વર્સાઇલનો મહેલ

January, 2005

વર્સાઇલનો મહેલ : ફ્રાન્સનું જાણીતું ઐતિહાસિક સ્થાપત્ય. તેના બાંધકામમાં શિષ્ટ ફ્રેન્ચ સ્થાપત્યનાં ઉચ્ચતમ દર્શન થાય છે. ફ્રાન્સના રાજા લુઈ 13મા, 14મા અને 15માના સમય દરમિયાન વખતોવખત તેમાં વિવિધ વિભાગો ઉમેરાતા ગયા. આ મહેલનો મુખભાગ 415 મીટર લાંબો છે. મહેલ બે ઝોનમાં વિભક્ત છે. પૅરિસ શહેરની દિશામાં દરબારીઓ, કર્મચારીઓ, નોકરો અને સૈનિકોનાં મકાન આવેલાં છે. તેની સામેની દિશામાં જંગલથી આવૃત્ત વિશાળ પાર્ક આવેલો છે.

1623માં લુઈ તેરમાએ શિકાર માટે રહેવાનું કામચલાઉ સ્થળ (lodge) બંધાવ્યું હતું. 1634માં તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. આ મકાનને ફરતી ખાઈ હતી. મહેલમાં ફ્રેન્ચ અમીરનાં લાક્ષણિક ગ્રામનિવાસ (chateau-શેટો) આજે પણ હયાત છે. લુઈ ચૌદમો જ્યારે ગાદીએ આવ્યો ત્યારે રાજ્યાભિષેકના ઉત્સવને ઊજવવા તેણે વર્સાઇલ્સને પસંદ કર્યું હતું. સ્થપતિ લી વાઉએ મૂર્તિઓ વડે મુખભાગને સજાવ્યો હતો. લી નોટ્રેએ ટેપીસ વર્ટ (ઘાસવાળી જમીન) અને નહેરની મધ્યમાં બગીચાનું આયોજન કર્યું. રાજાની મુલાકાત વખતે દરબારીઓનાં મકાનો અને છત્રીઓ (pavillions) ઊભાં કરવામાં આવ્યાં. 1668માં તેના પ્રથમ લશ્કરી વિજય પછી લુઈ ચૌદમાએ સાચા અર્થમાં તેને રાજનિવાસમાં ફેરવી નાખ્યું. લુવ્રનો મહેલ તૈયાર થયો ન હતો તેથી વર્સાઇલમાં જ કાયમી રીતે રહેવાનું અને તેને રાજધાની તરીકે ફેરવવાનું તેણે નક્કી કર્યું હતું. લી વાઉએ તેનો પ્લાન તૈયાર કર્યો હતો. 1670માં તેના મૃત્યુ પછી ફ્રાન્સીકોસ ડી’ઓર્બેએ આ પ્લાન પ્રમાણે કામ આગળ ચલાવ્યું. તેમાંનું ચિત્રકામ લી બ્રુને કર્યું હતું. ભોંયતળિયાનો મજલો કમાનશ્રેણીથી અને મુખ્ય મજલો આયૉનિક પ્રકારના અર્ધસ્તંભો (pilasters) અને સ્તંભો વડે અલંકૃત હતો. ઉપરના મજલે સ્તંભોની હાર હતી. મહેલની રચનાની પ્રેરણા સ્પષ્ટ રીતે ઇટાલિયન મહેલના મુખભાગમાંથી લેવામાં આવી હતી. દક્ષિણ બાજુએ રાણીવાસ હતો. મહેલનું સુશોભન અઢારમી સદીમાં ફરીથી કરવામાં આવ્યું હતું. 1678થી જુલ્સ હાર્ડોઇન મન્સર્ટે બાંધકામની જવાબદારી સંભાળી.

મન્સર્ટ દ્વારા મહેલમાં જે વિભાગોનું ઉમેરણ થયું તેમાં ગેલેરિસ ડેસ ગ્લાસિસ અને કોલોનેડ (સ્તંભાવલિ) નોંધપાત્ર છે. ગેલેરિસ ડેસ ગ્લાસિસ મુખ્ય મજલાના મધ્યના ભાગમાં આવેલ છે. તેની લંબાઈ 73 મીટર છે. તેની 17 બારીઓની સામે ગોઠવેલાં કમાનાકાર 17 દર્પણ પ્રકાશ ફેંકે છે તેથી અંદરનો ભાગ પ્રકાશિત થાય છે. તેની છતમાં ચિત્રકાર લી બ્રુને લુઈ ચૌદમાના જીવનને સ્પર્શતાં નવ ભવ્ય ચિત્રો આલેખ્યાં છે.

કોલોનેડમાં 36 સ્તંભો આવેલા છે. વાયોલેટ, વાદળી અને લાલ રંગના આરસના આ સ્તંભો છે. સ્તંભોની મધ્યમાં એક સમયે જીરાર્ડોન સર્જિત ‘ધ રેપ ઑવ્ પ્રોસેર્પિના’નો શિલ્પસમૂહ હતો. સ્તંભોને મથાળે કમાનો હતી. દરેક કમાનવાળા બે સ્તંભોની વચ્ચે ફુવારાની રચના હતી.

ગેલેરિસ ડેસ ગ્લાસિસ સાથે અગાશીના સ્થળે ઉત્તર અને દક્ષિણની બાજુએ દરબારીઓ અને સિનિયર અધિકારીઓને વસાવવા માટે મકાનોની બે મોટી હરોળ ઊભી કરવામાં આવી હતી. મુખ્ય મજલે કમાનો ઊભી કરવામાં આવી હતી. સ્લેટ રુફડ બ્રીક પ્રકારનું વિતાન ધરાવતી ઇમારતની રચનાની બાબતે મન્સર્ટ લુઈ ચૌદમાને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો હતો. મહેલની સન્મુખે તેણે સ્ટેબલ્સના બે સેટ બંધાવ્યા. ત્યાંથી ત્રણ ઍવન્યૂ પસાર થતા હતા. 1684માં નારંગીનો વિશાળ બગીચો બનાવવામાં આવ્યો. રૉબર્ટ ડી’કોટેની મદદથી 1687માં પાર્કના દૂરના છેડે છત્રીઓ ઊભી કરવામાં આવી.

વર્સાઇલનો મહેલ

અહીં રાજા કામના ભારણમાંથી મુક્ત થઈ હળવાશનો સમય વિતાવતો હતો. ડી’કોટેની મદદથી જ મન્સર્ટે ચૅપલ(નાનું દેવળ)ની રચના કરી. તેનું બાંધકામ 1689માં શરૂ થયું હતું અને 1710માં પૂરું થયું હતું. લુઈ ચૌદમાના સમયમાં બંધાયેલું આ છેલ્લું બાંધકામ છે. તે બે મજલાવાળું છે. નીચેના મજલે સ્તંભાવલિ અને કમાનોની હારવાળી બૉર્ડર છે. ઉપરના મજલે કોરિન્થિયન ઑર્ડરના સ્તંભો છે, જે ચિત્રાંકિત છતને ટેકવે છે. ગૅલરીવાળો ભાગ રૉયલ એપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો છે.

લુઈ પંદરમાના સમયમાં મહેલની અંદરના સુશોભનમાં રોકોકો પદ્ધતિએ ફેરફાર કરવામાં આવ્યા. રાજાના મુખ્ય સ્થપતિ જેક્સ-એન્જે ગ્રાબ્રિયેલે શહેર તરફના મહેલને ક્લાસિકલ પદ્ધતિએ ફરીથી બાંધવાની મોટી યોજના શરૂ કરી; પરંતુ તેમાંથી માત્ર એક પાંખ જ પૂરી થઈ શકી હતી.

થૉમસ પરમાર