ્યા વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ લોકો ઓછા છે. સાક્ષરતાનું સરેરાશ પ્રમાણ 50 % જેટલું છે. પ્રાથમિક શાળાથી માંડીને કૉલેજ સુધીનું ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓની સગવડ તેમજ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. હૉસ્પિટલો, ચિકિત્સાલયો, પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો-ઉપકેન્દ્રો, બાળકલ્યાણકેન્દ્રો, પ્રસૂતિગૃહો, કુટુંબનિયોજન-કેન્દ્રોની સગવડો પણ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને પાંચ તાલુકાઓ-વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા-માં વહેંચેલો છે. તેમનાં તાલુકામથકો તે તે સ્થળે જ આવેલાં છે.

ઇતિહાસ : ભારત સ્વતંત્ર થયા બાદ વલસાડના વિસ્તારનો સમાવેશ સૂરત જિલ્લામાં કરવામાં આવેલો; પરંતુ 1964માં જૂનની પહેલી તારીખે વલસાડનવસારીનો સમાવેશ કરતા દક્ષિણ વિભાગને અલગ કરી વલસાડ જિલ્લાની રચના કરવામાં આવેલી, ત્યારે તેમાં સૂરતના તત્કાલીન 8 તાલુકાનો વલસાડ જિલ્લામાં સમાવેશ કરેલો. ત્યારબાદ ઑક્ટોબર 1997માં વલસાડ જિલ્લાનું વિભાજન કરી. વલસાડ જિલ્લાના 4 તાલુકાઓને અલગ કરી, જલાલપોરનો નવો તાલુકો રચી, કુલ પાંચ તાલુકાઓનો નવસારી જિલ્લો રચવામાં આવેલો છે.

વલસાડ (શહેર) : વલસાડ જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 20° 37´ ઉ. અ. અને 72° 54´ પૂ. રે. પર ઔરંગા અને વાંકી નદીને કાંઠે દરિયાકિનારાથી 4.5 કિમી. દૂર વસેલું છે. તે સૂરતથી દક્ષિણે 65 કિમી.ને અંતરે અને મુંબઈથી ઉત્તરે 185 કિમી.ને અંતરે આવેલું છે.

વલસાડનું જૂનું મૂળ નામ ન્યગ્રોધપુર (ન્યગ્રોધ એટલે વડ) હતું. અહીં કદાચ વડ અને સાલનાં વૃક્ષોનાં જૂથ કે જંગલ હશે; એટલે ‘વટસાલ’ ઉપરથી ‘વલસાડ’ અપભ્રંશ થયું હોય એમ જણાય છે.

અહીંના ઉદ્યોગોમાં તેલ-મિલો, ડાંગર ભરડવાની મિલો, દાળ-મિલો, લાકડાં વહેરવાની મિલો, હીરા ઘસવાનાં કારખાનાં, બ્રેડ-બિસ્કિટકેકના પ્રક્રમણના એકમો, જરીભરતના એકમો અને પાવરલૂમનાં કારખાનાંનો સમાવેશ થાય છે. વલસાડની ઔદ્યોગિક વસાહતમાં ઇજનેરી; પ્લાસ્ટિક, રબર અને તેની પેદાશો; મિશ્રધાતુઓ, રસાયણો, વીજળીનાં સાધનો તથા યંત્રો(કાપડ માટેનાં)નાં કારખાનાંનો સમાવેશ થાય છે. વલસાડના ઘણા લોકો આ ઉદ્યોગોમાં રોકાયેલા છે. અહીંના દરિયાકિનારે વહાણો બાંધવા માટેનો જહાજવાડો પણ છે.

કૃષિપેદાશો, માછીમારી અને જંગલની પેદાશો આધારિત અહીં કેટલાક લઘુઉદ્યોગો પણ વિકસ્યા છે. તેમાં રંગ, પ્લાસ્ટિક, ખાદ્યપ્રક્રમણ, ધાતુની ચીજ-વસ્તુઓ, વીજળીનાં સાધનો, ફાઉન્ટન પેનો-બૉલપેનો, વગેરેના એકમોનો વિકાસ થયો છે. આ ઉપરાંત, જિન-પ્રેસ, તેલમિલો, ડાંગરની મિલ, લાકડાં વહેરવાની મિલ, ઇજનેરી એકમો, ઈંટોટાઇલ્સના એકમો, બરફનાં અને સિરેમિક્સનાં કારખાનાં, કાગળ, રબર, પ્લાસ્ટિક અને રસાયણોનાં કારખાનાં, સિમેન્ટ, પથ્થરનાં કારખાનાં અહીં આવેલાં છે. વળી પરંપરાગત જરીભરત; મોચીકામ, કાગળની કોથળીઓના એકમો કુટિર(ગૃહ)ઉદ્યોગમાં ગણાય છે.

આ શહેરમાંથી બ્રૉડગેજ રેલમાર્ગ પસાર થાય છે. કાચા-પાકા માર્ગો પણ અહીંથી પસાર થાય છે. અહીંના બંદર પર વહાણોની અવરજવર રહે છે. વલસાડ બંદરે જેટી અને વ્હાર્ફ છે, 50 ટનનાં વહાણો જેટી સુધી પહોંચી શકે છે. અહીંથી ગોળ, કેરી, ચોખા અને લાકડાંની નિકાસ તથા વિલાયતી નળિયાં, તેલ, બાજરો, મગફળી, બેન્ટોનાઇટ, ચૂનાખડક, ડુંગળીની આયાત થાય છે. વલસાડથી ધરમપુર થઈને નાસિક જતો રાજ્ય-ધોરીમાર્ગ પણ આવેલો છે. વલસાડ શહેર જિલ્લાનાં તાલુકામથકો તથા ગુજરાતનાં મહત્વનાં શહેરો સાથે રાજ્ય પરિવહનની બસોથી સંકળાયેલું છે. વલસાડ અને ડાંગ જિલ્લાઓનું લાકડાનું મોટું પીઠું વલસાડ ખાતે આવેલું છે. અહીંના માર્કેટ-યાર્ડમાં ધાન્યપાકો તેમજ ફળોનું મોટું પીઠું આવેલું છે. નાના-મોટા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોની સગવડો સચવાય તે માટે બૅંકોની શાખાઓની સુવિધા પણ છે.

જ્યોતિ મિનારો, વલસાડ

શહેરમાં પ્રાથમિક શાળાઓ; માધ્યમિક શાળાઓ; વાણિજ્ય, વિનયન, વિજ્ઞાન અને કાયદાની કૉલેજો; પૉલિટેક્નિક અને મહાત્મા ગાંધી પુસ્તકાલય છે. વલસાડ જિલ્લામથક હોવાથી અહીં સરકારી ખાતાંની વિવિધ કચેરીઓ, દવાખાનાં, તાર-ટપાલ-ટેલિફોન વિભાગનાં કાર્યાલયો; ટાઉનહૉલ તેમજ ઓપન એર થિયેટર આવેલાં છે.

શહેરમાં હિન્દુ-જૈન-પારસીઓ, ખ્રિસ્તીઓનાં ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે. વાર-તહેવારે અને વિશિષ્ટ ઉત્સવોના દિવસોએ અહીં મેળા ભરાય છે. શહેરમાં બે તળાવો છે. નજીકમાં પારનેરાની ટેકરી ખાતે ભગ્ન કિલ્લો તથા તીથલનું પ્રવાસધામ આવેલાં છે. વલસાડ શહેરની વસ્તી 1,45,650 (2001) જેટલી છે.

શિવપ્રસાદ રાજગોર, ગિરીશભાઈ પંડ્યા