વર્સાઇલની સંધિ (1919) : પ્રથમ વિશ્વયુદ્ધને અંતે, વિજેતા રાષ્ટ્રો-ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇટાલી વગેરેએ જર્મની સાથે પૅરિસ મુકામે વર્સાઇલના મહેલમાં કરેલ સંધિ. જર્મનીને યુદ્ધ માટે સૌથી વધારે જવાબદાર માનીને બીજા હારેલા દેશો કરતાં તેને ઘણી વધારે શરતો સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. જર્મની સાથે 28 જૂન 1919ના રોજ આ સંધિ કરવામાં આવી. તેની મુખ્ય શરતો નીચે મુજબ હતી :
(1) આલ્સેસ તથા લોરેઇન પરગણાં જર્મનીએ ફ્રાંસને સોંપી દેવાનું ઠરાવ્યું. (2) જર્મનીએ ફ્રાંસને કરેલા નુકસાન પેટે અને યુદ્ધદંડના હપતા તરીકે કોલસાથી સમૃદ્ધ એવો સાર પ્રદેશ પંદર વર્ષ માટે ફ્રાંસને સોંપવાનું નક્કી થયું અને તેનો વહીવટ રાષ્ટ્રસંઘ હસ્તક મૂકવામાં આવ્યો. (3) જર્મનીના કેટલાક પ્રદેશો બેલ્જિયમને, મેમલ બંદર લિથુઆનિયાને તથા પશ્ચિમ અને પૂર્વ પ્રશિયાના કેટલાક પ્રદેશો તેમજ સાઇલેસિયાનો ઉત્તર ભાગ પોલૅન્ડને સોંપવામાં આવ્યો. (4) ડાન્ઝિગને મુક્ત બંદરનો દરજ્જો આપવામાં આવ્યો. (5) જર્મનીની ડૅન્યૂબ તથા બીજી મોટી નદીઓ આંતરરાષ્ટ્રીય વાહનવ્યવહાર માટે ખુલ્લી મૂકવામાં આવી. (6) જર્મનીનાં યુરોપ બહારનાં સંસ્થાનો ફ્રાંસ, ઇંગ્લૅન્ડ, જાપાન, બેલ્જિયમ, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકાના સંઘને વહેંચી આપવામાં આવ્યાં. (7) એક લાખથી વધારેનું લશ્કર તથા પંદર હજારથી વધારેનું નૌકાદળ રાખવાની તથા નવાં શસ્ત્રોનું ઉત્પાદન કરવાની જર્મની પર મનાઈ કરવામાં આવી. (8) જર્મની પર ઘણી મોટી રકમનો યુદ્ધદંડ નાંખવામાં આવ્યો અને તેણે વિજેતા દેશોને ભરવાના વાર્ષિક હપતા ઠરાવવામાં આવ્યા. (9) જર્મનીની સરહદ પર આવેલ પચાસ કિમીના રહાઇન પ્રદેશને તટસ્થ વિસ્તાર જાહેર કર્યો અને ત્યાં કિલ્લેબંધી કરવાની જર્મનીને મનાઈ કરવામાં આવી. (10) જર્મન સમ્રાટ કૈસરને માનવસંહાર માટે મુખ્ય ગુનેગાર ગણીને તેના ઉપર કામ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું; પરંતુ હોલૅન્ડની સરકારે તેને સુપરત કરવાનો ઇનકાર કરવાથી તેના ઉપર કામ ચલાવી શકાયું નહિ.
જર્મની સાથેની સંધિ ઘણી અન્યાયકર્તા હતી. આ સંધિએ જર્મનીને આર્થિક રીતે પાયમાલ કર્યું અને રાજકીય તથા લશ્કરી દૃષ્ટિએ તેને કુંઠિત કરી દીધું. તેમાંથી જર્મનીના લોકોમાં વેરવૃત્તિ પ્રજ્વલિત થઈ અને વર્સાઇલની સંધિએ બીજા વિશ્વયુદ્ધનાં બી વાવ્યાં.
જયકુમાર ર. શુક્લ