વર્ગીકરણ (જીવવિજ્ઞાન)

January, 2005

વર્ગીકરણ (જીવવિજ્ઞાન) : સમાન લાક્ષણિકતાઓના આધારે સજીવોનું વિવિધ સમૂહોમાં કરવામાં આવતું વિભાગીકરણ. સજીવોના વર્ગીકરણના સૌથી મોટા એકમોને જીવસૃદૃષ્ટિ (kingdom) તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જીવસૃદૃષ્ટિનું વિભાજન સમુદાયો (phylum) / વિભાગો(division)માં કરવામાં આવે છે. સમુદાયો/વિભાગોનું વર્ગ(class)માં, વર્ગનું શ્રેણી(order)માં, શ્રેણીનું કુળ(family)માં, કુળનું પ્રજાતિ(genus)માં અને પ્રજાતિનું જાતિ(species)માં કરવામાં આવે છે.

અગાઉ સજીવોનું વિભાજન વનસ્પતિ અને પ્રાણી – એમ બે જીવસૃદૃષ્ટિમાં કરવામાં આવતું હતું. પરંતુ હાલમાં સજીવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના અનુસંધાનમાં તેમને પાંચ મુખ્ય જીવસૃદૃષ્ટિઓમાં વહેંચવામાં આવે છે.

સજીવો જીવરસ (protoplasm) નામે ઓળખાતા એક ક્રિયાશીલ (dynamic) ઘટકનાં બનેલાં હોય છે. તેના એકમને કોષ (cell) કહે છે. કોષ મુખ્યત્વે કોષરસ (cytoplasm) કહેવાતા એક ઘટકનો બનેલો હોય છે. તેની મધ્યમાં કોષકેન્દ્ર નામનો એક ભાગ આવેલો હોય છે. કોષકેન્દ્રમાં રંગસૂત્રો નામે ઓળખાતા તંતુઓ જોડમાં આવેલા હોય છે. આ તંતુઓમાં આનુવંશિક લક્ષણો માટે કારણભૂત એવાં જનીનો (genes) હોય છે અને તેઓ DNAની સાંકળ રૂપે આવેલાં હોય છે. કોષકેન્દ્રની ફરતે એક પડ આવેલું હોય છે. તેને કેન્દ્રપટલ (nuclear membrane) કહે છે. સૌપ્રથમ ઉદભવ પામેલાં સજીવોના કોષમાં કેન્દ્રપટલનો અભાવ હતો અને તેનાં જનીનો સાંકળરૂપે કોષરસમાં પ્રસરેલાં હતાં. કેન્દ્રપટલ વગરના કોષોને અસીમકેન્દ્રી (prokaryote) કહે છે. હાલમાં તેના અનુગામી તરીકે બૅક્ટેરિયા (જીવાણુ) નામનાં સજીવો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. આ સજીવોનો અસીમકેન્દ્રી (prokaryota / monera) જીવસૃદૃષ્ટિમાં સમાવેશ થયેલો છે.

બાકીનાં બધાં સજીવોના કોષો કેન્દ્રપટલયુક્ત હોય છે. આ કોષોને સસીમકેન્દ્રી (eukaryote) કહે છે. સસીમકેન્દ્રી સજીવો એકકોષીય (unicellular) કે બહુકોષીય હોઈ શકે છે. હાલનાં બધાં એકકોષીય સસીમકેન્દ્રી સજીવોને સુકરજીવી (protista) જીવસૃદૃષ્ટિમાં મૂકવામાં આવે છે. કેટલાંક સસીમકેન્દ્રી સજીવોમાં હરિતકણ (chlorophyll) હોય છે. આ કણો  સૂર્યકિરણોમાં રહેલ કાર્યશક્તિનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેને રાસાયણિક બંધ(chemical bonds)માં ફેરવે છે. કાર્યશક્તિની મદદથી તેઓ સાદા સ્વરૂપનાં અકાર્બનિક તત્વોમાંથી સંકીર્ણ સ્વરૂપનાં પોષણ-તત્વોનું સંયોજન કરે છે. આવાં સજીવોને સ્વયંપોશી (autotrophs) કહે છે. સામાન્યપણે હરિતકણો ધરાવતાં બધાં સજીવો વનસ્પતિ (plants) તરીકે ઓળખાય છે. અન્ય સજીવો ખોરાક માટે બીજાં સજીવો પર આધાર રાખે છે. તેમાંનાં મોટા ભાગનાં સજીવો પાચકરસોની મદદથી ખોરાકને સાદા સ્વરૂપના રાસાયણિક અણુઓમાં ફેરવે છે. આવાં સજીવોને વિષમપોષી (heterotrophic) કહે છે અને તેમાંનાં ઘણાં સજીવો પ્રચલનક્ષમતા ધરાવે છે. તેથી તેઓ એક યા બીજા કારણસર સ્થળાંતર કરતાં હોય છે. આવાં સજીવોને પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. જોકે કેટલાંક સજીવો સંપૂર્ણપણે પરોપજીવી જીવન પસાર કરે છે. તેઓ યજમાનના શરીરમાં આવેલા સાદા સ્વરૂપના ખોરાકનું ગ્રહણ કરે છે. તેઓ પાચન કે પ્રચલન કરવાની ક્ષમતા ધરાવતાં નથી.

સજીવોનું વિવિધ જીવસૃદૃષ્ટિઓમાં વિભાજન :

1. અસીમકેન્દ્રી (prokaryota / monera) જીવસૃદૃષ્ટિ : શરીર અસીમકેન્દ્રી કોષનું બનેલું છે, તેમાં કોષકેન્દ્રપટલનો અભાવ હોય છે. જનીનોની બનેલી ન્યૂક્લીઇક ઍસિડની શૃંખલા, કોષરસમાં આમતેમ વ્યાપેલી

હોય છે.

2. સુકરજીવી (protista) જીવસૃદૃષ્ટિ : એકકોષીય સસીમકેન્દ્રી કોષનું બનેલું શરીર. સેલ્યુલોઝની બનેલી કોષદીવાલ અને કોષરસમાં હરિતકણો ધરાવતાં સજીવોને વનસ્પતિ તરીકે, જ્યારે પ્રચલનક્ષમતા ધરાવતાં હરિતકણવિહોણા એકકોષીય સજીવોને પ્રાણી તરીકે ઉલ્લેખવામાં આવે છે.

3. સ્થલીય બહુકોષીય વનસ્પતિ જીવસૃદૃષ્ટિ : આ સજીવો પ્રચલનક્ષમતા ધરાવતાં નથી. તેઓ આધારસ્થળ (જમીન) સાથે મૂળ વડે ચોંટેલા હોય છે અને સ્થાયી જીવન પસાર કરતાં હોય છે.

4. બહુકોષીય પ્રાણીઓની જીવસૃદૃષ્ટિ : જલજીવી અથવા જમીનવાસી.

5. જીવસૃદૃષ્ટિ : ફૂગ, બહુકોષીય પરોપજીવી સજીવો, પ્રચલનક્ષમતાનો અભાવ.

સજીવોનું વર્ગીકરણ

() અસીમકેન્દ્રી (monera) જીવસૃદૃષ્ટિ : 1. ઉપજીવસૃદૃષ્ટિ જીવાણુ (bacteria) : અવાતજીવી (anaerobic) કે વાતજીવી (aerobic) પોષણ (nutrition) મુખ્યત્વે શોષણ(absorption)થી કેટલાકમાં હરિતકણો હોય છે અને તેઓ સ્વયંપોષી જીવન પસાર કરી શકે છે.

2. ઉપજીવસૃદૃષ્ટિ : નીલ-હરિત જીવાણુ (blue green algae) : પ્રકાશ-સંશ્ર્લેષી (photosynthetic), સ્વયંપોષી.

(આ) સુકરજીવી (protista) જીવસૃદૃષ્ટિ : 1. સમુદાય : લીલ (algae) જલજીવી વનસ્પતિ. પાણીમાં તરે છે.

લીલના પેટાવિભાગો :

1. હરિત લીલ (green algae) : મીઠા જળાશયમાંની લીલ પ્લવકો (plankton) તરીકે પાણીમાં તરે છે. જ્યારે દરિયાઈ લીલ દરિયાક્ધિાારે પ્રસરેલી હોય છે અને તેને દરિયાઈ શેવાળ (sea weed) કહે છે.

2. વિભાગ પાયરોફાયટા : બે કશા (flagellae) વડે પ્રચલન. પ્લવકો તરીકે પાણીમાં તરે છે.

3. વિભાગ ક્રાયસોફાયટા : પીત-હરિત (yellow green) અને સ્વર્ણ-બદામી (golden-brown) લીલ. ઉદાહરણ તરીકે, ડાયઍટમ (સિલિકાની બનેલી કોષદીવાલ).

4. વિભાગ વ્હોડોફાયટા : લાલ-લીલ. મુખ્યત્વે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં દરિયામાં જોવા મળે છે.

5. સમુદાય : પ્રજીવ : એકકોષીય પ્રાણીઓ.

6. સમુદાય : કવકપંખ (slime mold). એકકોષીય/અકોષીય શરીર. શ્ર્લેષ્મલ તંતુમય આકાર.

() બહુકોષીય વનસ્પતિ જીવસૃદૃષ્ટિ : સામાન્યપણે વૈજ્ઞાનિકો એકકોષીય બધી લીલ વનસ્પતિને અધિ-સૃદૃષ્ટિ (super kingdom) સસીમકેન્દ્રી વનસ્પતિ (eukaryotae) ગણીને તેનો વનસ્પતિ(plantae)સૃદૃષ્ટિમાં સમાવેશ કરે છે.

(1) વનસ્પતિમાં સંવાહક પેશીનો અભાવ (non vascular plants) :

વિભાગ : હરિતા (bryophyta), પથ્થર જેવાને ચોંટેલી વનસ્પતિ; દા.ત., શેવાળ (moss).

(2) સંવાહક પેશીયુક્ત (vascular) વનસ્પતિ :

1. Pterophyta : હંસરાજ (ferns) બીજરહિત

2. Conifers : શંકુદ્રુમ

3. Cycads : સાયકસ

4. Angiospermae : સપુષ્પી

4.1. Monocotyledons : એકબીજપત્રી (એકદલી)

4.2. Dicotyledons : દ્વિબીજપત્રી (દ્વિદલી)

() બહુકોષીય પ્રાણીઓ જીવસૃદૃષ્ટિ (multicellular animals) : વૈજ્ઞાનિકો પ્રજીવોને પણ પ્રાણીસૃદૃષ્ટિના સભ્યો તરીકે ઉલ્લેખે છે.

1. અપૃષ્ઠવંશી (nonchordata/invertebrata) : પ્રાણીઓનો વીસેક જેટલા સમુદાયમાં વિભાગ કરેલો છે.

2. મેરુદંડી (chordata)

2.1. ઉપસમુદાય (subphylum) પુચ્છમેરુ (urochordata) ડિમ્ભાવસ્થામાં મેરુદંડ ધરાવે છે; જ્યારે પુખ્તાવસ્થામાં તે લોપ પામે છે. રક્ષણાત્મક ભાગ રૂપે તેઓ ટ્યૂનિક નામનું આવરણ ધરાવે છે; દા.ત., એસિડિયા (પથ્થર, હોડી જેવાંને ચોટેલાં પ્રાણીઓ).

2.2. ઉપસમુદાય શીર્ષમેરુ (cephalochordata). પુખ્તાવસ્થામાં મેરુદંડ કંકાલતંત્રની ગરજ સારે છે. અન્નમાર્ગનો અડધા જેટલો ભાગ કંઠનળીથી વ્યાપેલો હોય છે; દા.ત., ઍમ્ફિઓક્સસ દરિયાકિનારે રેતીમાં દટાયેલા જોવા મળે છે.

2.3. વર્ગ જડબાવિહોણી (jawless chordates); દા.ત., લૅમ્પ્રી, હૅગફિશ.

2.4. વર્ગ કાસ્થિમીનો (cartilaginous fishes); દા.ત., મુસી (dogfish), શાર્ક વગેરે.

2.5. વર્ગ અસ્થિમીનો (osteichthysis); રોહુ, મૃગલ, કટલા જેવાં મીઠાં જળાશયીન અને પાપલેટ, વામ, બાંગડા, સુરમાઈ જેવાં દરિયાઈ પ્રાણીઓ.

2.6. વર્ગ ઉભયજીવી (amphibia); દા.ત., દેડકો, સાલામાંડાર વગેરે.

2.7. વર્ગ સરીસૃપો (reptiles); દા.ત., કાચબા, સાપ, મગર, ગરોળી.

2.8. વર્ગ વિહગ (aves) : પાંખવાળો ઉડ્ડયનક્ષમતા ધરાવતો પંખી-સમૂહ; દા.ત., કબૂતર, કાગડો, બતક, શાહમૃગ, પેંગ્વિન વગેરે.

2.9. સસ્તનો (mammals) : વાળ અને સ્તનગ્રંથિ ધરાવતાં પ્રાણીઓ; દા.ત., કાંગારુ, ઉંદર, ઘોડા, હાથી, વાઘ, હરણ, વાંદરાં, માનવ વગેરે.

મહાદેવ શિ. દુબળે