વલસંગકર, વ્યંકટેશ શામરાવ

January, 2005

વલસંગકર, વ્યંકટેશ શામરાવ (જ. 19 ઑક્ટોબર 1951, ગુલબર્ગ, કર્ણાટક) : મરાઠી કવિ અને વિવેચક. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી મરાઠીમાં એમ.એ. અને બી.એડ.ની પદવી પ્રાપ્ત કરી. પછી તેમણે એન.  વી. પ્રિયુનિવર્સિટી કૉલેજ, ગુલબર્ગમાં અધ્યાપનકાર્ય કર્યું. સાથોસાથ લેખનકાર્ય પણ ચાલુ રાખ્યું. 1988-96 દરમિયાન તેઓ ગુલબર્ગના મરાઠી સાહિત્ય મંડળના માનાર્હ સંયુક્તમંત્રી હતા.

તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં કુલ 5 ગ્રંથો આપ્યા છે. જેમાં ‘આભાલ્લેના’ (1984), ‘સાંજક્ષિતિજ’ (1988) અને ‘કલાકુન્દન’ (1994) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. જ્યારે ‘શબ્દસંગત’ (1991) વિવેચનગ્રંથ છે અને ‘કાનેકોપરે’ (1996) નિબંધસંગ્રહ છે.

સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1995માં કર્ણાટક રાજ્ય મરાઠી સાહિત્ય પરિષદ ઍવૉર્ડ; 1996માં મધ્યપ્રદેશમાં અપાતો તાત્યાસાહેબ સરવતે સાહિત્ય પુરસ્કાર તથા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મરાઠી સાહિત્ય સંમેલન તરફથી અનેક પુરસ્કારો અપાયા છે.

બળદેવભાઈ કનીજિયા