વરુ (wolf) : માંસાહારી (carnivora) શ્રેણીના કૅનિડે કુળનું માંસાહારી સસ્તન પ્રાણી. વૈજ્ઞાનિક નામ canis lupus pallipses છે. સ્થાનિક નામ નાર, ભાગડ, લાગડ છે. આ એક વન્ય પ્રાણી છે.

તેની લંબાઈ 100 સેમી.થી 140 સેમી.ની હોય છે. જ્યારે ઊંચાઈ 65 સેમી. અને વજન 18 કિગ્રા.થી 27 કિગ્રા. જેટલું હોય છે. આયુષ્ય 10થી 15 વર્ષનું હોય છે. નર માદા કરતાં મોટો હોય છે. આ પ્રાણીની 32 ઉપજાતિઓ આવેલી છે.

આ પ્રાણી સૂકા પાનખરવાળાં જંગલોમાં, ક્ષુપવાળા વિસ્તારોમાં, ગાંડા બાવળની ઝાડીઓમાં રણ અને આશ્રય માટે પૂરતી જગ્યા હોય તેવા મેદાનવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રાણી દક્ષિણ અમેરિકા, ધ્રુવપ્રદેશ, ભારત વગેરે દેશોમાં જોવા મળે છે; પરંતુ માડાગાસ્કર અને ન્યૂઝીલૅન્ડમાં જોવા મળતું નથી. ભારતમાં તે કાશ્મીર, ઉત્તરપ્રદેશ, બંગાળ, દક્ષિણ ભારત, પાકિસ્તાનમાં સિંધ વગેરેમાં જોવા મળે છે. ગુજરાતમાં કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર અને બનાસકાંઠાના જિલ્લાઓમાં તે મળે છે. સૌથી વધુ સંખ્યા કચ્છમાં છે. ગુજરાતમાં તેની સંખ્યા 220થી 300ની છે.

વરુ

આ પ્રાણીનો આકાર કૂતરા જેવો હોય છે. કૂતરાની સરખામણીમાં તેની ગરદન મોટી હોય છે. પૂંછડી વજનદાર અને ભરપૂર વાળથી લદાયેલી તથા નીચેની તરફ લટકતી હોય છે. તેના પગની આંગળીઓ અને ચાલવાની રીત કૂતરા જેવી હોય છે. તેના પગ લાંબા અને પાતળા હોય છે. આગળના પગમાં ચાર કે પાંચ અને પાછળના ભાગમાં ચાર આંગળીઓ (digits) હોય છે.

રણમાં ગરમીથી બચવા આ પ્રાણી બખોલ બનાવીને રહે છે. ધ્રુવપ્રદેશમાં તેમજ રણવિસ્તારમાં ખોરાકની શોધમાં તે ઘણું લાંબું અંતર કાપી શકે છે. ભૂમિ પરનાં તમામ પ્રાણીઓમાં વરુના વસવાટનું સીમાક્ષેત્ર (territory) સૌથી મોટું હોય છે. જ્યારે તેની વિપુલ સંખ્યા હતી ત્યારે તેઓ કાળિયાર, છીંકારા અને નાનાં સસ્તનોના શિકાર ઉપર નભતાં હતાં. આ સસ્તનોની વસ્તીમાં ઘટાડો થવાને કારણે તેમને શિકારની પસંદગી ઘેટાં, બકરાં ઉપર ઉતારવાની ફરજ પડી છે. આ પ્રાણી સરળતાથી વૃક્ષ ઉપર ચઢી શકે છે અને પક્ષીઓનાં ઈંડાં તેમજ નાનાં બચ્ચાંઓનો શિકાર પણ કરે છે. બિહાર અને કર્ણાટકમાં તો નાનાં બાળકોને ઉપાડી જતાં માણસખાઉ વરુ પણ નોંધાયાં છે. શિકારની વિપરીત પરિસ્થિતિમાં મરેલાં પ્રાણીઓનું માંસ પણ તેઓ ખાય છે.

માલધારીઓ પોતાનાં ઘેટાં, બકરાં તથા તેમનાં બચ્ચાં બચાવવા માટે વરુનાં બચ્ચાંઓને મારી નાખતા. તેથી વરુની વસ્તીમાં સતત ઘટાડો થતો રહ્યો છે. આ પ્રાણીને વન્યપ્રાણી ધારા 1972ની અનુસૂચિ I માં મૂકવામાં આવ્યું છે અને સુરક્ષિત પ્રાણી તરીકે જાહેર કરાયું છે.

અરુણ ત્રિવેદી