વલ : વેદમાં ઉલ્લેખાયેલ અસુર કે રાક્ષસ. ઋગ્વેદમાં ઇન્દ્ર મુખ્યત્વે યોદ્ધાના રૂપમાં આવે છે. એમના શત્રુઓની સામાન્યત: બે શ્રેણીઓ છે : (1) કોઈક સૂક્ષ્મ તત્વનું પ્રતીક હોય અને ઇન્દ્રશત્રુ તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય; જેમ કે વૃત્ર, અહિ વગેરે; (2) પાર્થિવ હોય, વ્યક્તિવાચક હોય, ઇન્દ્રશત્રુ તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય જેમકે, શંબર. વલનો સમાવેશ પહેલી શ્રેણીમાં થાય છે. પ્રા. એમ. ડી. વેલણકર માને છે કે તે પણિઓનો સરદાર છે. તેના દુર્ગો અને તેના પ્રાચીરો પ્રસિદ્ધ હતાં. (ઋ. 1-52-5, 6-18-15). તેણે ઇન્દ્રની ગાયો ચોરી લીધી, સંતાડી દીધી. બૃહસ્પતિએ પોતાનાં પ્રદીપ્ત પ્રકાશથી ગુપ્ત સ્થાન શોધી લીધું. (10686). ઇન્દ્રે એની છત તોડી નાખી. ગાયો છોડાવી. (6-39-2). અસુર વલનો વધ કર્યો. (10-6-76). ઇન્દ્રને ‘વલંરુજ’ની પદવી મળી. (3-45-2). અમેરિકન ઑરિયેન્ટલ સોસાયટીના જર્નલમાં ડૉ. પેરીએ જણાવ્યું કે વલ એ તત્વત: ગુફા છે. પછી તેનું અસુરમાં રૂપાન્તરણ થયું છે. ગુફામાં ગાયો પુરાઈ હોય, ઇન્દ્ર એની છત તોડી નાખે, ગાયોને છોડાવે. આ પ્રતીકાત્મક છે. ગુફા એ મેઘ છે. ગાયો જળ છે. ઇન્દ્ર મેઘને ભેદે છે અને વર્ષાજળ વહાવે છે. નિઘંટુ(1-10)માં ‘મેઘ’ના પર્યાયોમાં ‘વલ’નો સમાવેશ છે. ડૉ. આર્થર બેરિદેલ કીથ પાસેથી આનું સમર્થન મળે છે. ગાયો જ્યાં રાખવામાં આવી હોય તે(ગુફા)નું વલ મૂર્તીકરણ છે. ‘વૈદિકકોશ’માંથી સંહિતાઓ નિઘંટુ અને ‘બ્રાહ્મણ’ ગ્રંથોને આધારે ‘વલ’ શબ્દના અર્થ આ પ્રમાણે મળે છે : (1) શત્રુનગરોને ઘેરવામાં સમર્થ બળવાન પુરુષ; (2) વિદ્યુત-પ્રહાર કરવાવાળો આકાશમાં ફેલાયેલો વ્યાપક મેઘ; (3) સંરક્ષણ અને આશ્રય આપવા યોગ્ય છાત્ર; (4) અંત:કરણને ઘેરનારું, અજ્ઞાન જેવું, તામસ આવરણ; (5) શક્તિ; (6) ‘વલ’ નામનો અસુર. આ રીતે અસુર ‘વલ’ ગાયોને રૂંધનારી ગુફાનું અને પછી વર્ષાજળને રોધનારા મેઘનું પ્રતીક છે. આમ ઇન્દ્ર મેઘને ભેદીને વર્ષાજળ મુક્ત કરીને વહાવે છે. તે ઘટનાનું આ વલ વૃત્તાન્ત પ્રતીકાત્મક નિરૂપણ છે.
રશ્મિકાન્ત પ. મહેતા