વલય-અધોગમન (cauldron subsidence)

January, 2005

વલય-અધોગમન (cauldron subsidence) : પૃથ્વીના પોપડાનું વર્તુળાકારે થતું અવતલન. પોપડાનો કોઈ ભૂમિભાગ વલય આકારની ફાટોમાં તૂટે ત્યારે તેમાંથી અલગ પડેલા મધ્યભાગનું અવતલન થવાની ક્રિયા. આ ક્રિયાને પરિણામે 1થી 15 કિમી. જેટલા વ્યાસવાળા, તૂટેલા ઓછાવત્તા નળાકાર વિભાગો ઊભી કે ત્રાંસી વલય-ફાટો પર સરકીને નીચે રહેલા મૅગ્મા સંચયસ્થાનમાં દબવાથી તૈયાર થતી રચના.

દુનિયાના ઘણા ભાગોમાં વર્તુળાકાર કે લંબવર્તુળાકાર વલયસ્વરૂપી અંતર્ભેદકો અથવા બહિર્ભૂત સંકુલો જોવા મળે છે. સ્કૉટલૅન્ડમાં આવેલા આવા એક વલયાકાર સંકુલનો પ્રથમ વાર તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવેલો. પશ્ચિમ સ્કૉટલૅન્ડ, નૉર્વેનો ઓસ્લો વિસ્તાર, નાઇજિરિયા તેમજ અન્યત્ર વિશિષ્ટ રૂપે જોવા મળતી વલય-આકારની રચનાઓ માટે ‘વલય-અધોગમન’ અધિતર્ક રજૂ કરવામાં આવેલો છે. તેમાં એવું સૂચવવામાં આવેલું છે કે મૅગ્માની સંચલનક્રિયાને પરિણામે અસરગ્રાહ્ય પોપડાનો વિભાગ નળી આકારમાં તૂટતો જઈને છૂટો પડે છે અને નીચે તરફ મૅગ્માદ્રવ્યમાં દબતો જાય છે. ક્યારેક તૂટેલા ભાગોના ટુકડાઓ પણ થાય છે. ટુકડાઓ નાના કે મોટા કદના (અમુક સેમી.થી અમુક મીટર કે સોથી હજારો મીટરના) હોઈ શકે છે. આમ, વલય-ફાટોમાં થતું ખડક-ખવાણ વલય-અધોગમન સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલું હોય છે. મધ્ય ભાગ નીચે દબતો જવાથી વલય-ફાટમાં ઉદ્ભવતી ખાલી જગાઓ મૅગ્માથી ભરાતી જાય છે. દબતા મધ્ય ભાગનો મથાળાનો ભાગ પણ મૅગ્માથી ભરાઈ જતો હોય છે. મૅગ્માનો જથ્થો અને વેગ જો વધુ હોય તો લાવા વિસ્ફોટજન્ય પ્રસ્ફુટન-સ્વરૂપે બહાર પણ નીકળી આવે છે. ક્યારેક છીછરી ઊંડાઈના ભાગોમાં આકારવિહીન વલયોની રૂપરેખાઓ રચાય છે. આમ, એક પછી એક અંતર્ભેદનો આકાર પામતાં જાય છે. જૂનાં અંતર્ભેદનો બહાર તરફ અને નવાં અંદર તરફ ગોઠવાતાં જાય છે. આ પ્રકારના માળખાને વલય-સંકુલ (ring complexes) તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગ્નેય અંતર્ભેદનોમાં વલય-ફાટોનો આકાર વર્તુળ જેવો, જોડાયેલી કે જોડાયા વગરની ચાપ જેવો હોય છે. વલય-ફાટો ક્યારેક સપાટી સુધી વિસ્તરેલી હોય છે, તો ક્યારેક અંદરના ભાગો પૂરતી મર્યાદિત હોય છે. વલય-અધોગમન રચનાઓ મોટેભાગે વલય-ડાઇક સંકુલ સાથે સંકળાયેલી હોય છે, અર્થાત્ વલય-ડાઇક અને શંકુપટ (cone sheet) આ રચનાના પ્રકારભેદ તરીકે ઘટાવી શકાય. આ પ્રકારની રચનાત્મક સ્થિતિ નળાકાર-ભાગના પરિમાણ અને પ્રકાર પર, આજુબાજુના પ્રાદેશિક ખડક-પ્રકાર પર, મૅગ્માના પ્રકાર, તાપમાન અને વેગ પર તેમજ મૅગ્મા-સ્રોતના પ્રમાણ પર આધારિત હોય છે.

વલય-અધોગમનના પ્રકારો

વલય-અધોગમન રચનાઓ મોટેભાગે જ્વાળામુખી-ઘટના સાથે સંકળાયેલી હોય છે. આ પ્રકારનાં મોટા પાયા પરનાં વલય-સંકુલો સ્કૉટલૅન્ડ, નૉર્વે, નાઇજિરિયા અને આફ્રિકામાં લાક્ષણિક સ્વરૂપો રજૂ કરે છે. સ્કૉટલૅન્ડના ગ્લેન કો અને બેન નોવિસમાં તેમજ નાઇજિરિયામાં તે ગ્રૅનાઇટ બંધારણવાળાં; નૉર્વેના ઓસ્લો પ્રદેશમાં ગ્રૅનાઇટ-આલ્કલી સાયનાઇટ બંધારણવાળાં; પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં કાર્બોનેટાઇટ સહિત કે રહિતના આલ્કલી સાયનાઇટ બંધારણવાળાં; પશ્ચિમ સ્કૉટલૅન્ડના હેબ્રાઇડ્ઝ અને નજીકના ભૂમિ ભાગમાં બેઝિક બંધારણવાળાં વલય-સંકુલો મળે છે. ભારતમાં ગુજરાતના આંબાડુંગર વિસ્તારમાંનું કાર્બોનેટાઇટ-સંકુલ આ પ્રકારની વલય-ફાટો ધરાવે છે, જેને વલય-અધોગમન સ્વરૂપે ઘટાવવામાં આવેલું છે.

આ પ્રકારના રચનાત્મક વિભાગોની લાક્ષણિકતાઓ નીચે મુજબ હોય છે : (i) તેમના વિવૃત ભાગોનો દેખાવ વર્તુળાકાર, અંડાકાર કે ચાપ-આકારનો હોય છે. (ii) ખડબંધારણ મિશ્ર પ્રકારનું હોય છે, જે અગ્નિકૃત ખડકોના ઘણા પ્રકારોથી રજૂ થઈ શકે. (iii) વિવૃતિઓ વિવિધ રચનાત્મક સ્વરૂપોનો નિર્દેશ કરતી હોય છે, જેમાં (અ) વર્તુળાકાર કે ચાપ-આકાર ડાઇક હોય, (આ) આ પ્રકારની ડાઇક ઊંડે જતી જાય તેમ તેમનાં નમન કેન્દ્રગામી થતાં જાય, પરિણામે શંકુ-આકારનું સ્વરૂપ બનાવે, (ઇ) મધ્યસ્થ દાટા ઊભી દીવાલોવાળા નળાકાર સ્વરૂપના હોય અને તેમની બહાર તરફ આવતી દીવાલો કેન્દ્રત્યાગી બનતી હોય, (ઈ) આ પ્રકારનાં સંકુલો ક્યારેક અંશત: લાવા કે ટફથી આચ્છાદિત હોય.

ગિરીશભાઈ પંડ્યા