વર્હાડપાંડે, વસંતકૃષ્ણ

January, 2005

વર્હાડપાંડે, વસંતકૃષ્ણ (જ. 1927) : મરાઠી વાર્તાકાર અને વિવેચક. તેમણે શ્રી બિન્ઝાની સિટી કૉલેજ, નાગપુર ખાતે મરાઠીના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી, અને નાગપુરની હિસ્લોપ કૉલેજમાંથી મરાઠી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા.

તેમણે સાહિત્યક્ષેત્રે ટૂંકીવાર્તા, કાવ્ય અને નવલકથા જેવાં સ્વરૂપો પસંદ કર્યાં. તેમનો ‘વાસ્તુ’ નામક વાર્તાસંગ્રહ અને ‘યા મનચા પાલના’ કાવ્યસંગ્રહ 1957માં પ્રગટ થયા. ‘ભારતીય સ્ત્રી-રત્ને’ (1966) તેમનો ચરિત્રસંગ્રહ છે. 1981માં તેમણે ‘ચિત્રશાલા’ નામક મનોવિશ્લેષણાત્મક નવલકથા પ્રગટ કરી. આ ગ્રંથો અતિ લોકપ્રિય બન્યા; પછી ‘ઉત્સવ’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો.

તેમણે મુક્તેશ્વર દ્વારા રચાયેલ ‘હરિશ્ર્ચંદ્રાખ્યાન’ અને સામરાજા દ્વારા રચાયેલ ‘રુક્મિણી સ્વયંવર’નું સંપાદન પણ કર્યું. તે બંને ગ્રંથો 1963માં પ્રગટ થયા અને લોકપ્રિય બન્યા.

પીએચ.ડી.ની પદવી માટે તેમણે નાગપુરી બોલીનો ઊંડો અભ્યાસ કર્યો અને ઉચ્ચાર અને વિભક્તિમાં વર્હાદી બોલી વચ્ચેનો ભેદ સમજાવ્યો. તેમના આ ગ્રંથ ‘નાગપુરી બોલી : ભાષાશાસ્ત્રીય અભ્યાસ’(1972)ને રાજ્ય સરકારનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમણે આ બોલીઓ પર હિંદી તેમજ ગાડ ભાષાઓની અસર હોવાનું દર્શાવ્યું છે. તેમણે નાગપુરી બોલીનો શબ્દકોશ પણ તૈયાર કર્યો છે.

બળદેવભાઈ કનીજિયા