વલી ગુજરાતી (જ. ?; અ. 1720થી 1725 વચ્ચે) : સત્તરમા-અઢારમા સૈકાના પ્રખ્યાત ઉર્દૂ ગઝલકાર. તેમની કવિતાએ ભાષા તથા વિષય બંને રીતે ઉર્દૂ કવિતાના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. તેમનું વતન ગુજરાત હતું કે ઔરંગાબાદ તે બાબતમાં ચરિત્રકારો તથા વિવેચકોમાં વર્ષોથી મતભેદ હોવા છતાં, ઉર્દૂ કવિતા ઉપર પડેલી તેમની અવિસ્મરણીય છાપ બાબતમાં બેમત નથી. વલી મુહમ્મદ ‘વલી ગુજરાતી’એ એક તરફ ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતની પ્રાચીન ઉર્દૂ પરંપરાઓ અને બીજી તરફ ફારસી ભાષાની પરંપરાઓનો એવો સુમેળ સાધ્યો હતો કે તેનાથી ઉર્દૂ ભાષા અને તેની કવિતાનું કલેવર બદલાઈ ગયું. વલીના યોગદાનના મહત્વને સમજવા માટે તેની ભૂમિકા ઉપર નજર નાખવી જરૂરી છે. પહેલાં ઉર્દૂ ભાષા અને કવિતાનાં જુદાં જુદાં રૂપ હતાં, જેવાં કે હિન્દવી, ગૂજરી, દક્કની, ઉર્દૂએ મુઅલ્લા વગેરે. આવાં પ્રાદેશિક અને ભિન્ન સ્વરૂપોનાં સ્થાને વલીએ ભાષા તથા શૈલીનું એક નવું મિશ્ર સ્વરૂપ વિકસાવ્યું, જે પ્રારંભમાં ‘રેખ્તા’ કહેવાયું. આ રેખ્તા સ્વરૂપની ભાષા તથા કવિતા, પ્રાદેશિક સ્વરૂપોના સ્થાને દેશવ્યાપી ધોરણે આવકાર પામી. આ સ્વરૂપની ભાષાનું મુખ્ય લક્ષણ એ છે કે તે ભારતીય શબ્દભંડોળના પાયા ઉપર ફારસી કવિતાના નવીન અને તાજા વિચારોને વ્યક્ત કરે છે. ઉર્દૂ ભાષા અને કવિતાના આ સરળ અને સૌને સમજાય તથા રસ પડે એવા સ્વરૂપનો પાયો નાખનારા સૌપ્રથમ કવિ વલી ગુજરાતી હતા; તેથી તેમને ‘ઉર્દૂ કવિતાના બાવા આદમ’ કહેવામાં આવે છે. વલીએ ઉર્દૂ કવિતામાં વિચાર તથા શૈલીની એવી તાજગી તથા અસરકારકતા અને એવું બળ તથા આકર્ષણ જમાવ્યાં કે તેમના પછીના કવિઓ માટે તે માર્ગદર્શક બની રહી. વિશેષ કરીને ઉર્દૂ ગઝલને તેમણે વળાંક આપીને લોકપ્રિય બનાવી છે તે તેમની સૌથી મોટી બાબત છે. અમદાવાદના ખ્યાતનામ સૂફી સંત હજરત શાહ વજિહુદ્દીન અલવી(અ. 1589)ના ઉચ્ચ ખાનદાન સાથે સંબંધ રાખનાર વલી અસામાન્ય પ્રતિભા ધરાવતા હતા. તેમણે દક્ષિણમાં ઔરંગાબાદ સુધી અને ઉત્તરમાં દિલ્હીનો પ્રવાસ ખેડ્યો હતો. તેમણે ખાસ કરીને દિલ્હીના તે સમયના કવિઓ, લેખકો, વિદ્વાનો તથા તજ્જ્ઞો સાથે ચર્ચાવિચારણા અને વિચારોની આપલે કરી હતી. આથી એમ કહી શકાય કે વલીએ સમકાલીન ઉર્દૂ ભાષાની જુદી જુદી પરંપરાઓનો અભ્યાસ કરીને તથા તે સમયની પરિસ્થિતિનું નજીકથી અવલોકન કરીને અને ઉર્દૂ ભાષા તથા કવિતાના ભવિષ્યનો વિચાર કરીને સમજણપૂર્વક એક નવી પરંપરાનું સર્જન કર્યું હતું. તેમના અથાગ પરિશ્રમનું જે ફળ આવ્યું તેનો રસાસ્વાદ, તેનું અનુકરણ બસો વર્ષથી લોકો અને કવિઓ સતત કરતા આવ્યા છે. તેમની ભાષાની નવીનતા અને અસરકારકતાનો ખ્યાલ

‘જિસે ઇશ્ક કા તીર કારી લગે

ઉસે જિંદગી ક્યું ન ભારી લગે’

જેવી અનેક કાવ્યપંક્તિઓ ઉપરથી આવી શકે છે.

વલીએ અમદાવાદના સૂફી સંત હજરત શાહ વજિહુદ્દીન અલવીની ખાનકાહના મદ્રેસામાં શેખ નૂરૂદ્દીન સુહરવર્દી પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શાયરીમાં તેઓ શાહ ગુલશનના શાગિર્દ હતા. વલીએ પોતાનાં કાવ્યોનો સંગ્રહ તૈયાર કર્યો હતો; આ ‘દીવાને વલી’ જ્યારે દિલ્હી પહોંચ્યો તો ત્યાં સાહિત્યિક વર્તુળોમાં તેને સર્વત્ર આવકાર મળ્યો. એમ કહેવાય છે કે તે સમયે તેમના દીવાનની તૈયાર થયેલી હસ્તપ્રતો ઉત્તર ભારતમાં ઠેર ઠેર મળે છે, જે તેમની લોકપ્રિયતા સૂચવે છે. ગુજરાતના કોઈ કવિને વલી જેટલી રાષ્ટ્રવ્યાપી ખ્યાતિ નથી મળી શકી. વલીના શાગિર્દોમાં અશરફ, રઝી તથા સના નામના ત્રણ કવિઓનાં નામ મળે છે. વલીનું મિત્રવર્તુળ ઘણું મોટું હતું. તેમના કેટલાક મુસ્લિમ મિત્રોનાં નામ આ પ્રમાણે છે : સૈયદ મઆલી, શમ્સુદ્દીન, સિરાજ, કામિલ, અકમલ, મુહમ્મદ મુરાદ અને મુહમ્મદ પારખાન. પોતાના જે મિત્રોનો ખાસ ઉલ્લેખ તથા તેમની પ્રશંસા વલીએ કવિતામાં કરી છે તેમાંથી અમૃતલાલ, ગોવિંદલાલ, ખેમદાસ, વિનોદ વગેરે નોંધપાત્ર છે. અમૃતલાલનો ઉલ્લેખ એક પંક્તિમાં નીચે પ્રમાણે મળે છે :

                ‘શમ્સ બઝમ વફા હૈ અમૃતલાલ

                સર્વ બાગ અદા હૈ અમૃતલાલ.’

વલીના કાવ્યસંગ્રહની એક હસ્તપ્રત અમદાવાદની ભોળાનાથ જેશંગભાઈ લાઇબ્રેરી(બી. જે. ઇન્સ્ટિટ્યૂટ)માં છે. તેમનો દીવાન અનેક વખત છપાઈને પ્રકાશન પામ્યો છે. વલીએ અમદાવાદની એક સંસ્થા-મદ્રસએ હિદાયત બક્ષ-નો પરિચય કરાવતો એક લેખ ફારસી ભાષામાં લખ્યો હતો, જે ‘નૂર-અલ-મઆરિફત’ નામે પ્રગટ થયેલ છે. તેમનો મકબરો  ચીની પીરના મકબરા નામનો  અમદાવાદના શાહીબાગમાં હતો.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી