વરુણ : એક વૈદિક દેવતા. સંસ્કૃત કોશકારો ‘વરુણ’થી ચાર વ્યક્તિઓને ઓળખે છે : (1) વરુણ સર્વશ્રેષ્ઠ વૈદિક દેવતા છે. તેમનાં બે સ્વરૂપો છે : બંધક વરુણ – સમગ્ર સૃદૃષ્ટિને તેની નૈસર્ગિક શક્તિઓને આયોજનપૂર્વક નિયમોથી બાંધી રાખે છે. શાસક વરુણ સમગ્ર સૃદૃષ્ટિ પર શાસન કરે છે. તેઓ રાજા છે, સમ્રાટ છે. પોતાના પાશથી, નિયમનોમાં ન રહેનાર જીવોને દંડે છે. ત્યારપછીના સમયમાં ઇન્દ્રનું મહત્વ વધતું ગયું. તેમનો રાષ્ટ્રીય દેવતાના રૂપમાં સ્વીકાર થયો. તેથી વરુણનું વિશ્વવ્યાપી સામ્રાજ્ય વિલીન થયું. તે વૈદિકકાળમાં જ માત્ર સમુદ્રના સ્વામી રહી ગયા. અનુવર્તી સાહિત્યમાં તેમનું આ સ્વરૂપ જળવાઈ રહ્યું. મહાભારત કાળથી તે એક લોકપાલ તરીકે પણ પ્રતિષ્ઠિત થયા. તેઓ પશ્ચિમ દિશાના લોકપાલ રહ્યા. એમના દિગ્ગજનું નામ અંજન છે. મહાભારત મુજબ વરુણની પત્નીનું નામ ગૌરી હતું. ચન્દ્રને રોહિણી હોય, તેવી તે એને પ્રિય હતી. વરુણની નગરી માનસોત્તર પર્વત પર નિમ્લોચની અથવા સૂષા હતી. બ્રહ્મદેવ માટે તેમણે યજ્ઞ કર્યો હતો. ‘અમરકોશ’(1.1.61)માં વરુણનાં પાંચ નામો છે : પ્રચેતા (પ્રકૃષ્ટ જ્ઞાની), વરુણ (શાસક), પાશી (નિયમનોમાં રાખનાર), યાદસાંપતિ (જળચરોના સ્વામી), અય્યતિ (જલાધિપતિ).

(2) બાર આદિત્યોમાં એકનું નામ વરુણ છે. તે અનુક્રમે નવમા સ્થાને છે. તે શ્રાવણ માસમાં પ્રકાશિત થાય છે તેવો ‘ભવિષ્યોત્તર પુરાણ’માં નિર્દેશ છે. ‘ભાગવત’ મુજબ આષાઢમાં તે પ્રકાશિત થાય છે. તેમને જ્યેષ્ઠા નામે પત્ની હતી. તેનાથી બે પુત્રો થયા : ગૌ અને પુષ્કર. વરુણને પત્ની ચર્ષણીથી પુત્ર ભૃગુ થયો. તેને ત્રીજી પત્ની શીતતોયા હતી. તેનાથી શ્રુતાયુધ પુત્ર થયો. આ પત્ની પૃથ્વી ઉપરની નદીનું મૂર્તિમંત સ્વરૂપ હતી. કલ્પને પ્રારંભે ઉપર્યુક્ત વરુણ પશ્ચિમના લોકપાલ હતા અને સાંપ્રતમાં છે.

(3) વરુણ નામે ગંધર્વ છે, તે કશ્યપ અને મુનિના પુત્ર છે. મહાભારતના આદિ પર્વમાં તેમનો ઉલ્લેખ છે.

(4) વરુણ નામે એક મરુત છે. મરુતોના ત્રીજા ગણમાં તેમનો સમાવેશ થાય છે.

આષાઢ અથવા શ્રાવણની પૂનમે ‘વરુણપ્રઘાસ’ વ્રત જવ ખાઈને થાય છે. તેનાથી પાણીમાં ડૂબવાનું થતું નથી કે કોઈ જળચર કરડી શકતાં નથી. ‘વ્રતસિન્ધુ’માં તેનો નિર્દેશ છે.

રશ્મિકાન્ત પ. મહેતા