વર્ગ (સમાજશાસ્ત્ર)

January, 2005

વર્ગ (સમાજશાસ્ત્ર) : સામાજિક વિજ્ઞાનોમાં ‘વર્ગ’નો ખ્યાલ સંશોધનોમાં અને વિશ્ર્લેષણમાં વિવિધ રીતે પ્રયોજાય છે અને ઉપયોગમાં લેવામાં આવે છે. સમાજશાસ્ત્રીઓ સામાજિક સ્તરરચનાના એક સ્વરૂપ તરીકે વર્ગને સમજાવે છે. વર્ગ ઉપરાંત ભારતીય સમાજમાં જ્ઞાતિ અને મધ્યકાલીન યુરોપમાં એસ્ટેટ (જાગીર વ્યવસ્થા) સામાજિક સ્તરરચનાનાં અન્ય સ્વરૂપો છે. વર્ગ સહિતનાં આ તમામ સ્વરૂપો સામાજિક-આર્થિક અસમાનતાને પણ વ્યક્ત કરે છે.

વર્ગના ખ્યાલને અનેકવિધ સંદર્ભમાં કાર્લ માર્કસ અને મૅક્સ વેબરની સૈદ્ધાંતિક પરંપરા દ્વારા સમાજશાસ્ત્રમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઐતિહાસિક સંદર્ભમાં ઔદ્યોગિક ક્રાંતિના પગલે પગલે ઓગણીસમી સદીમાં પાશ્ર્ચાત્ય દેશોમાં વિકસતા જતા ઔદ્યોગિક મૂડીવાદી વર્ગીય માળખાને સૈદ્ધાંતિક અને સંશોધનાત્મક રીતે રજૂ કરવામાં ઉપર્યુક્ત બંને સમાજશાસ્ત્રીઓનાં લખાણોએ સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન કર્યું છે.

મૂડી અને ઉત્પાદનનાં સાધનોની માલિકીના સંદર્ભમાં કાર્લ માર્કસ વર્ગનું પૃથક્કરણ કર્યું હતું. મિલકતની માલિકી ધરાવતા (મૂડીપતિ) અને માલિકીવિહોણા (શ્રમજીવીઓ કે કામદારો) એવા બે વર્ગોમાં માર્કસ સમાજને વિભાજિત કરે છે. ખેડૂતો અને મિલકત ધરાવતા અન્ય નાના સમૂહોને માર્કસ સ્વીકારે છે; પરંતુ તેઓનું માનવું હતું કે મૂડીવાદી સમાજની પહેલાંની અર્થવ્યવસ્થાના આ સમૂહો મૂડીવાદી સમાજના પૂર્ણ વિકાસ સાથે નામશેષ થઈ જશે. જુદા જુદા સમૂહોની માત્ર આર્થિક સ્થિતિ વર્ણવવા વર્ગવિશ્ર્લેષણને મહત્વ ન આપતાં માકર્સે સમાજમાં પરિવર્તન લાવતા મૂળભૂત સામાજિક પરિબળ તરીકે વર્ગને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. આદિમ સામ્યવાદથી શરૂ કરી ગુલામી અને સામંતવાદી યુગમાં અને ઐતિહાસિક ક્રમમાં અંતે મૂડીવાદી સમાજમાં બે વર્ગો અને તેની વચ્ચેના અનિવાર્ય સંઘર્ષને માકર્સે સમજાવ્યો. ઔદ્યોગિક મૂડીવાદી વ્યવસ્થામાં નફો પ્રાપ્ત કરવાની કારખાનાંના માલિકોની આર્થિક પ્રવૃત્તિને કારણે કામદારોનું શોષણ થાય છે અને પરિણામે ગરીબાઈની સંસ્કૃતિનું સર્જન થાય છે એવું માર્કસનું માનવું હતું. શોષણ અને ગરીબાઈનો ભોગ બનેલા શ્રમજીવીઓ સમાજવ્યવસ્થાના હાંસિયામાં ધકેલાઈ જાય છે અને આ પરિસ્થિતિમાં કામદારોમાં વર્ગસમાનતા વિકસે છે. આ વર્ગસમાનતા કામદારોમાં એકતા લાવે છે અને મૂડીપતિઓ સામે સંઘર્ષનાં મંડાણ થાય છે. ‘દુનિયાના કામદારો એક થાઓ, તમારે તમારી જંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી.’ માર્કસનું આ જગપ્રસિદ્ધ વિધાન ‘વર્ગસંઘર્ષ’ની માર્કસવાદી પ્રક્રિયાને સુપેરે વ્યક્ત કરે છે.

માર્કસથી ભિન્ન રીતે મૅક્સ વેબર વર્ગની વિભાવના રજૂ કરે છે. બજાર-સામર્થ્ય (માર્કેટિંગ પાવર) વ્યક્તિઓને ભિન્ન ભિન્ન જીવનતકો પૂરી પાડે છે અને તેને પરિણામે ઊભા થતા આર્થિક તફાવતો લોકોને જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરે છે. એક તરફ મૂડી, બજાર-સામર્થ્યનો સ્રોત છે તો બીજી તરફ કુશળતા અને શિક્ષણ પણ નિર્ણાયક બની રહે છે એવું મૅક્સ વેબરનું માનવું હતું. આ સંદર્ભમાં વેબર ચાર વર્ગોની રજૂઆત કરે છે : (1) સંપત્તિ ધરાવતો વર્ગ, (2) બુદ્ધિજીવી વર્ગ, (3) વહીવટીય અને સંચાલકીય વર્ગ તેમજ નાના વેપારીઓ અને દુકાનદારોનો વર્ગ, (4) શ્રમજીવી અથવા કામદાર વર્ગ. વર્ગસંઘર્ષના અસ્તિત્વને સ્વીકારતાં વેબર દર્શાવે છે કે મૂડીવાદી સમાજમાં પરસ્પર વિરોધી હિતો વચ્ચે વર્ગસંઘર્ષની શક્યતા છે, પરંતુ કામદારો અને મૂડીપતિઓ કરતાં કામદારો અને મૅનેજરો વચ્ચે તેની શક્યતા સવિશેષ છે. વર્ગ ઉપરાંત વેબર પ્રતિષ્ઠા અને દરજ્જાને પણ સામાજિક સ્તરરચનાની કોટિક્રમિક વ્યવસ્થામાં મહત્વનાં માને છે.

વીસમી સદીમાં ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી બદલાતી આર્થિક અને સામાજિક વ્યવસ્થાના સંદર્ભમાં વર્ગ અંગેના ખ્યાલ અને વિશ્ર્લેષણમાં પરિવર્તન આવ્યું. બ્રિટિશ અને અમેરિકન સમાજ વૈજ્ઞાનિકોએ માર્કસ અને વેબરની પરંપરાની સમીક્ષા કરી અને આધુનિક પરિપ્રેક્ષ્યમાં અનુભવજન્ય સંશોધનોને આધારે યુનિવર્સિટીના સામાજિક ગતિશીલતા અંગેના અભ્યાસજૂથે આધુનિક બ્રિટનમાં અગિયાર વર્ગોની શ્રેણીઓની રજૂઆત કરી. આ શ્રેણીઓ મુખ્યત્વે service, intermediate અને working  એવા ત્રણ મુખ્ય સમૂહોમાં વિભાજિત કરવામાં આવી. – સામાજિક ગતિશીલતા દ્વારા વ્યક્તિના અને સમૂહના વિકાસ સાધવાની પ્રક્રિયાના સંદર્ભમાં અનેક સમાજશાસ્ત્રીઓએ વર્ગના પૃથક્કરણની ટીકા કરી. વર્ગ સિવાય પણ અન્ય સામાજિક  સાંસ્કૃતિક પરિબળો ગતિશીલતા માટે જવાબદાર છે, એવાં અભ્યાસ-આધારિત તારણો ખાસ કરીને સમાજશાસ્ત્રીઓ દ્વારા તારવવામાં આવ્યાં છે.

આધુનિક મૂડીવાદી ઔદ્યોગિક દેશો ઉપરાંત કૃષિ-આધારિત અર્થવ્યવસ્થા ધરાવતા ભારત જેવા દેશોમાં વર્ગીય માળખું અનેક રીતે ભિન્ન જોવા મળે છે. ભારતમાં સામાજિક સ્તરરચનામાં જ્ઞાતિ અને વર્ગ બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. વીસમી સદીના પ્રારંભે રશિયન ક્રાંતિ અને સદીના મધ્યમાં ચીનની સાંસ્કૃતિક ક્રાંતિએ માર્કસની વર્ગવિહીન સમાજરચનાને વાસ્તવિક રૂપ આપવાનો પ્રયત્ન કર્યો. તેના પગલે પગલે અન્ય દેશોમાં પણ સામ્યવાદી વિચારધારાએ મૂડીવાદી સમાજવ્યવસ્થામાંથી શોષણવિહીન સમતામૂલક સમાજ તરફના પ્રયોગોને પ્રેરણા આપી.

વીસમી સદીનાં અંતિમ વર્ષોમાં વિકસિત દેશોમાં આધુનિક ઉદ્યોગ-સંચાલન અને તેમાંથી ઉત્પન્ન થયેલા સંચાલકો અને ટૅકનૉક્રેટોના વર્ગોએ વર્ગવિશ્ર્લેષણમાં મૂડીપતિના પરંપરાગત પાસાને નવું પરિમાણ આપ્યું. મર્યાદિત શ્રમના ઉપયોગ દ્વારા અસ્તિત્વમાં આવેલા યાંત્રિકીકરણે અને કમ્પ્યૂટર-ક્રાંતિના કારણે વરતાતા શ્રમજીવી વર્ગના પ્રમાણના અને વર્ગસભાનતાની પ્રક્રિયાના સંદર્ભે સમીક્ષાયુક્ત ચર્ચાવિચારણા અને અભ્યાસોની પરંપરા શરૂ થઈ. જે ગોલ્ડથ્રોપ(J. Goldthrope)ના નેતૃત્વ નીચે ઑક્સફર્ડ અલગ પ્રકારની સૈદ્ધાંતિક રજૂઆત માંગી લે છે. ગ્રામવિસ્તારોમાં એક તરફ પરંપરાગત જ્ઞાતિવ્યવસ્થાનો ઊંચનીચ ક્રમ છે. તો બીજી તરફ જમીન-માલિકી આધારિત કૃષિવર્ગોનો કોટિક્રમ છે. સ્વતંત્રતા-પ્રાપ્તિ બાદ જમીનદારી-નાબૂદી અને જમીન-ટોચમર્યાદાના કાનૂનો ગ્રામવિસ્તારોમાં આર્થિક અસમાનતા ઓછી કરવા માટે અમલી બનાવાયા. આ કાયદાઓની મર્યાદિત સફળતાને કારણે વર્તમાન ભારતમાં જમીનદારો, મોટા ખેડૂતો, મધ્યમ જમીન-માલિકી ધરાવતા ખેડૂતો, સીમાંત અને નાના ખેડૂતો તેમજ ભૂમિહીન ખેતમજૂરોનો વર્ગ જોવા મળે છે. જ્ઞાતિ અને વર્ગનો કોટિક્રમ સમાંતર પણ જોવા મળે છે. ઉદાહરણ રૂપે જોઈએ તો જ્ઞાતિ-કોટિક્રમમાં સૌથી નિમ્ન સ્થાન ધરાવતા દલિતો અને આદિવાસી સમૂહો ભૂમિહીન ખેતમજૂરોના વર્ગમાં સૌથી વધુ જોવા મળે છે. પરંપરાગત વર્ણવ્યવસ્થામાં ઉચ્ચ સ્થાન ધરાવતા ક્ષત્રિયો અને બ્રાહ્મણો અને કેટલીક મધ્યમ જ્ઞાતિઓ ગ્રામવિસ્તારોમાં મોટાભાગની જમીન-માલિકી ધરાવતા હોઈ આર્થિક, સામાજિક અને રાજકીય પ્રભુત્વ ધરાવે છે.

વર્ગના ખ્યાલને વીસમી સદીનાં અંતિમ વર્ષોમાં નારીવાદી વિદ્વાનો અને કર્મશીલોએ ટીકાત્મક રીતે તપાસ્યો. તેઓનું કહેવું છે કે ઐતિહાસિક રીતે વર્ગને હંમેશાં પુરુષપ્રધાન સમાજમાં પુરુષને ધ્યાનમાં રાખીને તપાસવામાં આવ્યો છે. આર્થિક પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓની ભાગીદારી તરફ આંખ આડા કાન કરી વર્ગની લાક્ષણિકતાઓ અને સ્વરૂપમાં લિંગ (gender) કે જાતિના સંદર્ભની બાદબાકી કરી નાખવામાં આવી છે. આ પ્રકારની ટીકાઓએ અને દૃષ્ટિકોણે આધુનિક વિશ્વમાં વર્ગ અને લિંગને સાથે રાખીને તપાસવાની પરંપરા સ્થાપિત કરી છે અને વર્ગવિશ્ર્લેષણને નવું પરિમાણ મળ્યું છે. ભારતમાં તો વર્ગ, જ્ઞાતિ અને લિંગના અસ્તિત્વે વર્ગના ખ્યાલને વધુ જટિલ અને સાથે સાથે ઉપયોગી બનાવ્યો છે.

ગૌરાંગ જાની