વલયગોલક (Armillary sphere) : આકાશી ગોલક પર આકાશી જ્યોતિઓનાં સ્થાન નક્કી કરવા માટે ખગોળવિજ્ઞાનના પ્રારંભિક અને મધ્યકાળમાં વપરાતાં સાધનોમાં સૌથી પુરાણું સાધન. ‘Armillary’ શબ્દ લૅટિન ‘armilla’ એટલે કે ‘કંકણ’ પરથી આવેલો છે. આકાશી ગોલક પર અવલોકન દ્વારા કોઈ પણ સમયે આકાશી જ્યોતિનું સ્થાન, તેના દ્વારા રચાતા બે ખૂણાઓ દ્વારા મપાય. એક ખૂણો તે ઉન્નતાંશ (elevation angle), જે આકાશી જ્યોતિ ક્ષિતિજથી કેટલી ઊંચાઈ પર જણાય છે તે દર્શાવે; અને બીજો ખૂણો તે દિશાસૂચક ખૂણો (azimuth). દિશાસૂચક ખૂણો જ્યોતિનું ઉત્તર દિશા સંદર્ભે સ્થાન દર્શાવે છે; પરંતુ ખગોળવિજ્ઞાનમાં તો આ જ્યોતિઓનાં સ્થાન રાશિચક્રના સંદર્ભમાં તેના વિષુવાંશ (right ascension) અને ક્રાંતિ (declination) દ્વારા દર્શાવાય, જેમાં અવલોકનના સમય સાથે ફેરફાર થતો નથી. ઉન્નતાંશ અને દિશાકોણ પરથી વિષુવાંશ અને ક્રાંતિ, અવલોકનના સમય પરથી તારવાય; પરંતુ આ માટે ગોલીય ભૂમિતિનાં સૂત્રો વાપરવાં પડે. વલયગોલક એવા પ્રકારની યાંત્રિક રચના છે કે જે વાપરીને, ગોલીય ભૂમિતિનાં સૂત્રો વાપર્યા વગર આ તારવી શકાય છે. આ કારણથી ખગોળવિજ્ઞાનમાં મધ્યયુગ સુધી આ પ્રકારના ગોલકનો ઉપયોગ ઘણો પ્રચલિત હતો.

આ પ્રકારનાં સાધન પ્રાચીન ખગોળવિજ્ઞાનમાં ગ્રીક ઉપરાંત ભારતીય, ચીની અને અરબી ખગોળશાસ્ત્રીઓ વાપરતા હતા.

તેની મદદથી આકાશી બૃહદ્ વૃત્ત, ક્ષિતિજ, યામ્યોત્તરવૃત્ત, વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, ધ્રુવવૃત્ત તથા ક્રાંતિવૃત્ત દર્શાવી શકાતાં હતાં. આ સાધનમાં ખગોલીય ગોલક તરીકે એક ગોળો રાખવામાં આવતો હતો, જેમાં કોણીય માપ દર્શાવવા માટે તેના વૃત્તમાં અંશનાં માપ બતાવવામાં આવ્યાં હતાં. આ સાધન લટકાવી શકાતું હતું અથવા બેઠક, ઘોડી કે હાથા ઉપર રાખી શકાતું હતું. આ સાધનની મદદથી ટૉલેમી(Ptolemy)ના પૃથ્વી-કેન્દ્રીય સિદ્ધાંત અને કૉપરનિકસ (Copernicus)ના સૂર્ય-કેન્દ્રીય સિદ્ધાંત વચ્ચેનો તફાવત બતાવી શકાતો હતો.

વલયગોલકની રચનામાં યામ્યોત્તર વેધ-વર્તુળ (meridional circle) અને ક્ષિતિજ દર્શાવતા ધાતુનાં વર્તુળોની અંદર, ધાતુના બનેલા પરસ્પર સરકી શકે તેવાં અને સાથે સાથે તેમનું સ્થાન વાંચી શકાય તેમ અંકન ધરાવતાં અન્ય વલયો રાખેલાં હોય છે. આ વલયોમાં રાશિચક્રનું વલય અને વિષુવવૃત્તીય વલય મુખ્ય વલયો હોય છે. આ વલયોને પરસ્પર સરકાવીને, અવલોકનના સમયે મપાયેલ ઉન્નતાંશ અને દિશાકોણ પરથી અવલોકાયેલ જ્યોતિનું સ્થાન રાશિચક્ર સંદર્ભે જાણી શકાય છે. આ પ્રકારના સાધનનો ઉલ્લેખ ઈસુ પૂર્વેનાં વર્ષોથી જણાય છે. (Eratosthenes B.C. 275-194; Hipparcos, B. C. 190-120); પરંતુ તેની રચનાનું વિસ્તૃત વર્ણન, વિખ્યાત ખગોળવિજ્ઞાની અને ગણિતજ્ઞ ટૉલેમી (Ptolemy) (AD 1001-70)ના ‘almagast’ નામના પ્રસિદ્ધ પુસ્તકમાં મળે છે. મધ્યયુગના પ્રસિદ્ધ ખગોળવિજ્ઞાની ટાઇકો બ્રાહે (Tycho Brahe) (1756-1601) દ્વારા તેની વેધશાળામાં આ પ્રકારનું એક સાડાનવ ફૂટ (~ 3 metre) વ્યાસનું ગોલક રાખવામાં આવ્યું હતું.

હવે તો આવા ગોલકનો ઉપયોગ માત્ર ખગોળ અને ગોલીય ભૂમિતિના શિક્ષણ પૂરતો જ રહ્યો છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ, પરંતપ પાઠક