વર્થેમા, લુડોવિકો દિ (જ. 1465-70, બોલોગ્ના; ઇટાલી, અ. જૂન 1517 રોમ) : નીડર ઇટાલિયન પ્રવાસી અને સાહસવીર. મધ્યપૂર્વ તથા એશિયાના દેશોનાં તેનાં પ્રવાસવર્ણનોનો યુરોપના દેશોમાં ઘણો ફેલાવો થયો હતો અને તેના જીવન દરમિયાન તે પ્રખ્યાત થયો હતો. તેણે મુલાકાત લીધી તે પ્રદેશોના લોકો વિશે મહત્વનાં અવલોકનો કર્યાં હતાં. મુશ્કેલ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા તેની પ્રત્યુત્પન્નમતિ તેને ઉપયોગી થઈ હતી.

ઈ. સ. 1502ના છેલ્લા સપ્તાહમાં તેણે વેનિસથી સમુદ્રમાં પ્રવાસ આરંભ્યો. ઍલેક્ઝાંડ્રિયા અને કેરોની મુલાકાત લઈને, તે સીરિયાના કિનારે થઈને દમાસ્કસ ગયો. તે પછી ઇસ્લામ ધર્મ અપનાવીને કે એવો દેખાવ કરીને, મક્કાની યાત્રા કરનાર તે પ્રથમ ખ્રિસ્તી હતો. આ પ્રવાસ બિનમુસલમાન માટે અતિજોખમકારક ગણાય છે. મક્કામાં તે આશરે ત્રણ સપ્તાહ રહ્યો. તેની નોંધમાં તેણે મક્કાનગર તથા ત્યાં થતી ધાર્મિક વિધિઓનું સરસ વર્ણન કર્યું છે. ત્યાંથી ભારતીય પ્રવાસીઓના જૂથમાં જોડાઈને તે ભારત જવા ઊપડ્યો. પરંતુ તેને ખ્રિસ્તી જાસૂસ માની લઈને એડનમાં ધરપકડ કરીને બે માસ જેલમાં રાખવામાં આવ્યો. એડનના સુલતાનની એક બેગમની દરમિયાનગીરીથી અને ગાંડાનો દેખાવ કરવાથી તેને મુક્તિ મળી. ત્યાંથી આશરે 965 કિમી.નું અંતર નૈર્ઋત્યમાં પર્વતાળ પ્રદેશમાં ચાલીને તેણે યમનની મુલાકાત લીધી.

ત્યારબાદ સોમાલીલૅન્ડ થઈને તે અરબસ્તાન પાછો ફર્યો. ત્યાંથી ઈરાની અખાતમાં આવેલા હોરમુઝ ગયો અને દક્ષિણ ઈરાનમાં 1504માં લાંબો સમય રહ્યો. તેને મક્કામાં પરિચય થયેલ વેપારી શિરાઝ(ઈરાન)માં મળી ગયો. તેને સાથે લઈને વર્થેમાએ એશિયાના બાકીના દેશોના પ્રવાસો કર્યા, તેઓ ભારતના પશ્ચિમ કિનારે ખંભાત અને ગોવા ગયા. ત્યાંથી વર્થેમાએ બીજાપુર, વિજયનગર, કાલિકટ વગેરે સ્થળોની મુલાકાત લઈને હિંદુઓના રીતરિવાજો, વેપાર-રોજગાર તથા નગરના વહીવટની માહિતી મેળવી. તેણે શ્રીલંકા તથા ભારતના અગ્નિ ખૂણાના પ્રદેશોની મુલાકાત લીધી. મ્યાનમાર(બર્મા)ના પેગુ થઈને 1505ના ઉનાળામાં તે ભારતમાં કાલિકટ આવ્યો. ઈ. સ. 1507માં તે કૅપ ઑવ્ ગુડહોપ થઈને યુરોપ ગયો.

તેના પ્રવાસવર્ણનનો ગ્રંથ ‘Itinerario de Ludouico de Varthema Bolognese’ 1510માં પ્રગટ થયો. તેનો પ્રથમ અંગ્રેજી અનુવાદ રિચાર્ડ ઇડનના ‘History of Travayle’ 1576-77માં પ્રગટ થયો. તે પછી ઈ. સ. 1863માં લંડનની ધ હકલુઇત સોસાયટીએ અંગ્રેજી અનુવાદ ‘Travels of Ludovico di Varthema’ શીર્ષકથી પ્રગટ કર્યો.

વર્થેમાએ કરેલાં વર્ણન મુજબ સોળમી સદીમાં ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતના વેપારીઓનો વેપાર ધમધોકાર ચાલતો હતો. ખંભાત સમૃદ્ધ બંદર હતું અને ત્યાં વિવિધ દેશોના વેપારીઓ વસતા હતા. ખંભાતનો મોટામાં મોટો વેપાર કાપડનો હતો. દર વર્ષે સુતરાઉ તેમજ રેશમી કાપડ ભરેલાં 40થી 50 મોટાં વહાણ દેશાવર જતાં હતાં. ગુજરાતની સત્તા ચેવલ (મુંબઈની દક્ષિણે) સુધી હતી.

વર્થેમાએ ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા(1459-1511)ના દેખાવ તથા ટેવોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કર્યું છે. તે જણાવે છે કે ‘સુલતાનની મૂછો એટલી બધી લાંબી છે કે જેમ સ્ત્રી પોતાના વાળની લટો બાંધે, તેમ એ મૂછો માથા ઉપર બાંધે છે, અને એની સફેદ દાઢી છેક એની કમર સુધી પહોંચે છે. એ રોજ (ખોરાકમાં) ઝેર ખાય છે. એ …. જે વ્યક્તિને મારી નાખવા ઇચ્છતો હોય તેના ઉઘાડા શરીર પર પાન ખાઈ પિચકારી મારે છે, જેથી કરીને એ વ્યક્તિ અડધા કલાકના સમયમાં મરેલી હાલતમાં જમીન પર પટકાય છે. જે જે સમયે જ્યારે એ પોતાનું પહેરણ ઉતારી લે છે ત્યારે એને ફરી કોઈ કદી અડકતું નથી…… બાળપણથી જ એના (સુલતાનના) પિતાએ એને ઝેર ખવડાવ્યું હતું.’

જયકુમાર ર. શુક્લ